સતત 3 વર્ષથી કેસર કેરીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે આ ગામમાં
તાલાલા, તાલાલા તાલુકાના ધાવાગીર ગામે સતત ત્રીજા વર્ષે કેસર કેરીનો પાક નિષ્ફળ ગયો હતો. કેરીનો નાશ પામેલા પાકનું તુરત સર્વે કરાવી વહેલાસર યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે કેરીના ઉત્પાદકોએ મામલતદારને આવેદન આપ્યુ હતુ.
તાલાલા મામલતદાર મારફતે રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીને મોકલેલા આવેદનમાં જણાવ્યુ છે કે ત્રણ વર્ષ પહેલાં તૌકતે વાવાઝોડાને કારણે આંબા પરનો તૈયાર પાક નાશ પામ્યો હતો.
ત્યારબાદ વાવાઝોડાની સાઈડ ઈેફેકેટના કારણે આંબા પર નહીવત પ્રમાણમાં પાક આવ્યો હોવાથી બીજા વર્ષેં પણ કેરીનો પાક નિષ્ફળ ગયો હતો. આ વર્ષેે કરા સાથે કમોસમી વરસાદ અને ર૦ દિવસથી વાદળછાયુ વાતાવરણ અને ઠંડા પવનના કારણે કેરીનો પાક નાશ પામ્યો છે.
ધોવાગીર ગામના મોટાભાગના કિસાનો બાગાયતી ખેતી ઉપર નિર્ભર છે. એવા કિસાન પરિવારો નોંધારા થઈ ગયા હોવાથી ધાવા ગીર ગામમાં કેરીના નિષ્ફળ પાકનું તુરત સર્વે કરાવી તુરત યોગ્ય વળતર ચૂકવી આર્થિક પાયમાલીમાંથી ઉગારવા માંગ કરાઈ છે.