ઝઘડિયા કોર્ટમાંથી બાઈક ચોર ભાગી ગયા બાદ જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપ્યો
ભરૂચ: બાઈક ચોરીના ગુનામાં પકડાયેલ ઉચેડિયાના પરેશ ઉર્ફે સુરેશ રાયજી પટેલને ઝઘડિયા પોલીસ રિમાન્ડ પુરા થતા કોર્ટમાં લઈ ગયા હતા ત્યાંથી આરોપી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો.જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા તેને આજે સવારે રાણીપુરા પાસેના પેટ્રોલ પમ્પની બાજુના ખેતરમાંથી ઝડપી પાડ્યો છે.
ગત તા.૨૪મીના રોજ જીલ્લા એલસીબી દ્વારા ઉચેડિયાથી બાઈક ચોરી અંકલેશ્વર રાજપીપલા ચોકડી તરફ જતા ઉચેડિયા ગામના પરેશ ઉર્ફે સુરેશ રાયજી પટેલને ઝડપી લીધો હતો.એલસીબીએ આગળની કાર્યવાહી કરવા ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો.પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા.
ગતરોજ પરેશના રિમાન્ડ પુરા થતા તેને ઝઘડિયા કોર્ટમાં હાજર કરવા લઈ જવામાં આવ્યો હતો.પરેશ ઉર્ફે સુરેશ પટેલ કોર્ટ માંથી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો. ભાગી ગયેલ આરોપીને શોધવા ઝઘડિયા પોલીસે આકાશ પાતાળ એક કર્યું હતું પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહિ.બીજી બાજુ જીલ્લા અધિક્ષકે પણ જિલ્લાની પેરોલ ફ્લોએ સ્ક્વોડને કામે લગાડી હતી. પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમીદાર પાસેથી માહિત મળી હતીકે કોર્ટમાંથી ભાગી ગયેલ આરોપી રાણીપુરા પાસેના પેટ્રોલ પમ્પની બાજુમાં આવેલ કપાસના ખેતરમાં છુપાયેલો છે.
સ્ક્વોડ દ્વારા ખેતરની ચારે બાજુ ઘેરો કરી ભાગેડુ પરેશ ઉર્ફે સુરેશને આબાદ ઝડપી પાડ્યો હતો.જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા આગળની કાર્યવાહી કરવા આરોપીને ઝઘડિયા પોલીસને સોંપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે પોલીસ ની બેદરકારીના કારણે કોર્ટ માંથી ભાગી ગયેલ આરોપીની ઘટનામાં ફરજ પરના બેદરકારી રાખનાર પોલીસ કર્મચારીઓ સામે જીલ્લા પોલીસ વડા પગલાં ભરશે ખરા તેવી ચર્ચા ઝઘડિયા ટાઉનમાં ચર્ચાઈ રહી છે.