ગુજરાતના યુવકો માટે ડ્રોન મેન્યુફેક્ચરિંગની ટ્રેનીંગ માટે MANTRA લેબ તૈયાર કરાઈ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 25 માર્ચ, 2023ના રોજ કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટી ખાતે યોજાનારી એક દિવસીય નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 25 માર્ચ, 2023ના રોજ કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી ખાતે ડ્રોન ટેક્નોલોજી પર યોજાનારી એક દિવસીય નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા સચિવશ્રી અતુલકુમાર તિવારી પણ આ શુભ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.
આ કોન્ફરન્સનું આયોજન કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી (કે.એસ.યુ.) દ્વારા કરવામાં આવ્યું છે, કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ- ૨૦૨૧ માં યુવાઓને શિક્ષણની સાથે સ્કિલ મળી રહે તે ઉદેશ્ય થી કરવામાં આવેલ છે. આ યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર અભ્યાસક્રમોથી શરૂ કરી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટ કક્ષાના અભ્યાસક્રમો સ્કીલ ને પ્રાધાન્ય સાથે નવી શિક્ષણનીતિ- ૨૦૨૦ ને અનુરૂપ શરૂ કરવામાં આવેલ છે.
કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની નેશનલ કોન્ફરન્સમાં ડ્રોન ક્ષેત્રે કાર્યરત ૫૦ થી વધુ ઉદ્યોગો, કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ સીવીલ એવીએશન તથા મીનીસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રીન્યોરશીપના અધિકારીઓ, રાજ્ય સરકારના ડ્રોન ક્ષેત્રે સંકળાયેલ વિભાગના અધિકારીશ્રીઓ, સંશોધનકર્તાઓ , ડ્રોન સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ પ્રતિનિધિઓ અને જાહેર સાહસોના અગ્રણીઓ મળીને અંદાજે કુલ ૪૦૦ જેટલા મહાનુભાવોને આમંત્રીત કરવામાં આવેલ છે
ટેકનોલૉજી એક્સપર્ટની બનેલ વિવિધ પેનલો દ્વારા પેનલ ડિસ્કશનનું આયોજન છે મુખ્યત્વે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દિલ્હીના ઉચ્ચ અધિકારીશ્રી પણ આ કોન્ફરન્સમાં ભાગ લેવા પધારનાર છે, અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ટેકનોલોજીના નિષ્ણાત આ કોન્ફરન્સમાં ભાગ લેનાર છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાનશ્રીએ દેશમાં વિવિધ ક્ષેત્રે ડ્રોનના વિવિધ ઉપયોગની જરુરિયાતને જોતાં દેશને ‘ડ્રોન હબ’ બનાવવાની કરેલ હાકલના અનુસંધાને આ કોન્ફરન્સની સાથે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા ડ્રોન MANTRA ( ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેનિંગ) લેબનું ઉદ્દઘાટન માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવનાર છે,
આ ડ્રોન MANTRA લેબ ખાતે ડ્રોન મેન્યુફેક્ચરિંગની સાથે ડ્રોન ટ્રેનીંગ મળી રહે તેવી એક આગવી સુવિધા ઉભી કરવામાં આવનાર છે, આ સંસ્થા ડ્રોન મેન્યુફેક્ચરિંગની તાલીમ આપવાની સાથે કૌશલ્ય ડ્રોનનું ઉત્પાદન પણ કરવામાં આવનાર છે, જેના થકી ડ્રોન તાલીમ રાજ્યના તમામ તાલુકાઓમાં વિસ્તારવા ઉપયોગી થશે,
આ સંસ્થા ખાતે ડ્રોનના નવા ઉપયોગો, સંશોધનો ને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે સાથે યુવાનોને ડ્રોન મેન્યુફેક્ચરિંગની સાથે ડ્રોન ડેટા એનાલિસિસ એન્ડ પોગ્રામીંગનો અભ્યાસક્રમ ભણવાની તક મળી રહેશે.
ઉદ્દઘાટન સમારંભ દરમ્યાન જ કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી ધ્વારા રાષ્ટ્રીય કક્ષાના ડ્રોન હેકાથ્રોનના લોન્ચિંગની જાહેરાત કરવામાં આવશે, જેમાં દેશની વિવિધ IIT, NIT, અગ્રગણ્ય ઇજનેરી કોલેજો, ડ્રોન ક્ષેત્રે કાર્યરત ઉદ્યોગો તથા સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે.તથા આ હેકાથોન માટે નિયત કરવામાં આવેલ ક્ષેત્રો માટે તેઓના સોલ્યુશન /પ્રોટોટાઈપ રજૂ કરશે. આ હેકાથોનમાં વિજેતા અને રનર્સઅપને પુરસ્કૃત કરવા ઉપરાંત તેઓને મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ પણ આપવામાં આવનાર છે.
કોન્ફરન્સના પેનાલિસ્ટમાં મુખ્યત્વે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચિવશ્રી અતુલકુમાર તિવારી(IAS), ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનાં અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. અંજુ શર્મા,(IAS),
ડાઇરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દિલ્હીના ડાઇરેક્ટર શ્રી કે. થુલાસિરમન, કૃષિ નિયામકશ્રી શ્રી એસ. જે. સોલંકી, ક્વૉલિટી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના ચૅરમૅન શ્રી જક્ષય શાહ, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટરશ્રી નીલેશ દેસાઈ,
ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઑફ પોલિસ શ્રી વિકાસ સહાય(IPS), આર્મી ડિઝાઇન બ્યૂરોના મેજર જનરલશ્રી સી.એસ.માન, ડ્રોન ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખશ્રી સ્મિત શાહ, અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ના ડીન ડો. નવીનકુમાર ચૌધરી જેવા મહાનુભાવો સામેલ છે.