કેડિલા બ્રિજના ધીમી ગતિએ ચાલતા કામથી રહીશો પરેશાન

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ઠેર-ઠેર બ્રિજ બનાવવામાં આવ્યા છે, તો ક્યાંક નવા બ્રિજ બની રહ્યા છે. આ બ્રિજથી ટ્રાફિકની સમસ્યાનો અંત તો આવશે, પરંતુ લોકોની ચિંતા વધી રહી છે.
પહેલા મુમતપુરા બ્રિજ, પછી હાટકેશ્વર બ્રિજ, ઇન્કમટેક્સના બ્રિજનું નિર્માણ પણ સવાલોના ઘેરામાં આવ્યા. હવે ઘોડાસરના બ્રિજને લઇ વિવાદ શરૂ થયો છે.અમદાવાદમાં ઘોડાસરમાં ઘોડાસર વિસ્તારમાં કેડિલા બ્રિજના ધીમી ગતિએ ચાલતા કામે સ્થાનિકોની મુશ્કેલી વધારી દીધી છે.
લોકોને રોજ અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેના કારણે રહીશો ખૂબ જ ત્રસ્ત થઇ ગયા છે. ત્યાકે લોકોએ આજે રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો છે. યોગ્ય રસ્તે ડાયવર્ઝન ન આપ્યું હોવાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અહીં ઘરની બહાર નીકળતા જ સ્થાનિક રહીશો માટે જીવનું જાેખમ રહે છે. જે રસ્તે ૧ વર્ષ પહેલા લોકો સરળતાથી અવર-જવર કરી શકતા હતા, તે રસ્તા હવે ટ્રાફિકથી ખચોખચ રહે છે. વાહનચાલકો બેફામ બનીને વાહનો હંકારે છે. અવાર-નવાર અકસ્માતો સર્જાય છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજના કામના કારણે શાળાએ જતા બાળકો, વૃદ્ધો સહિત તમામ લોકોને અકસ્માતનું જાેખમ રહે છે. વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. સ્થાનિકોની માગ છે કે તેમને અવર-જવર માટે યોગ્ય રસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવે.
અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર બ્રિજ તો છે, પણ તેના કારણે સમસ્યા ઓછી નથી થઇ, વધી રહી છે. કારણ કે, ક્યાંક ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે. તો ક્યાંક ગોકળગાયની ગતિએ ચાલતા કામના કારણે સ્થાનિકો પરેશાન છે, પરંતુ સમગ્ર વાતમાં તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોય તેવું લાગી રહ્યુ છે.