નિત્યાનંદ કેસ : યુવતીઓને હાજર કરવા હાઇકોર્ટનો હુકમ
અમદાવાદ: હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતા મામલે તેના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમ્યાન આજે હાઇકોર્ટે રાજય સરકાર અને પોલીસ સત્તાવાળાઓને જારદાર ફટકાર લગાવી હતી. હાઇકોર્ટે એક તબક્કે સરકારપક્ષ અને પોલીસ સત્તાધીશોને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, તમારે ત્રિનિદાદ જવુ પડે તો જાઓ પરંતુ બંને યુવતીઓને હાઇકોર્ટમાં હાજર કરો.
પોલીસ અને સત્તાવાળાઓને બંને યુવતીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ ગઇ છે તે વાસ્તવિકતા છે. યુવતીઓને કોઇના દબાણમાં નિવેદન આપી રહી છે કે કેમ તે જાણવુ કોર્ટ માટે જરૂરી છે. કોર્ટને બંને યુવતીઓની ચિંતા છે.
સરકાર કે કોઇપણ એજન્સીઓની મદદ લો પણ યુવતીઓની ભાળ મેળવી તા.૧૦મી ડિસેમ્બર સુધીમાં તેઓને અદાલત સમક્ષ હાજર કરો. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, અરજદાર પિતાની બંને પુત્રીઓને લઇ વ્યકત થઇ રહેલી ચિંતા વ્યાજબી અને યોગ્ય છે. હાઇકોર્ટે બંને યુવતીઓના સોશ્યલ મીડિયામાં પોતે સુરક્ષિત હોવાના વીડિયોને રજૂ કરવાના દાવાને ફગાવ્યો હતો અને તેને હાલના તબક્કે માન્ય રાખવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. યુવતીઓની સલામતી અને સુરક્ષાનો સવાલ છે. એટલું જ નહી,
બંને યુવતીઓ ધોરણ-૧૨ની આસપાસ સુધીનું શિક્ષણ ધરાવે છે ત્યારે તેમના દ્વારા અદાલતને ડાયરેકટ રજૂ થયેલા સોંગદનામામાં આટલી ઉંડાણપૂર્વકની કાયદાકીય જ્ઞાન અને સમજ રજૂ કરાઇ છે તે પણ ગંભીર સવાલ જન્માવે છે. હાઇકોર્ટે બંને યુવતીઓને અદાલત સમક્ષ હાજર કરવા તા.૧૦મી ડિસેમ્બર સુધીની મહેતલ આપી હતી. દરમ્યાન સરકારપક્ષ તરફથી જણાવ્યું કે, બંને યુવતીઓને શોધવાના પોલીસે પૂરતા પ્રયાસો કર્યા છે પરંતુ બંને યુવતીઓ નેપાળ માર્ગે થઇ વિદેશ જતી રહી હોવાનું જણાય છે.
તેઓનો સંપર્ક કરવાના અને તેમનું લોકેશન જાણી ભાળ મેળવી તેઓને અહીં લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. જા કે, પોલીસની તપાસ અને પ્રયાસો પરત્વે હાઇકોર્ટે સંતોષ વ્યકત કર્યો ન હતો અને તમારે રાજય સરકાર, ભારત સરકાર કે કોઇપણ એજન્સીની મદદ લેવી પડે તેમ હોય તો લો પરંતુ કોઇપણ સંજાગોમાં લાપતા યુવતીઓને અદાલત સમક્ષ હાજર કરો. હાઇકોર્ટે યુવતીઓને ઉદ્દેશીને ટકોર કરી હતી કે, પ્રસ્તુત કેસમાં યુવતીઓ પુખ્ત છે ત્યારે તેઓએ પણ ન્યાયતંત્ર પર ભરોસો રાખી કોર્ટ સમક્ષ હાજર થવુ જાઇએ.