રાજ્ય ચૂંટણી પંચ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
અમદાવાદ: ભારતીય લોકશાહીને મજબૂત બનાવવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વની છે, તેમ ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદે જણાવ્યું હતું. બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સંયુક્તપણે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સંજય પ્રસાદે જણાવ્યું હતુ કે, ભારતમાં લોકશાહીની પરંપરા સદીઓ જૂની છે અને આ દેશમાં વહીવટ સ્થાનિક સ્વશાસનથી જ ચાલતો હતો. શ્રી પ્રસાદે સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે સ્થાનિક સ્વરાજ્યની સુદ્રઢતા પર પણ ભાર મૂક્યો હતો.
ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં નેતૃત્વ પુંરૂં પાડનારા સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ જેવા નેતાઓની રાજકીય કારકિર્દીમાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું અદકેરૂં યોગદાન રહ્યું હતું , તેમ શ્રી સંજયપ્રસાદે ઉમેર્યું હતું. તેમણે આ પ્રસંગે મહાત્મા ગાંધીને યાદ કરતાં કહ્યું કે, આપણા બંધારણના આમુખમાં પણ ગાંધી-આદર્શનું દર્શન જોવા મળે છે.
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી અનામિકભાઈ શાહે તેમના સ્વાગત પ્રવચનમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને બંધારણ ઘડતરમાં યોગદાન આપનારા નેતાઓના ગૂજરાત વિદ્યાપીઠ સાથેના સંબંધોનું સ્મરણ કર્યુ હતુ.
આ અવસરે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના સચિવ શ્રી મહેશભાઈ જોષીએ આ બંધારણના આમુખનું વાચન કર્યું હતું અને ઉપસ્થિત શ્રોતાઓને ભારતીય નાગરિક તરીકેની ફરજ-પાલન માટે કટિબધ્ધ થવા આગ્રહ કર્યો હતો.
આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી ડા. વિક્રાંત પાંડે, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ, ગુજરાત રાજ્ય ચૂટણી પંચના સંયુક્ત કમિશનર શ્રી એ.એ.રામાનુજ અને ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.