પેટલાદ MGVCLએ ૨૭૬૮ વીજ કનેક્શન કાપ્યાઃ રૂ.૯ કરોડની વસૂલાત
ડ્રાઈવ દરમ્યાન ૩૧ માર્ચ સુધીમાં ટાર્ગેટ પૂરો કરાશે
(પ્રતિનિધિ) પેટલાદ, એમજીવીસીએલની પેટલાદ વિભાગીય કચેરી દ્ધારા વીજ બીલનાં બાકી લેણાં માટે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જેના દ્ધારા તા.૨૨ માર્ચ સુધીમાં ૭ સબ ડિવીઝનના ૨૭૬૮ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.
આ ડ્રાઈવ દરમ્યાન વીજ ગ્રાહકોએ બાકી બીલના નાણાં તાબડતોબ ભરતા એમજીવીસીએલને રૂ.૯ કરોડ જેટલી વસૂલાત થઈ છે. આ ડ્રાઈવ રજાઓના દિવસોમાં પણ કાર્યરત હોવાથી પેટલાદ ડિવીઝન પોતાનો ટાર્ગેટ તા.૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ કરવાના હોવાનું કાર્ય પાલક ઈજનેરે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મધ્ય ગુજરાત વીજ કંપનીની પેટલાદ ખાતે વિભાગીય કચેરી આવેલ છે. જેના તાબા હેઠળ પેટલાદ રૂરલ, પેટલાદ સીટી, સોજીત્રા, ખંભાત રૂરલ, તારાપુર, ખંભાત સીટી અને ઉંદેલ મળી કુલ સાત સબ ડિવીઝનનો સમાવેશ થાય છે. જેમાં રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક, ખેતી વિષયક જેવા વીજ કનેક્શન ગ્રાહકોની જરૂરિયાત મુજબ આપવામાં આવતા હોય છે.
જે પેટે એમજીવીસીએલ દર એક કે બે મહિને વપરાશ મુજબ વીજ બીલનાં નાણાં વસુલ કરતા હોય છે. આ સાત ડિવીઝન પૈકી પેટલાદ રૂરલના ૩૮ ગામડાંઓમાં ૪૧૭૪૮, પેટલાદ સીટીમાં ૧૬૮૨૨, સોજીત્રા સીટી અને રૂરલના ૨૬ ગામોમાં ૩૪૭૩૭, ખંભાત રૂરલના ૪૧ ગામડાંઓમાં ૨૬૨૬૮, તારાપુરના બાવન ગામોમાં ૨૮૫૯૮,
ખંભાત સીટી અને પાંચ ગામડાંઓમાં મળી ૩૩૯૫૬ તથા ઉંદેલ સબ ડિવીઝનમાં સમાવિષ્ટ ૧૮ ગામડાંના ૨૨૫૮૫ મળી કુલ ૨૦૪૭૧૪ વીજ ગ્રાહકો પેટલાદ વિભાગીય કચેરીના તાબા હેઠળ છે. જેમાં રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક અને ખેતી વિષયક વીજ જાેડાણનો સમાવેશ થાય છે.
આ તમામ સબ ડિવીઝનના વીજ ગ્રાહકો પૈકી કેટલાક એવા હોય છે જે સમયસર વીજ બીલ ભરતા જ નથી. તેમાંય માર્ચ એન્ડીંગને કારણે એમજીવીસીએલ દ્ધારા આવા બાકીદારો માટે વસૂલાત કરવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ પેટલાદ ડિવીઝન દ્ધારા તા.૧ માર્ચથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી.
જે અંતર્ગત સાત ડિવીઝન માટે દૈનિક ૭૦થી વધુ ટીમો કાર્યરત કરવામાં આવી છે. દરેક ટીમમાં ક્લાર્ક, કનેક્શન કાપનાર ઈલેક્ટ્રીશ્યનને વાહન તથા ડ્રાઈવર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં મોકલવામાં આવે છે. જેઓ સ્થળ ઉપર જ વસૂલાત કરે છે અથવા જાે બાકી બીલના નાણાં ના ચૂકવે તો વીજ કનેક્શન કાપી નાંખવામાં આવે છે.
પેટલાદ ડિવીઝનના સાત સબ ડિવીઝન દ્ધારા તા.૨૨ માર્ચ સુધીમાં વીજ બીલના ૧૬૯૧૩ બાકીદારો સામે એમજીવીસીએલએ લાલ આંખ કરી હતી. જેની સામે ૨૭૬૮ વીજ ગ્રાહકોએ બાકી નાણાં નહીં ભરતા કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. જ્યારે ૧૦૨ ગ્રાહકોના વીજ મીટર જપ્ત કરવામાં આવ્યા છે.
