Western Times News

Gujarati News

ખારીકટ કેનાલ પ્રોજેકટમાં PMCની કામગીરી સામે પ્રશ્નાર્થ: અધિકારીઓ પાસે માહિતી માગવામાં આવી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના ત્રણ ઝોનમાંથી પસાર થતી ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ માટે રાજય સરકાર દ્વારા રૂા.૧ર૦૦ કરોડની સહાય આપવામાં આવશે. સદર કેનાલ ડેવલોપમેન્ટનું કામ શરૂ થઈ ગયું છે ત્યારે તેના માટે પીએમસીની નિમણુંક કરવા માટે મુકવામાં આવેલી દરખાસ્તમાં વિગતો અધુરી હોવાથી તે અનિર્ણીત રહી છે.

જયારે કઠવાડા અને ધીરજ હાઉસીંગમાં પાણીની સમસ્યા માટે વોટર સપ્લાય કમિટીમાં સઘન ચર્ચા થઈ હતી. મ્યુનિસિપલ વોટર એન્ડ સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદના પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે ખારી કટ કેનાલનું ડેવલપમેન્ટ શરૂ થયું છે.

હાટકેશ્વર બ્રિજમાં જે રીતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી દ્વારા યોગ્ય ધ્યાન ન આપતા હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ખારીકટ કેનાલ પ્રોજેક્ટને મોનિટરિંગ કરવા માટેની એજન્સી નિમણૂક કરવા માટે કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

પરંતુ પ્રોજેક્ટ દરમિયાન કેટલા એન્જિનિયરો અને કેટલા માણસો વગેરે હાજર રહેશે અને કઈ રીતે એનું મોનિટરિંગ કરશે તે બાબતનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેની માહિતી અધિકારીઓ પાસેથી મેળવવાની હોવાથી સદર દરખાસ્ત પર કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી.

શહેરમાં ઉનાળામાં પાણીની સમસ્યા જાેવા મળતી હોય છે શહેરના છેવાડે આવેલા કઠવાડા ગામને બે વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં અવારનવાર પાણીની સમસ્યા સર્જાતી હોય છે.

અહીં પાણીના નવા નેટવર્ક નાખવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે પરંતુ હજી સુધી કઠવાડા ગામમાં પાણીની લાઇનો પહોંચી નથી. ઉનાળાના સમય દરમિયાન પાણીની સમસ્યા ન થાય તેના માટે રૂ. ૨૬ લાખના ખર્ચે નવો બોર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી ધીરજ હાઉસિંગમાં બે વર્ષથી પાણીની ટાંકીની કામગીરી ચાલી રહી છે જે અંગે ફરી એકવાર અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમજ સાત દિવસમાં આ કામ પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.