અંગત કારણો આપી અજીત પવારે રાજીનામુ આપી દીધું
મુંબઈ: મહારાષ્ટ્રમાં બહુમત પરીક્ષણ માટે સુપ્રીમ કોર્ટની ડેડલાઈન વચ્ચે ઝડપથી બદલાયેલા ઘટનાક્રમ વચ્ચે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે બપોરના ગાળામાં જ રાજીનામુ આપી દીધું હતું. શનિવારના દિવસે સત્તા સંભાળ્યાના ત્રણ દિવસ બાદ જ અજીત પવારે રાજીનામુ આપ્યું હતું. અજીત પવારે આ સંદર્ભમાં વાત કરતા કહ્યું છે કે, અંગત કારણોસર તેઓએ રાજીનામુ આપ્યું છે.
૮૦ કલાક સુધી નાયબ મુખ્યમંત્રી તરીકે રહ્યા બાદ તેઓએ રાજીનામુ આપ્યું હતું. મુખ્યમંત્રી ફડનવીસે પણ કહ્યું હતું કે, અજીત પવારે તેમને કહ્યું હતું કે, તેઓ અંગત કારણોસર રાજીનામુ આપી રહ્યા છે. ભાજપને અજીત પવાર સમર્થન આપશે તેવી ગણતરી હતી કે કેમ તે અંગે પુછવામાં આવતા ફડનવીસે કહ્યું હતું કે, આ મુદ્દે શરદ પવાર જ કોઇ ટિપ્પણી કરી શકે છે. બીજી બાજુ શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું હતું કે, અજીત દાદા રાજીનામુ આપી ચુક્યા છે. તેઓ અમારી સાથે છે. ઉદ્ધવ ઠાકરે આગામી પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમનો દોર જારદારરીતે જારી રહ્યો છે. શનિવારના દિવસે આ ઘટનાક્રમની શરૂઆત થઇ હતી.