આ ડ્રાઈવ દરમ્યાન ૩૭૭૫ ગ્રાહકોએ સ્થળ ઉપર જ અંદાજીત રૂ.૬૨ લાખ જેટલી રકમ ચૂકવી દિવેલ હતી? ઉપરાંત ૧૭૫૦ ગ્રાહકો એવા હતા કે જેઓએ રૂ.૪૦ લાખ જેટલી રકમ ઓનલાઈનથી પેમેન્ટ કરી હતી. જે ગ્રાહકો પાસે હાથ ઉપર રોકડ કે ઓનલાઈન વ્યવસ્થા ન હતી તેવા ૨૭૪૩ ગ્રાહકો બાકી બીલના નાણાં જે તે સબ ડિવીઝન કચેરી ખાતે ભરી ગયા હતા.
આમ પેટલાદ વિભાગના સાત સબ ડિવીઝન દ્ધારા ૧૬૯૧૩ પૈકી ૧૧૧૩૮ બાકીદારો પાસેથી વસૂલાતની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જે ૨૭૬૮ વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા તે પૈકી ૬૯૪ ગ્રાહકોએ બાકી નાણાં ભરપાઇ કરતા તેઓના વીજ જાેડાણ પુનઃ કાર્યરત કરવામાં આવ્યા હતા.
આ અંગે પેટલાદ ડિવીઝનના કા.પા.ઈ. જી બી પટેલીયાએ જણાવ્યું હતું કે અમને મળેલ ટાર્ગેટ તા.૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ કરીશું. અત્યાર સુધીમાં રૂ.૯ કરોડ જેટલી વસૂલાત કરવામાં આવી છે અને રૂ.૯ કરોડ જેટલા બાકી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે તારાપુર અને ખંભાત રૂરલ સબ ડિવીઝનમાં સૌથી વધુ ટીમો તૈનાત કરવી પડે છે. એ બાજુના ગામડાંઓમાં બાકીદારોની સંખ્યા વધુ છે.
પાલિકાની કંગાળ સ્થિતી
પેટલાદ ડિવીઝનમાં પેટલાદ, ખંભાત અને સોજીત્રા નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ પાલિકાઓના વોટર વર્કસ, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઈટ પેટે કરોડો રૂપિયા બાકી છે. પેટલાદ પાલિકા હદ વિસ્તારમાં વોટર ર્વર્કસના ૨૪ અને સ્ટ્રીટ લાઈટના ૨૪ મળી કુલ ૪૮ કનેક્શન ધરાવે છે.
આ પૈકી વોટર વર્કસના રૂ.૪.૬૧ કરોડ ચુકવવાના બાકી છે, જ્યારે સ્ટ્રીટ લાઈટના બીલ દર? મહિને નિયમીત ભરાઈ જાય છે. ખંભાત પાલિકા હદમાં વોટર વર્કસના ૨૫ તથા સ્ટ્રીટ લાઈટના ૨૦ કનેક્શન કાર્યરત છે. ખંભાત પાલિકાએ એમજીવીસીએલને વોટર વર્કસ પેટે રૂ.૫.૭૦ કરોડ અને સ્ટ્રીટ લાઈટ પેટે રૂ.૩૪ લાખ જેટલા ચુકવવાના બાકી છે.
તેવીજ રીતે સોજીત્રા પાલિકાએ પણ વોટર વર્કસના રૂ.૮૯ લાખ અને સ્ટ્રીટ લાઈટના રૂ.૧.૭૧ લાખ ચુકવ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પાલિકાઓ વર્ષ દરમ્યાન નગરજનો પાસેથી કરોડો રૂપિયાના વેરા વસૂલાત કરે છે. જે રકમ પાલિકાના સ્વભંડોળમાં જ જમા થાય છે. છતાં પાલિકા વર્ષોથી વોટર વર્ક્સ જેવી આવશ્યક સેવાઓનાં નાણાં કેમ ચુકવી નથી શકતા ?
૧ લાખ ગ્રાહકોના ૯ કરોડ બાકી
એમજીવીસીએલ દ્ધારા મળતી માહિતી મુજબ હજી પણ પેટલાદ ડિવીઝનમાં એક લાખથી વધુ વીજ ગ્રાહકોના બીલ બાકી ચાલે છે. જેની અંદાજીત રકમ રૂપિયા નવ કરોડ જેટલી છે. આ બાકીદારોમાં રહેણાંક અને ખેતી વિષયકના સૌથી વધુ છે. પેટલાદ ડિવીઝનમાં સૌથી વધુ બાકીદારો ૨૦૮૯૩ સોજીત્રા સબ ડિવીઝનના છે.
જ્યારે સૌથી ઓછા બાકીદારો ૧૩૩૯૩ પેટલાદ સીટી સબ ડિવીઝનના હોવાનું જાણવા મળે છે. સમગ્ર પેટલાદ વિભાગીય કચેરીના સાત સબ ડિવીઝનમાં સમાવિષ્ટ હદમાં લગભગ ૧.૧૮ લાખ બાકીદારોના અંદાજીત રૂ.૯.૯૦ કરોડ ચુકવવાના બાકી છે. જે માટે પેટલાદ ડિવીઝન દ્ધારા માર્ચ એન્ડીંગના છેલ્લા અઠવાડીયામાં વસૂલાત આકરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.