મંદિરોમાં ચોરી કરતા સાળા-બનેવીની જાેડી પકડાઈ
(એજન્સી)ભાવનગર, ભાવનગર અને અમદાવાદ જિલ્લાની ત્રિપુટીએ ચોરી કરવા મંદિરોને નિશાન બનાવ્યા તેમજ રાજ્યના ૯ જિલ્લાના ૫૧ મંદિરો માથી રોકડ અને સોનાચાંદીના આભૂષણોની ચોરી કરી લાખોનો મુદ્દામાલ લઈ પલાયન થઈ ગયા હતા. જેની અલગ અલગ ફરિયાદો ને લઈને રાજ્યભરની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું.
ચોરીની અનેક ફરિયાદોના પગલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ સક્રિય બની હતી. એવામાં એલસીબી સ્ટાફના માણસોને સિહોર તાલુકાના સિહોર ઘાંઘળી ચોકડી નજીક ઉભેલા ત્રણ શખ્સોની શંકાસ્પદ ગતિવિધિ અંગે બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચતા ત્રણે શખ્સો મળી આવ્યા હતા.
જેની પૂછપરછ દરમ્યાન અતુલ પ્રવીણભાઈ ધકાણ નામનો એક આરોપી અગાઉ પણ અનેક ગુન્હામાં સંડોવાયેલો હોય તેની ઓળખ થઈ જતાં એલસીબી એ ત્રણેને ઝડપી લઇ આગવી ઢબે વધુ સઘન પૂછપરછ કરતાં ગુજરાતના ૯ જિલ્લાના ૫૧ મંદિરોમાં લાખોની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
રાજ્યના ભાવનગર, અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, પોરબંદર સહિત ૯ જિલ્લામાં મંદિરોને ટારગેટ બનાવી તરખાટ મચાવનાર ત્રિપુટી સગા સાળા બનેવી હોવાનું બહાર આવ્યું છે, મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નવાગામનો વતની અતુલ પ્રવીણભાઈ ધકાણ અને અમદાવાદના નેસડા ગામનો ભરત પ્રવીણભાઈ થડેશ્વર બંને સાઢુભાઈ છે. જ્યારે અમદાવાદના હીરાવાડી વિસ્તારનો સંજય જગદીશભાઈ સોની બંનેનો સાળો થાય છે.
સાળા બનેવી સહિતની ત્રણેની તિપૂટી એ ટોળકી બનાવી ચોરી કરવામાં સૌથી આસાન બની શકે એવા મંદિરોને ટાર્ગેટ બનાવ્યા હતા. આ લોકો એવા મંદિરોને નિશાન બનાવતા જે લોકોની અવર જવર અને ગામથી થોડા દૂર હોય, દર્શન કરવાના બહાને મંદિર રોકાઈ જતાં
અને બાદમાં રોકડ અને ભગવાનને ચડાવવામાં આવેલા આભૂષણોની ચોરી કરી પલાયન થઈ જતાં, આમ તેઓ એક બાદ એક મંદિરને નિશાન બનાવતા ગયા અને રાજ્યના ૯ જિલ્લા મળી ૫૧ મંદિરોમાં ચોરી કરી લાખોનો મુદ્દામાલ ઉઠાવી લીધો હતો.