Western Times News

Gujarati News

હવે ગુજરાતના યુવાનો “ડ્રોન મંત્રા લેબ”માં ડ્રોન બનાવવાનું શીખશે

અમદાવાદમાં નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

● વિજ્ઞાન ટેકનોલોજીનો લાભ છેવાડાના સામાન્ય માનવી સુધી પહોંચાડવાના વડાપ્રધાનશ્રીના આહવાનને ગુજરાત ડ્રોન ટેકનોલોજીના વ્યાપથી ઝિલી લેવા સજ્જ

● ખેતરમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ ની પહેલ ગુજરાતે કરી છે

● ડ્રોન ટેકનોલોજી લાઇફ સેવિંગ માટે ઉપયુક્ત થવા ઉપરાંત દૂર-દરાજના વિસ્તારોમાં નાગરિક સેવાઓની ડોર સ્ટેપ ડિલિવરી માટે પણ ઉપયોગી છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજી નો અમદાવાદમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં ગુજરાતે દરેક ક્ષેત્રે ટોપ પર રહેવાનો અને આગળ વધવાનો સફળ પ્રયાસ હંમેશા કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો લાભ છેવાડાના અને સામાન્ય માનવીને ઉપલબ્ધ થાય તે માટે આહવાન કર્યું છે તેને ગુજરાત ઝિલી લેવા સજ્જ છે.

એટલું જ નહીં સમયાનુકૂળ ટેકનોલોજીના માધ્યમથી યુવાનોને રોજગારી મળે, સ્કીલીંગની નવી તકો મળે તેવા અભ્યાસક્રમો, વ્યવસાયલક્ષી શિક્ષણને પણ રાજ્ય સરકાર પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કૌશલ્યા  – ધ સ્કિલ યુનિવર્સિટીના ઉપક્રમે આયોજિત નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ તેમજ ડ્રોન મંત્રા લેબના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, ડ્રોન ટેકનોલોજી એવું વિકસી રહેલું ક્ષેત્ર છે જેમાં વિપુલ સંભાવનાઓ પડેલી છે. રાજ્ય સરકારે તેને પ્રોત્સાહન આપવા કૌશલ્યા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડ્રોન મારફતે વિવિધ તાલીમ પણ શરૂ કરવાનું આયોજન કર્યું છે.

આ માટે ડ્રોન પાયલોટ ટ્રેનિંગ – ડ્રોન તાલીમ રાજ્યની 50 જેટલી આઈ.ટી.આઈ માં મળી શકે તેવી વ્યવસ્થા કરી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ડ્રોન ટેકનોલોજીનો વ્યાપ ખેતર થી લઈને ખેલના મેદાન સુધી અને જરૂરિયાતના સમયે આપાતકાલીન વેળાએ લાઈફ સેવિંગ સુધી વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં વિસ્તર્યો છે.

તેમણે કહ્યું કે, એક સમય હતો કે વિશ્વમાં કોઈ ટેકનોલોજી કે નવીન સંશોધન થાય તે ભારતમાં લાંબા સમય પછી આવતા હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિજ્ઞાન ટેકનોલોજી માં એવી સજ્જતા દેશમાં કેળવી છે કે તરત જ અદ્યતન ટેકનોલોજી આપણે ત્યાં પણ વિદેશો સાથે જ આવી જાય છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના કાળમાં ભારતે વિકસાવેલી સ્વદેશી વેકસીનનો આ સંદર્ભમાં વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ડ્રોન દૂર-દરાજના વિસ્તારોમાં સેવાઓની ડોર સ્ટેપ ડિલિવરીનું માધ્યમ બન્યું છે. ટુરિઝમ, ડિઝાસ્ટર, મીડિયા સહિત સર્વેલન્સ અને રિસર્ચના ક્ષેત્રે પણ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની વિશાળ તકો છે.

તેમણે કહ્યું કે, ખેડૂતના ખેતરમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની પહેલ પણ ગુજરાતી કરી છે.

