Rajkot:વેપારીની આંખમાં મરચું નાખીને ૨ લાખની લૂંટ
પૂર્વ કર્મચારીએ જ ઘડ્યો હતો લૂંટનો પ્લાન
આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે ૯ આરોપીઓને ઝડપી પાડયા છે, આ આરોપીઓમાં ૩ સગીર પણ સામેલ છે
રાજકોટ, રાત્રિના પોણા દસ વાગ્યા આસપાસ કટલરીના વેપારી દુકાન બંધ કરી વેપારના ૨ લાખ જેટલા રૂપિયા એક્ટિવાની ડેકીમાં રાખીને ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન કેકેવી હોલ નજીક બાઈક પર આવેલા અજાણ્યા બે શખ્સોએ તેમનું એકટીવા ઊભું રખાવી તેમની આંખમાં મરચાની ભૂકી છાંટી હતી અને ડેકીમાં રહેલા બે લાખ રૂપિયા અને એકટીવા લઈને લૂંટારાઓ નાસી છૂટ્યા હતા. Robbery of 2 lakhs by throwing chili in the eye of a businessman
ત્યારબાદ માલવિયા નગર પોલીસે ઘટના સ્થળે પહોંચી આજુબાજુના સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જાેડાઈ હતી અને ૨ દિવસની અંદર લૂંટમાં સંડોવાયેલા ૬ શખ્સોને ઝડપી પાડયા છે. કુલ ૯ લોકો આ લૂંટમાં સામેલ હતા. જેમાંથી ૩ સગીરો કાયદાના સકંજામાં આવ્યા છે.
વેપારીની દુકાનમાં અગાઉ કામ કરી ચૂકેલા વિનોદ ગેડાણીએ જ તેના મિત્રો સાથે મળી પ્લાન ઘડીને લૂંટને અંજામ આપ્યો હતો.આરોપી વિનોદ અગાઉ કટલરીની દુકાનમાં કામ કરતો હતો. જેથી તેને વેપારી કયા સમયે રૂપિયા લઈને ઘરે જાય છે તેનો ખ્યાલ હતો. વિનોદે તેના મિત્રોને વીસેક દિવસ પહેલા આ વાતની જાણ કરી લૂંટનો પ્લાન ઘડ્યો.
વિનોદે તેના મિત્ર લાલજી, દિવ્યેશ,જયસુખ અને અન્ય એક સગીર આરોપી સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. રેકી કરવા માટે વધુ માણસોની જરૂર હોવાથી અન્ય આરોપી મુસ્તાક,આર્યન અને અન્ય સગીરને લૂંટના પ્લાનમાં સામેલ કર્યા હતા. તમામ આરોપીઓએ અલગ અલગ દિવસે અલગ સમયે વેપારીના દુકાનથી ઘર સુધી રેકી કરી હતી.
ત્યારબાદ ઘટનાના દિવસે આરોપી મુસ્તાક,આર્યન અને એક સગીર આરોપી ફરિયાદીની દુકાન સામે વોચમાં ગોઠવાઈ ગયા અને એકબીજા સાથે મોબાઈલ પર સંપર્કમાં હતા. ફરિયાદી દુકાન બંધ કરીને નીકળ્યા બાદ અન્ય આરોપી જયસુખ અને એક સગીર આરોપીએ ફરિયાદીના એક્ટિવાનો પીછો કર્યો હતો, ત્યારબાદ વેપારી તેના ઘર પાસે પહોંચતા તેમને અન્ય આરોપી લાલજી, દિવ્યેશ અને અન્ય સગીર આરોપીને જાણ કરી હતી.
આ ત્રણેયે ફરિયાદીનું સ્કૂટર ઉભુ રખાવ્યું અને ફરિયાદીની આંખમાં મરચું નાખ્યું હતુ. આંખમાં મરચું જવાથી ફરિયાદી સ્કૂટર પરથી પડી ગયા અને ત્યારબાદ આરોપી લાલજી અને સગીર સ્કૂટરની ડેકીમાંથી ૨ લાખ રોકડા અને ફરિયાદીનું એક્ટિવા લઈને અલગ અલગ નાસી ગયા હતા.
માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જાેડાઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.આ દરમિયાન પોપટપરા મેઈનરોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા અને ૧.૯૭ લાખ રોકડ,ગુનામાં ઉપયોગ કરાયેલા ૩ બાઈક અને મોબાઈલ ફોન સહિત ૩.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.