રોકડા તેમજ અનાજ કરિયાણા મળી 21 લાખના મુદ્દામાલની સુપરમાર્કેટમાં ચોરી
બોરસદના સુપર માર્કેટમાં ત્રાટકેલા તસ્કરો ૨૧ લાખની મત્તા ચોરી ફરાર
(એજન્સી)બોરસદ, બોરસદ શહેરમાં હવે દિવસે-દિવસે તસ્કર રાજ સ્થાપિત થઇ રહ્યું છે.પોલીસનો જાણે કોઈ જ ડર ના હોય તેમ તસ્કરો એક પછી એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસ હમેશની જેમ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહી છે
જેને લઇ શહેરીજનોમાં પણ ફફડાટ ફેલાયો છે છેલ્લા એક માસમાં ચાર જેટલા ચોરીના બનાવો બન્યા બાદ પણ શહેર પોલીસ દ્વારા એક પણ ભેદ ઉકેલવામાં આવ્યો નથી
અને ચોરીઓના બનાવોને પણ પોલીસ અટકાવી શકી નથી ત્યારે તસ્કરોએ મુખ્ય ચોકડી અને મુખ્ય માર્ગ ઉપર આવેલ સુપર માર્કેટમાં ત્રાટકી લાખોની મત્તા ચોરી કરી ફરાર થઈ જતા પોલીસના આબરૃના ધજાગરા ઉડી જવા પામ્યા છે.
બોરસદમાં છેલ્લા કેટલાક સમયથી જાણે તસ્કરોનો રાજ હોય તેવી અનુભૂતિ શહેરીજનોને થઇ રહી છે એક માર્ચે અરેબિયા સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો લાખોની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા
તેમજ વ્હોરા સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો લાખોની રોકડ અને સોના ચાંદીના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા તેમજ અન્ય બે મકાનોના તાળા પણ તસ્કરોએ તોડયા હતા આ તમામ બનાવોમાં પોલીસ હજુ અંધારામાં ફાંફા મારી રહી છે ત્યારે પોલીસની નાક નીચે વધુ એક ચોરીને અંજામ આપીને તસ્કરો પલાયન થઇ ગયા છે.
બોરસદ શહેરની સતત ધમધમતી અને પોલીસ પોઇન્ટ ધરાવતી વાસદ ચોકડી ઉપર ભાદરણ જવાના માર્ગ ઉપર આવેલ શ્રી રામ સુપર માર્કેટમાં ૨૬મી માર્ચના રોજ મધ્યરાત્રિના સુમારે ત્રાટકેલા તસ્કરોએ ડુપ્લીકેટ ચાવીની મદદથી સુપર માર્કેટના મુખ્ય સ્ટોરનું લોક ખોલીને પ્રવેશ કર્યો હતો
અને અંદર કાઉન્ટરમાં રહેલ રોકડ રૃપિયા તેમજ અનાજ કરિયાણાનું સામાન ચોરીને ફરાર થઇ ગયા હતા જતા જતા તસ્કરો અહીંયા લગાવેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ પોતાની સાથે લઇ ગયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુપર માર્કેટના કાઉન્ટરમાં આવેલ ગલ્લામાં અંદાજિત ૧૮ લાખ જેટલી રોકડ રકમ અને તેલના ડબ્બા તેમજ અન્ય કરિયાણાની ચીજ વસ્તુઓ સહીત ૨૧ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. વાસદ ચોકડી વિસ્તારમાંથી સતત ટ્રાફિકથી ધમધમતો માર્ગ પસાર થાય છે જેને લઇ અહીંયા પોલીસ પણ હાજર હોય છે રોજ રાત્રીના સુમારે પોલીસ ગાડીઓ અટકાવીને વિશેષ પ્રકારની કામગીરી કરતી હોય છે.