આયુર્વેદ સારવાર માનવીને આધ્યાત્મિક-બૌધ્ધિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે : રાજ્યપાલ
નડિયાદ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે આયુર્વેદ ભારતીય સંસ્કૃત્તિની પરંપરાગત સારવાર પધ્ધતિ છે, જે માત્ર શરીરને નહીં પરંતુ માનવીને આધ્યાત્મિક, બૌધ્ધિક અને માનસિક રીતે મજબુત બનાવે છે. રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ કે આયુર્વેદ પ્રત્યે સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થયુ છે. કોઇપણ આડઅસર વગર રોગને જડમુળમાંથી નષ્ટ કરતી આ સારવાર પધ્ધતિ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ઉપકારક છે, ત્યારે આ ક્ષેત્રે મહત્તમ શોધ-સંશોધન થાય તે માટે રાજ્યપાલશ્રીએ હિમાયત કરી હતી.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મહાગુજરાત મેડીકલ સોસાયટી સંચાલિત જે.એસ.આયુર્વેદ મહાવિદ્યાલયમાં દાતાના આર્થિક સહયોગથી નિર્માણ થયેલ કુંદનબેન દિનશા પટેલ શૈક્ષણિક ભવનને ખુલ્લુ મુક્યુ હતું. આ અવસરે રાજ્યપાલશ્રીએ દાતા શ્રીમતી કુંદનબેન પટેલ, વીણાબેન પટેલ, નટુભાઇ પટેલ એડનવાલાનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કર્યુ હતું.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ કે આયુર્વેદ સારવાર પધ્ધતિમાં જીવન શૈલીનું વિધાન છે, જેનું અનુસરણ કરવાથી માનવ શરીરમાં બીમારી પેદા થતી નથી. પંચકર્મ દ્વારા આયુર્વેદ સારવારથી રોગને મુળમાંથી નાબૂદ કરી શકાય છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
રાજ્યપાલશ્રીએ આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૂર્ણ સમર્પણ ભાવથી જનકલ્યાણ માટે આયુર્વેદનો મહત્તમ પ્રચાર-પ્રસાર કરવા સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો.
રાજયપાલશ્રીએ આધુનિક માનવ જીવન શૈલીમાં આયુર્વેદ સારવાર પધ્ધતિ દ્વારા રોગોના ઉપચારની સદ્રષ્ટાંત માહિતી આપી હતી. ભારત સરકાર દ્વારા પણ ભારતની આ પ્રાચીન સારવાર પધ્ધતિને સવિશેષ મહત્વ આપી તેનો સમગ્ર દેશમાં વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ મહાગુજરાત મેડીકલ સોસાયટી સંચાલિત આયુવેદિક કોલેજની માનવ સેવાની પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાના હોદે્દારોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલશ્રીએ માનવતા અને લોકકલ્યાણ માટે આર્થિક સહયોગ બદલ દાતાશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યદંડકશ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્યું કે આયુવેદિક વિશ્વની પ્રાચીનતમ ચિકિત્સા પધ્ધતિ છે. તેના મૂળમાં મહર્ષિ ધન્વંતરી, ચરક અને સુશ્રૃત સંહિતા રહેલી છે. આધુનિક જીવન શૈલીમાં આયુર્વેદનો ઉપચાર વધી રહ્યો છે ત્યારે આયુર્વેદ સારવાર પધ્ધતિ ભારતીય સંસ્કૃત્તિને જીવંત રાખવાનું નજરાણું છે તેમ તેમણે ઉમેર્યુ હતું. શ્રી પટેલે દાતા કુંદનબેન પટેલને શૈક્ષણિક ભવનના નિર્માણમાં આર્થિક સહાયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મહાગુજરાત મેડીકલ સોસાયટીના અધ્યક્ષશ્રી દિનશા પટેલે જણાવ્યું કે જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલય સમગ્ર વિશ્વમાં નામના ધરાવે છે. સંસ્થામાં યુરોપ, આફ્રિકા સહિત મીડલ ઇસ્ટ દેશોના દરદીઓ સારવાર માટે આવે છે. મહાગુજરાત મેડીકલ સોસાયટીના નેજા હેઠળ કાર્યરત આરોગ્યલક્ષી સંસ્થાઓમાં ગરીબ પરિવારોને રાહતદરે સારવાર કરવામાં આવે છે.
સંસ્થા દ્વારા બેટી બચાવો અભિયાનને સફળ બનાવવા દિકરી જન્મ પ્રસંગે રૂા. એક હજારની પ્રોત્સાહિત રકમ આપવામાં આવે છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૬૦૦ દિકરીઓને પ્રોત્સાહક રકમ આપવામાં આવી છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.
ઇન્ટરનેશનલ એક્ટીવીટીના ડાયરેકટર ર્ડા.એસ.એન.ગુપ્તાએ આયુર્વેદ સંસ્થાના સ્થાપના કાળથી આજ સુધીની વિકાસયાત્રાની વિસ્તૃત માહિતી આપી હતી.
પ્રારંભમાં મહાગુજરાત મેડીકલ સોસાયટીના ચેરમેનશ્રી ભાસ્કરભાઇ દેસાઇએ સૌનો આવકાર કરતાં જણાવ્યું કે સરદાર સાહેબની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે સમાજના જરૂરિયાતમંદ પરિવારો માટે સેવા સુશ્રુષાનું કેન્દ્ર બની છે. અંતમાં ર્ડા.કલાપી પટેલે આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ, સંસ્થાના મંત્રીશ્રી અનુપભાઇ દેસાઇ, કલેકટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિવ્ય મિશ્ર, નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, સંસ્થાના હોદે્દારો, નગરજનો અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.