લગ્નના દિવસે બંને ફરવા ગયા ત્યારે યુવતી રફુચક્કર થઈ ગઈ
અમદાવાદ, પહેલું લગ્નજીવન નિષ્ફળ રહ્યા બાદ નારોલમાં રહેતા ૨૯ વર્ષના યુવક માટે બીજા લગ્ન પણ દુઃસ્વપ્ન સાબિત થયા હતા. લગ્નના દિવસે પત્નીએ ક્યાંક ફરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેથી તે ઘર નજીક પડતાં કાંકરિયામાં ફરવા માટે લઈ ગયો હતો.
જ્યાં બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો હતો અને બાદમાં ઘરે જવા માટે જ્યારે યુવક પાર્કિંગમાંથી પોતાની બાઈક લેવા ગયો ત્યારે તેની પત્ની રફુચક્કર થઈ ગઈ હતી. પત્ની આસપાસ ક્યાંક હશે તેમ વિચારીને યુવકે થોડીવાર રાહ જાેઈ હતી અને તેમ છતાં ન આવતાં તેણે શોધખોળ શરૂ કરી હતી.
અંતમાં પત્ની ‘લૂંટેરી દુલ્હન’ નીકળી અને પોતે છેતરાયો હોવાનો અહેસાસ થતાં તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવીને હતી. મહિલા સિવાય વચેટિયો, કાકા અને મામા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. વિરમગામનો વતની અને હાલ નારોલમાં રહેતો યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા પરંતુ મતભેદ થતાં ડિવોર્સ લીધા હતા.
બાદમાં તેણે તેના કોઈ ઓળખીતા સામે બીજા લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કોઈ યુવતી ધ્યાનમાં હોય તો બતાવવા કહ્યું હતું. મહેસાણામાં રહેતા તેના ઓળખીતાએ એક યુવતી સાથે ફોનમાં તેની વાત કરાવી હતી. બાદમાં યુવકને તેને મળવા માટે પિતા સાથે કડીમાં મળ્યા હતા.
એકબીજા પસંદ આવી જતાં લગ્ન માટે હા પાડી હતી. તે સમયે ત્યાં હાજર યુવતીના કાકા અને મામાએ લગ્નના ખર્ચની સાથે-સાથે ૧.૬૦ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી. યુવક અને તેના પિતાએ શરત મંજૂર કરી હતી. અમદવાદમાં તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને શરત પ્રમાણે ૧.૬૦ લાખ યુવતીના મામાને આપ્યા હતા. આ જ દિવસે યુવતીએ ફરવા જવાનું કહેતા યુવક તેને કાંકરિયા લઈ ગયો હતો.
તેને ગેટ નં. ૧ પાસે ઉભા રહેવાનું કહી તે બાઈક લેવા ગયો ત્યાં સુધીમાં તે તો ભાગી ગઈ હતી. યુવકે પત્નીના મામા અને કાકાને ફોન કર્યો તો તે પણ સ્વિચ્ડ ઓફ આવચો હતો. વચેટિયો પણ અલગ-અલગ બહાના બનાવવા લાગ્યો હતો. બાદમાં યુવકે પત્ની સહિત ચાર સામે ફરિયાદ કરી હતી.SS1MS