Western Times News

Gujarati News

25થી વધુ લોકો મંદિરની વાવમાં પડ્યા: 18નાં મોત

મૃતકના પરિજનોને રૂપિયા ૫ લાખના વળતરની જાહેરાત

(એજન્સી)ઈન્દોર, મધ્યપ્રદેશના ઈન્દોરમાં ગુરુવારે રામ નવમી પર એક મોટી દુર્ઘટના બની છે. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની વાવમાં ૨૫થી વધુ લોકો પડી ગયા હતા. આ લોકોને વાવમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

અકસ્માત બાદ ચારેય તરફ અફરાતફરીનો માહોલ છે. મળતી માહિતી મુજબ, શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં ૨૫થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા. જેમાં 18 નાં મોત થયા છે અને મૃતકના પરિજનોને રૂપિયા ૫ લાખના વળતરની જાહેરાત કરાઈ છે.

 

ઈન્દોરથી પ્રાપ્ત માહિતી અનુસાર, વાવમાં પડી ગયેલા ૪ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના શ્રદ્ધાળુઓને સીડી અને દોરડાની મદદથી બહાર કાઢવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. દુર્ઘટના બાદ લાંબા સમય સુધી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને ૧૦૮ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ન હતી. સ્થાનિક લોકોની મદદથી કેટલાક લોકોને કોઈક રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનાને લઈને ઈન્દોરના કલેક્ટર અને કમિશનર સાથે ફોન પર વાત કરી છે. તેમણે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ સંભવિત પગલાં લેવા સૂચના આપી છે. સીએમએ કહ્યું કે અત્યાર સુધીમાં ૧૦ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વાવની અંદર અન્ય લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે તેઓ ઈન્દોરમાં બનેલી ઘટનાથી ખૂબ જ દુઃખી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાત કરી અને સ્થિતિ વિશે પૂછપરછ કરી છે. રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યમાં ઝડપથી આગળ વધી રહી છે.

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. વાવમાં ચારથી પાંચ ફૂટ પાણી છે અને બાકી પથ્થર અને કાંપ છે. સ્નેહનગર પાસે પટેલનગરમાં મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. અહીં ભક્તો વાવની છત પર બેઠા હતા. આ દરમિયાન છત અંદર પડી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.