Western Times News

Gujarati News

પેટલાદ તા.પં.નું રૂા.૮.૬૮ કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર

રૂ.૯૮ કરોડના બજેટમાં રૂ.૬૮ કરોડનો ખર્ચ શિક્ષકોના પગાર પાછળ

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ તાલુકા પંચાયત દ્ધારા વર્ષ ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર ગતરોજ સામાન્ય સભામાં રજૂ થયું હતું. અંદાજીત રૂ.૯૮ કરોડનું આ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂ.૮.૬૮ કરોડની પુરાંતવાળા બજેટમાં રૂ.૯૮ કરોડ પૈકી રૂ.૬૮ કરોડ જેટલી રકમ માત્ર શિક્ષકોના પગાર પાછળ થતા ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જાે કે પગાર માટે ગ્રાન્ટ સરકાર આપતી હોય છે.

પરંતુ બજેટનાં કુલ કદનો ૭૦ ટકા હિસ્સો શિક્ષકોના પગાર માટે ફાળવાયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ તાલુકા પંચાયતની બજેટ સભા ગતરોજ બપોરે બે કલાકે સભાખંડમાં યોજાઇ હતી. તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તથા કારોબારી અધ્યક્ષ જીગ્નેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં તાલુકા વિકાસ અધિકારી મહેશ નાક્યાએ બજેટ રજૂ કર્યું હતું.

નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે અંદાજવામા આવેલ આવક – જાવકની આંકડાકીય માહિતી જાેઈએ તો તાલુકા પંચાયતને સ્વભંડોળ પેટે રૂ.૪૧.૭૧ લાખની આવક થઈ શકે તેમ છે?. જ્યારે આણંદ જીલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી પેટલાદ તાલુકા પંચાયતને રૂ.૨૬.૯૦ લાખ મળવાપાત્ર રહેશે. સરકારની વિવિધ ગ્રાન્ટો પેટે રૂ.૮૭.૧૫ કરોડ જેટલી માતબર રકમ પંચાયતને મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આમ આગામી નાણાંકીય વર્ષ દરમ્યાન પેટલાદ તાલુકા પંચાયતને રૂ.૮૭.૮૬ કરોડની આવક અંદાજવામાં આવી છે.

જેમાં સ્વભંડોળ, પાણી ઉપકર, સ્ટેમ્પ ડ્યુટી, વૈદ્યાનિક અનુદાન, જાહેર બાંધકામ, જીલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ, પંચવટી લોકફાળો, ખેતી નિયામક, શૈક્ષણિક (પ્લાન – નોન પ્લાન) ગ્રાન્ટો, કલેક્ટર તથા વિકાસ કમિશ્નરની ગ્રાન્ટ, ૫% પ્રોત્સાહક, ૧૫% વિવેકાધિન, એડીવીટી, ૧૫મું નાણાંપંચ, ધારાસભ્ય, સંસદસભ્ય, રાજ્યસભાના સાંસદ વગેરેની મળવાપાત્ર ગ્રાન્ટોનો સમાવેશ આ બજેટમાં કરવામાં આવ્યો છે. હવે જાવક (ખર્ચ)ની આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો આખા વર્ષની રૂ.૯૮ કરોડની આવક સામે તાલુકાના પ્રાથમિક શિક્ષકોના પગાર પાછળ અંદાજીત રૂ.૬૮.૫૦ કરોડ જેટલો જંગી ખર્ચ થવાનો અંદાજ છે.

ઉપરાંત સામાન્ય વહિવટ, સ્ટેશનરી, સાદીલવાર, વાહન, ખેડુતલક્ષી કાર્યક્રમો, પશુપાલન, સિંચાઈ, જાહેર બાંધકામ વગેરે પાછળ સ્વભંડોળમાંથી ખર્ચ કરવામાં આવનાર છે. સરકાર, ધારાસભ્ય, સંસદસભ્ય, રાજ્યસભાના સાંસદ દ્ધારા મળનાર ગ્રાન્ટોમાંથી તાલુકાના ૫૬ ગામોમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવશે. જેમાં રસ્તા, સફાઈ, પંચાયતઘર રિપેરીંગ, સમરસ પંચાયત, કુદરતી આફત, તાલુકા પંચાયતના સ્ટાફ પગાર, તલાટી કમ મંત્રીના પગાર, રોજમદારના પગાર, કન્યા કેળવણી બોન્ડ, સ્વાસ્થ્ય સંકુલ વગેરે જેવા કામોનો સમાવેશ કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયત તથા તેના શૈક્ષણિક અને આઈસીડીસીએસના ઘટકોની આવક – જાવક સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

પેટલાદ તાલુકા પંચાયતને આગામી નાણાંકીય વર્ષ માટે રાજ્યસભાના સાંસદ રૂપિયા વીસ લાખ, સંસદસભ્ય – રૂ.૭૮.૬૫ લાખ, ધારાસભ્ય – રૂ.૧.૧૨ કરોડ, ૧૫મુ નાણાંપંચ – રૂ.૨.૯૫ કરોડ, એડીવીટી – રૂ.૧.૬૨ કરોડ, ૧૫% વિવેકાધિન – રૂ.૧.૫૦ કરોડ, ૫% પ્રોત્સાહક – રૂ.૧૫ લાખ, પંચાયત ઘર મરામત ગ્રાન્ટ રૂ.૧૫ લાખ, ર્નિમળ ગુજરાત યોજના અંતર્ગત સફાઈ ગ્રાન્ટ પેટે રૂ.૧.૧૯ કરોડ, આંગણવાડી બાંધકામ તથા મરામત માટે રૂ.૮.૪૭ લાખ વગેરે મળી અંદાજીત રૂપિયા દશેક કરોડ જેટલી જ ગ્રાન્ટો વિકાસલક્ષી કામો માટે મળવાનો અંદાજ જાેવા મળે છે. બજેટનું કુલ કદ ભલે રૂ.૯૮ કરોડ હોય, પરંતુ તે પૈકી મોટા ભાગની રકમ વર્ષ દરમ્યાન પગાર, સામાન્ય વહિવટ તથા અન્ય ખર્ચાઓ પાછળ થતો હોવાનું જાેવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.