મોરારીબાપુએ ભવન્સ ખાતે કનૈયાલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યુ
સ્વ. કાન્તિ ભટ્ટ લિખિત 16,000 લેખોના ડિજિટલ સગ્રહનું ઉદ્ઘાટન
અમદાવાદઃ પ્રખ્યાત રામકથાકાર સંતશ્રી મોરારીબાપુએ શુક્રવાર તા. 30મી માર્ચના રોજ ભારતીય વિદ્યા ભવન (ભવન્સ કૉલેજ) અમદાવાદ ખાતે ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કનૈયાલાલ મુનશી (Kanaiyalal Munshi) ની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
સાથેજ કૅમ્પસ ખાતે નવનિર્મિત કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયમાં કાન્તિભાઈલિખિત 16,000 જેટલા લેખોના ડિજિટલ સંગ્રહનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ભવન્સ કૅમ્પસસ્થિત હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યુટ ઑફ કૉમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટની વેબસાઇટ મારફતે વાચકો માટે ઉપલબ્ધ રહેશે.
કનૈયાલાલ માણેકલાલ મુનશી- ક. મા. મુનશી એક સ્વતંત્રસેનાની, વકીલ, શિક્ષણવિદ, કલા તેમજ સંસ્કૃતિના સંવર્ધક હતા તેમજ તેમણે ગુજરાતી સાહિસ્યમાં અનુપમ યોગદાન આપ્યું હતું. ગાંધીજીના પ્રખર અનુગામી મુનશીજીએ ભારતીય શિક્ષણપ્રથા, કલા અને સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે વર્ષ 1938માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી.
અત્યારે સમગ્ર દેશમાં તેના 119 કેન્દ્રોમાં 367 સંસ્થાઓ કાર્યરત્ છે. આ ઉપરાંત વિદેશોમાં પણ પાંચ કેન્દ્રો કાર્યરત્ છે. ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવામાં મુનશીજીનું મહત્ત્વનું યોગદાન છે.
કાન્તિ ભટ્ટ સ્મારક અને રીડિંગ રૂમ એ જાણીતા ગુજરાતી પત્રકાર, તંત્રી, લેખક અને કટારલેખક સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં આ એક જીવંત સ્મારક છે, જ્યાં તેમણે લેખલા 16,000 જેટલા પ્રકાશિત લેખો કટિંગ્સ (ફિઝિકલ આર્કાઇવ્ઝ) તેમજ ડિજિટલ સ્વરૂપે સચવાયેલા છે. એચબીઆઇસીએમની વેબસાઇટ www.hbicm.inમારફતે વાચકો તેને માણી શકે છે.
લેખોને વિષયવાર, કૉલમવાર, પ્રકાશનવાર તેમજ તારીખવાર વર્ગીકરણ કરવાની પ્રક્રિયા ચાલે છે. કાન્તિભાઈના પત્ની અને જાણીતા પત્રકાર શીલા ભટ્ટ અને ભવન્સનો આ સંયુક્ત પ્રોજેક્ટ છે, અને કોઈ ગુજરાતી પત્રકાર માટેનું આવું પ્રથમ સ્મારક છે.
ભારતીય વિદ્યા ભવન – અમદાવાદ કેન્દ્ર અને અહીંની સંસ્થાઓ- ભવન્સના અમદાવાદ કેન્દ્રની સ્થાપના 1965માં શેઠ આર. એ. કૉલેજ ઑફ સાયન્સ અને શેઠ આર. એ. ઑફ આર્ટ્સ એન્ડ કૉમર્સની સ્થાપના સાથે થઈ હતી. હાલમાં કૅમ્પસ ખાતે છ (6) સંસ્થાઓ કાર્યરત્ છે.
શેઠ આર. એ. કૉલેજ ઑફ સાયન્સઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ કૉલેજ બી.એસસી. અને એમ.એસસી. કોર્સિસ ચલાવે છે.
શેઠ આર. એ. કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ કૉમર્સઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ કૉલેજ બી.એ., બી.કોમ., અને એમ.એ., એ.કોમ. સહિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કોર્સિસ ચલાવે છે.
હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યુટ ઑફ કૉમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટઃ વર્ષ 1967માં સ્થાપિત એચબીઆઇસીએમ ગુજરાતમાં પત્રકારત્વનો અભ્યાસ શરૂ કરનારી પ્રથમ સંસ્થા છે. ભવન્સની રાજેન્દ્ર પ્રસાદ ઇન્સ્ટિટ્યુટ ઑફ કૉમ્યુનિકેશન એન્ડ મેનજમેન્ટ સંલગ્ન આ સંસ્થા અત્યારે પત્રકારત્વ, ઇન્ડસ્ટ્રિઅલ રિલેશન્સ એન્ડ પર્સોનેલ મેનેજમેન્ટ (એચ.આર.), ઇન્ટર્નેશનલ ટ્રેડ (ઇમ્પોર્ટ-એક્સપોર્ટ), મટિરિયલ્સ મેનેજમેન્ટ તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા- સર્ટિફિકેટ કોર્સિસ ચલાવે છે.
ભવન્સ કલ્ચરલ એકૅડેમી એન્ડ સેન્ટર ફોર આર્ટ્સઃ તે ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્લાસિસ ચલાવે છે તેમજ કલા અને સંસ્કૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. તાજેતરમાં અહીં સપ્તકના ક્લાસિસસ પણ શરૂ થયા છે.
ગાંધી સેન્ટર ફોર કૉમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીઃ કૉમ્પ્યુટર સાક્ષરતાને લગતા પાયાના કોર્સિસ તે ખૂબજ નજીવી ફી સાથે ચલાવે છે.
રાજેન્દ્ર પ્રસાદ ઇન્સ્ટિટ્યુટ ઑફ કૉમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટઃ કૉમ્યુનિકેશન અને મેનેજમેન્ટના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સીસ માટે ભવન્સની છત્ર સંસ્થા આરપીઆઇસીએમ છે. ભારતભરમાં સ્થિત તેના કેન્દ્રો મારફતે તે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવે છે.