પેટલાદના અરડીમાં ઉનાળો શરૂ થાય તે પહેલાં જ પાણી માટે વલખાં
પાંચ મહિનાથી મોટર બળી ગયેલ છેઃ પૂર્વ ડે. સરપંચ
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદના અરડી ગામમાં ભર ઉનાળો શરૂ થતાં પહેલાં જ ગ્રામજનોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ગામના ચરેડી વિસ્તારમાં આવેલ વોટર વર્ક્સની મોટર પાંચ મહિનાથી બળી ગઈ હોવા છતાં પંચાયત દ્ધારા નવી મોટર લાવવામાં આવતી નથી.
જેને કારણે સ્થાનિક રહીશોને હેન્ડપંપથી પાણી ખેંચીને લઈ જવું પડે છે. આ અંગે પૂર્વ સરપંચ અને પૂર્વ ડે. સરપંચે અનેકવાર રજૂઆતો કરવા છતાં તલાટી કમ મંત્રી ઉદાસીનતા દાખવે છે. ઉપરાંત તલાટી પંચાયત ખાતે નિયમીત નહીં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ અરડી ગામના વોર્ડ નં.૯ના ચરેડી વિસ્તારમાં છેલ્લા પાંચેક મહિનાથી પાણીની હાલાકી સ્થાનિક ગ્રામજનો ભોગવી રહ્યા છે. આ અંગે પંચાયતના પૂર્વ ડે. સરપંચ ચંદુભાઈ જાદવે જણાવ્યું હતું કે હાલ આશરે વીસથી વધુ કુટુંબો પીવા અને ઘરવપરાશ માટે પાણી હેન્ડપંપ ચલાવી લાવે છે.
તેમાંય આ પંપ બારેક વર્ષ જૂનો હોવાથી ઘણી વખત બંધ થઈ જાય તો પાણી માટે રાહ જાેવી પડે છે. આ વિસ્તારમાં પાણી પુરવઠો આપતી મોટર બળી ગઈ હોવાથી અમે તલાટીને અનેક વખત રજૂઆત કરી, પરંતુ તેઓ કંઈ જ કરતા નથી. આ અંગે તલાટી કમ મંત્રી પ્રતિક રાજે જણાવ્યું હતું કે
બે દિવસ પહેલા જ મોટર માટે પંચાયતના વહિવટદાર દ્ધારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેથી તેઓએ આ જગ્યા સિહોલની સીમમાં આવતી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સિહોલના તલાટીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે રેવન્યના ચોપડે સિહોલ સીમ છે, પરંતુ જગ્યા અરડીમા જ આવેલ છે. જેથી હવે આ અંગે સમસ્યાનો ઉકેલ આવશે.
અરડી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શાંતિલાલ સોલંકીએ જણાવ્યું હતું કે તલાટી છેલ્લા એક મહિનાથી તો પંચાયતમાં નિયમીત આવતા જ નથી. જાે આવે તો બે ત્રણ કલાકમાં નીકળી જાય છે. જેને કારણે જરૂરિયાતમંદોને દાખલા સમયસર મળતા નથી, મહેસૂલ ભરવા આવનાર પરત જાય છે,
આવાસના રિપોર્ટ હજી સુધી કર્યા નહીં હોવાનો આક્ષેપ પૂર્વ સરપંચે કર્યો હતો. આ અંગે તલાટેએ કહ્યું હતું કે હું નિયમીત જ જઉ છું. મારી પાસે રેગ્યુલર ગામ તરીકે અરડી અને વધારાના ચાર્જમાં સુંદરણા તથા ભાટીયેલ ગામો છે. એટલે આ બધી ખોટી ફરિયાદો છે.