આ કોન્ફરન્સમાં ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચીવ શ્રી અતુલકુમાર તિવારીએ જણાવ્યું હતું કે, 2030 સુધી ભારતને ગ્લોબલ ડ્રોન હબ બનાવવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી તિવારીએ કહ્યું હતું કે, ગુજરાત હંમેશાથી અગ્રગણ્ય રાજ્ય રહ્યું છે. કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સીટીથી ડ્રોન ક્ષેત્રે અભૂતપૂર્વ કામ થશે. જેના થકી બીજા રાજ્યોમાં પણ અમે ડ્રોન ક્ષેત્રને વિકસાવવા અને ડ્રોન પોલિસી લાવવામાં મદદરૂપ થશે.

તેમણે ઉમેર્યું હતું કે, હું ગુજરાત સરકારનો આભારી છું કે, આજની નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીમાં મને સહભાગી થવાનું નિમંત્રણ આપ્યું. આ કોન્ફરન્સના માધ્યમથી અમને પણ ઘણા સૂચનો મળશે જેના પર અમે આગામી સમયમાં કામ કરી શકીશું.

આ કોન્ફરન્સમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો.અંજુ શર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું વિઝન ભારતને ડ્રોન હબ બનાવવાનું છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સમગ્ર દેશમાં ડ્રોન ટેકનોલોજીનું કેપિટલ બને તે દિશામાં અમે કાર્યરત છીએ. વધુમાં તેમણે કહ્યું કે, ડ્રોન ક્ષેત્રે મુખ્યમંત્રીશ્રીનું સતત માર્ગદર્શન અને સહકાર મળતો રહ્યો છે.

કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની આ નેશનલ કોન્ફરન્સમાં ડ્રોન ક્ષેત્રે કાર્યરત 50 થી વધુ ઉદ્યોગો, કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ સીવીલ એવીએશન તથા મીનીસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રીન્યોરશીપના અધિકારીઓ, રાજ્ય સરકારના ડ્રોન ક્ષેત્રે સંકળાયેલ વિભાગના અધિકારીશ્રીઓ, સંશોધનકર્તાઓ , ડ્રોન સ્ટાર્ટઅપ્સ મળીને અંદાજે કુલ 400 જેટલા મહાનુભાવો ભાગ લેશે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાનશ્રીએ દેશમાં વિવિધ ક્ષેત્રે ડ્રોનના વિવિધ ઉપયોગની જરુરિયાતને જોતાં દેશને ‘ડ્રોન હબ’ બનાવવાની કરેલ હાકલના અનુસંધાને આ કોન્ફરન્સની સાથે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા ડ્રોન મંત્રા લેબનું ઉદ્ધાટન મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયું હતું.

જેમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગની સાથે ડ્રોન ટ્રેનીંગ મળી રહે તેવી સુવિધા ઉભી કરાઈ છે. ડ્રોન મેન્યુફેક્ચરિંગની તાલીમ આપવાની સાથે ડ્રોનનું ઉત્પાદન પણ કરવામાં આવનાર છે, જેના થકી રાજ્યના તમામ તાલુકાઓમાં ડ્રોન તાલીમ યોજી શકાશે. તથા ડ્રોનના નવા ઉપયોગો અને સંશોધનોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

આ ઉપરાંત યુવાનોને ડ્રોન મેન્યુફેક્ચરિંગની સાથે ડ્રોન ડેટા એનાલિસિસ એન્ડ પોગ્રામીંગનો અભ્યાસક્રમ ભણવાની તક પણ મળી રહેશે.

રાષ્ટ્રીય ડ્રોન હેકેથોનમાં દેશની વિવિધ IIT, NIT, અગ્રગણ્ય ઇજનેરી કોલેજો, ડ્રોન ક્ષેત્રે કાર્યરત ઉદ્યોગો તથા સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે તથા આ હેકાથોન માટે નિયત કરવામાં આવેલ ક્ષેત્રો માટે તેઓના સોલ્યુશન /પ્રોટોટાઈપ રજૂ કરાશે.

આ કોન્ફરન્સમાં ક્વૉલિટી કાઉન્સિલ ઑફ ઈન્‍ડિયાના ચૅરમૅન શ્રી જક્ષય શાહ, કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સીટીના રજિસ્ટ્રાર શ્રી એચ.આર સુથાર તથા ચીફ સ્કિલ કો-ઓર્ડીનેટર શ્રી પી.એ. મિસ્ત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.