રત્ન કલાકારને 3 કલાક ગોંધી ઢોર માર માર્યોઃ સારવાર દરમ્યાન મોત
ઠક્કરનગરની ઘટનાઃ કારખાનામાં માલિક, મેનેજર અને એક શખ્સે સાથે મળી રત્નકલાકારને ત્રણ કલાક સુધી ગોંધી રાખી ઢોર માર માર્યાે
અમદાવાદ, શહેરના ઠક્કરનગર વિસ્તારમાં રત્નકલાકારની હત્યા થઇ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રત્નકલાકારે હીરા ધોઈ નાખ્યા હોવાની શંકા રાખીને કારખાનાના માલિક, મેનેજર અને એક શખ્સ સાથે મળી રત્નકલાકારને સતત ત્રણ કલાક સુધી ગોંધી રાખી ઢોર માર માર્યાે હતો.
રત્નકલાકાર ચા પીવા માટે કીટલી પર ગયો ત્યારે હીરા જમા કરાવવાનું ભૂલી ગયો હતો. જે મામલે મેનેજર કોલર પકડી રત્નકલાકારને કારખાનામાં ખેંચી લાવ્યો હતો.
નિકોલ રોડ પર આવેલી ચાણક્યપાર્ક સોસાયટીમાં રહેતા સની ભાલિયાએ હત્યાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સનીના પિતા હરેશભાઈ હીરાના કારીગર હતા. તેઓ હીરા ઘડવાની નોકરી કરતા હતા. છેલ્લા વીસ દિવસથી હરેશભાઈ ઠક્કરનગર હરિઓમ સાઈકલ સામે ધર્મેશ મોરડિયાના હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હતા.
હરેશભાઈ રાબેતા મુજબ કારખાનામાં ગયા હતા તે દરમિયાન સાંજના પાંચ વાગ્યે સની પર ફોન આવ્યો હતો કે તારા પિતાને હીરાના કારખાનાના માલિક સાથે કોઈ કારણસર ઝઘડો થયો છે. કારખાનાના માલિક તથા મેનેજરે મારતાં ૧૦૮માં સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ સની તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો.
હરેશભાઈની લાશ પીએમ રૂમમાં હતી ત્યારે સનીએ પિતાના શરીર પર ઈજાનાં નિશાન જાેયાં હતાં. હોસ્પિટલમાં તેના પિતા હરેશભાઈ સાથે કામ કરતા રણધીરસિંહ ચાવડા તથા તેજસ પ્રજાપતિ તેમજ સુખેન્દ્ર પંચાલ પણ હાજર હતા ત્યારે સનીને તેમણે કહ્યું હતું કે તારા પિતાના સવારના નવ વાગ્યે હીરા ઘસવા માટે કારખાને આવ્યા હતા
ત્યારે તેમને મેનેજર મુકેશભાઈએ પાંચ હીરા ઘડવા આપ્યા હતા. ત્યારબાદ તારા પિતા નીચે ચા પીવા માટે ગયા હતા. તારા પિતાએ હીરા જમા કરાવ્યા ન હતા, જેના કારણે મેનેજર તેમને કોલર પકડીને બહારથી કારખાનામાં લઇ આવ્યા હતા.
મેનેજરે હરેશભાઈને હીરા બાબતે પૂછતાં તેમણે કહ્યું કે હીરા ટેબલ પર મૂક્યા હતા, જાેકે હીરા મળી આવ્યા ન હતા, જેથી મેનેજરે કારખાનાના માલિક ધર્મેશ મોરડિયાને બોલાવ્યા હતા. ત્યાર બાદ કારખાનાના માલિક-મેનેજર અને અન્ય એક શખ્સે સાથે મળીને હરેશભાઈને આડેધડ ફટકા માર્યા હતા. હરેશભાઈને સવારના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી માર માર્યાે હતો અને હરેશભાઈ પર જીવલેણ હુમલો કર્યાે હતો.
બપોરના બાર વાગ્યા પછી હરેશભાઈને કારખાનામાં ગોંધી રાખ્યા હતા. હરેશભાઈ બેભાન થિ જતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. કારખાનાના માલિક-મેનેજર સહિત અન્ય એક શખ્સ વિરુદ્ધ સનીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે હાલ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર હરેશભાઈ પર હીરા ચોરીનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.