સોજીત્રા પાલિકાનું બજેટ નામંજૂરઃ પાંચ સભ્યોએ બળવો કર્યો
આજની સભામાં ભાજપ શાસિત સોજીત્રા પાલિકાના કારોબારી ચેરમેન જિમીત ભટ્ટ સહિત કલ્પનાબેન મકવાણા, રાહુલ વાઘરી, ઉન્નતિબેન રાણા અને જીગ્નેશભાઈ કા.પટેલે પાંચ કામોમાં લેખિત વિરોધ રજૂ કર્યો હતો. સત્તાપક્ષના આ પાંચ સભ્યોની વિપક્ષ ભૂમિકાને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
પ્રમુખનું અકળ મૌન
બજેટ સભા સંપન્ન થયા બાદ સોજીત્રા પાલિકાના પ્રમુખ રજનીકાંત પટેલનો રૂબરૂ સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓએ કંઈપણ જવાબ આપવાના બદલે અકળ મૌન ધારણ કરી લીધું હતું. ઉપરાંત માહિતી આપવાના બદલે કમિટી ક્લાર્ક પાસેથી આજની સભાનું પ્રોસિડીંગ પણ પોતાના હસ્તક કરી લીધું હતું.
સુપરશીડ થવાના ભણકારા
સોજીત્રા પાલિકાનું બજેટ નામંજૂર થતાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. જેની વચ્ચે મળતી માહિતી મુજબ આવા સંજાેગોમાં રાજ્ય સરકાર વધુ એક પ્રયત્ન આપતા હોય છે. પરંતુ જાે તા.૩૧ માર્ચ ૨૦૨૩ પહેલા આગામી નાણાંકીય બજેટ પાલિકા મંજૂર ના કરાવી શકે તો તા.૧ એપ્રિલથી તમામ નાણાંકીય લેવડ દેવડ બંધ થઈ શકે છે.
ઉપરાંત વહિવટદારનું શાસન આવવા સાથે પાલિકા સુપરશીડ પણ થઈ શકે છે ! જાે કે આ અંગે ભાજપની સ્થાનિક અને જીલ્લા નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલા સફળ રહે છે ? એ તો આવનાર સમય જ બતાવી શકે ? પરંતુ હાલ આ પાલિકા સુપરશીડ થવાના ભણકારાનો મુદ્દો નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે !
(પ્રતિનિધિ) પેટલાદ, સોજીત્રા નગરપાલિકાના સભાખંડમાં આજરોજ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટ માટે સાધારણ સભા મળી હતી. જેમાં સત્તાપક્ષના ચાર સભ્યોએ બજેટનો વિરોધ કરતાં ૧૨ વિ. ૯ મતે બજેટ નામંજૂર થયું હતું.
જીલ્લામાં ઉમરેઠ બાદ સોજીત્રા પાલિકાનું બજેટ નામંજૂર થતાં તથા સત્તાપક્ષના જ કેટલાક સભ્યો દ્ધારા બળવો કરાતાં જીલ્લાના રાજકારણમાં ભૂકંપની સ્થિતી સર્જાઈ છે. સોજીત્રા પાલિકાના પ્રમુખની તાનાશાહી અને આપખુદશાહીના કારણે બજેટ નામંજૂર થયું હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.
પ્રાપ્ત માહિતી મુજબ સોજીત્રા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ છેલ્લા બે વર્ષથી ભાજપનું શાસન છે. અહિયાં કુલ ૯ વોર્ડના ૨૪ પૈકી ૧૫ સભ્યો ભાજપના ચૂંટાયા હતા.? જ્યારે કોંગ્રેસના ફાળે ૯ બેઠકો મળી હતી. આમ સોજીત્રા પાલિકામાં ભાજપનું શાસન આવતા પ્રમુખ તરીકે રજનીકાન્ત જશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
તેઓના બે વર્ષના શાસન દરમ્યાન કોઈને કોઈ કારણોસર ભાજપના જ સભ્યોમાં નારાજગી ઉભી થઈ હતી. જેને કારણે જ ખતમ વર્ષે ચાર સભ્યોએ રાજીનામાં ધરી દિધા હતાં. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોવાના કારણે જીલ્લાની નેતાગીરીએ ડેમેજ કંટ્રોલ કરી દિધું હતું.
