Western Times News

Gujarati News

રથયાત્રાના  રૂટ પર આવતા જર્જરિત ૧૮૦ મકાન માલિકોને નોટિસ

પ્રતિકાત્મક

રથયાત્રાના  રૂટ પર આવતા

અષાઢી બીજના દિવસે યોજાનારી રથયાત્રા નિમિતે મ્યુનિ. કોર્પો.તંત્ર સતર્ક બન્યું  જર્જરિત મકાનો ઉપરાંત રૂટ પરના રસ્તાઓના મરામતની કામગીરી શરૂ

(પ્રતિનિધિ) અમદાવાદ : અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે શહેરમાં ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની સાથે નાગરિકોની સુખાકારી જાણવા નગરચર્યાએ નીકળવાના છે ત્યારે તેની તડામાર તૈયારીઓ શહેરભરમાં કરવામાં આવી રહી છે.

શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે રાજયના ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠકો યોજી રથયાત્રા રૂટ ઉપર બંદોબસ્તની પણ ફાળવણી કરી દેવામાં આવી છે આ પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિ. કોર્પો. તંત્ર પણ મહત્વપૂર્ણ કામગીરી કરી રહયું છે.

થયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે થઈ સમગ્ર રૂટ પર છેલ્લા ત્રણ દિવસથી મ્યુનિ. અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહયું છે જેમાં રથયાત્રાના માર્ગમાં આવતા ૧૮૦ જેટલા જર્જરિત મકાનોના માલિકોને નોટિસો પાઠવવામાં આવી છે અને અત્યંત ભયજનક મકાનોને ઉતારી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે આ ઉપરાંત મ્યુનિ. કોર્પો. દ્વારા અન્ય કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દેશભરની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા યોજાય છે પુરી બાદ અમદાવાદ શહેરમાં રથયાત્રાના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ઉમટી પડે છે. ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળવાના હોવાથી સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર પણ હાલમાં રોશનીથી ઝળહળી રહયું છે.

હાલ ભગવાન મોસાળમાં હોવાથી સરસપુરમાં શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે અષાઢી બીજના દિવસે યોજાતી રથયાત્રા પૂર્વે તમામ તંત્રો એલર્ટ થઈ ગયા છે અને રથયાત્રા દરમિયાન કોઈપણ જાતની અડચણ કે દુર્ઘટના ન સર્જાય તે માટેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજયના ગૃહ વિભાગ દ્વારા રથયાત્રા નિમિત્તે અર્ધ લશ્કરી દળો સહિત સશ્ત્ર દળોની માંગણી કેન્દ્ર પાસે કરી દેવામાં આવી છે અને ટુંક સમયમાં જ સશસ્ત્ર દળો અમદાવાદ આવી પહોંચશે સમગ્ર રૂટ પર બંદોબસ્તની ફાળવણી કરી દેવામાં આવી છે અને થોડા દિવસોમાં રથયાત્રાના રૂટ પર પોલીસતંત્ર દ્વારા તેનું રિહર્સલ પણ કરવામાં આવનાર છે.

રથયાત્રાના રૂટ પર રસ્તાઓ સહિતની બાબતોનું મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહયું છે ખાસ કરીને રથયાત્રાના રૂટ પર આવતા તમામ મકાનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે દર વર્ષે યોજાતી આ કામગીરીના ભાગરૂપે આ વર્ષે પણ મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી આ ચેકિંગ શરૂ કરાયું છે.
જેમાં ખાસ કરીને જમાલપુર, ખાડિયા, દરિયાપુર, સરસપુર, રાયખંડ સહિતના વિસ્તારોમાં મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓની આગેવાનીમાં જુદી જુદી ટીમોએ જર્જરિત મકાનો અંગે ચેકિંગ શરૂ કરતા જ અનેક મકાનો જર્જરિત હાલતમાં જાવા મળી રહયા છે જેના પગલે કોર્પોરેશનનું તંત્ર એલર્ટ થઈ ગયું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા શરૂ કરાયેલી ચેકિંગની કાર્યવાહી દરમિયાન જમાલપુરમાં ૧૦ જેટલા મકાનો જર્જરિત હાલતમાં જાવા મળ્યા છે આ તમામ મકાનોના માલિકોને નોટિસો પાઠવવામાં આવી છે જેમાં જે મકાનો રીપેર થઈ શકે તેવા છે તેઓને તાકિદે મરામતનું કામ કરવા જણાવાયું છે.

જમાલપુર ઉપરાંત ખાડીયા વિસ્તારમાં કોર્પોરેશન વિભાગની ટીમે ચેકિંગ શરૂ કરતા ૧૧૦ જેટલા મકાનો જર્જરિત હાલતમાં જાવા મળ્યા છે. ના પગલે કોર્પોરેશનના અધિકારીઓ ચોંકી ઉઠયા છે આ તમામ મકાનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે આ તમામ મકાનોના માલિકોને નોટિસો પાઠવી દેવામાં આવી છે અને જે અત્યંત ભયજનક મકાનો છે તે તમામને ઉતારી દેવાની તાકીદ કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ દ્વારા જર્જરિત તમામ મકાનોનું ચેકિંગ કરવા માટે નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે અને તેઓના રિપોર્ટના આધારે આખરી નિર્ણય લેવામાં આવશે.

જમાલપુર, ખાડિયા ઉપરાંત દરિયાપુર વિસ્તારમાંથી પણ રથયાત્રા પસાર થાય છે જેના પગલે આ વિસ્તારમાં પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી રૂટમાં આવતા તમામ મકાનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દરિયાપુર વિસ્તારમાંથી ૬૦ જેટલા મકાનો જર્જરિત હાલતમાં જાવા મળ્યા છે જેના પગલે આ તમામ મકાનોના માલિકોને નોટિસો પાઠવી દેવામાં આવી છે અને આ અંગે  તાત્કાલિક કામગીરી કરવાનો આદેશ અપાયો છે.
આ ઉપરાંત રથયાત્રાના રૂટ ઉપર અન્ય વિસ્તારોના મકાનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહયું છે જર્જરીત મકાનોના માલિકોને અપાયેલી નોટિસ બાદ તેની કામગીરી ઉપર પણ નજર રાખવા કોર્પોરેશનની ટીમો બનાવવામાં આવી છે.

મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા જર્જરિત મકાનો ઉપરાંત રસ્તાનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે અને જરૂર જણાય ત્યાં રસ્તાઓ રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.