પરંતુ ફરી એકવાર આજે ભાજપ શાસિત સોજીત્રા નગરપાલિકાના સત્તાપક્ષના ચાર સભ્યોએ બાંયો ચઢાવી બજેટનો વિરોધ નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજની સાધારણ સભામાં કાર્યસુચી મુજબ કુલ ૧૬ કામો રજૂ કરવામાં આવ્યા હતા.
જે પૈકી ગતસભાના ઠરાવોને બહાલી આપવાના પ્રથમ કામમાં જ વિપક્ષના ૮ તથા સત્તાપક્ષના પાંચ સભ્યોએ વિરોધ રજૂ કર્યો હતો. જેમાં ૧૧ માસના કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરવા અંગેનુ કામ હતું. ત્યારપછી એજન્ડા મુજબ કામ નં.૨ રજૂ થયું હતું.
જે સર્વે નં. ૧૬૨૨/૨, ૧૬૨૪/૨, ૧૬૩૩ અને ૧૬૩૫/૧ વાળી જગ્યામાં જે કોમ્પલેક્ષ છે, તેની દુકાનોમાં નવા નંબરો પાડવાનું કામ હતું. જેમાં પણ વિપક્ષ સાથે સત્તાપક્ષના પાંચ મળી ૧૩ સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. કાર્યસૂચી મુજબ કામ નં.૩ હેઠળ આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
પાલિકા માટે વર્ષ દરમ્યાનનું સૌથી મહત્વનું કામ બજેટ ગણવામાં આવે છે. આ બજેટનો પણ વિપક્ષના ૮ તથા સત્તાપક્ષના ૪ મળી ૧૨ સભ્યોએ વિરોધ નોંધાવતા બજેટ નામંજૂર થયુ હતું. તેવી જ રીતે કામ નં.૪ મુજબ પાલિકામાં જુદી જુદી વસ્તુઓની ખરીદી કરવા વાર્ષિક ભાવો મંગાવવાનું હતું.
પરંતુ આ તબક્કે વિપક્ષના મહેબૂબભાઈ વ્હોરાએ સત્તાપક્ષ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા કહ્યું હતું કે જ્યારે જે વસ્તુની જરૂરિયાત હોય ત્યારે ટેન્ડર પ્રક્રિયા કરી મંગાવવી જાેઈએ. જેને સત્તાપક્ષના પાંચ સભ્યોએ પણ સમર્થન આપતા લેખિત વિરોધ રજુ કર્યો હતો.
સોજીત્રા નગરપાલિકામાં અત્યારસુધી જે કોઈ ખર્ચાઓ કર્યા હતા તેના વાઉચરો મંજૂર કરવા સંદર્ભે કામ નં.૫ સાધારણ સભામાં રજૂ થયું હતું. પરંતુ આ કામમાં સત્તાપક્ષના પાંચ સહિત વિપક્ષના ૮ મળી ૧૩ સભ્યોએ લેખિતમાં વિરોધ રજૂ કરતાં કહ્યું હતું કે પગાર તથા લાઇટબીલ સિવાયના તમામ ખર્ચાઓમાં અમારો વિરોધ છે.
આ અંગે વિપક્ષના ઈદ્રીશભાઈ વ્હોરાએ જણાવ્યું હતું કે સોજીત્રા પાલિકામાં તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ પછી એકપણ કારોબારી સભા મળી જ નથી. આ ઉપરાંત કાર્યસૂચી મુજબ કામ નં.૧૩ રજૂ થયું હતું કે સોજીત્રા પાલિકા હદમાં લારી તથા પાથરણાંવાળાને હંગામી જગ્યા ફાળવવી જાેઈએ.
આ કામ સામે પણ વિપક્ષના ૮ અને સત્તાપક્ષના ૫ સભ્યોએ લેખિતમાં વિરોધ રજૂ કર્યો હતો કે આ માટે જીલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. આમ આજની બજેટ બેઠકમાં સત્તાપક્ષના ચાર સભ્યોની વિપક્ષ ભૂમિકાને કારણે બજેટ નામંજૂર થતાં જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યસૂચીના કુલ ૧૬ પૈકી ૫ કામોમાં કારોબારી અધ્યક્ષ સહિત પાંચ સભ્યોએ લેખિત વિરોધ કરી પ્રમુખની તાનાશાહી સામે બાંયો ચઢાવી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.