વડોદરા જિલ્લા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી
(માહિતી) વડોદરા, કલેક્ટરશ્રી એ. બી. ગોરના અધ્યક્ષપણા હેઠળ ધારાસભા હોલ ખાતે વડોદરા જિલ્લા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય સર્વ શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને શ્રી અક્ષયભાઈ પટેલ ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી પટેલ સહિત પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ તથા તકેદારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સમિતિ સમક્ષ વડોદરા જિલ્લાના કુલ ૧૪ ગામમાંથી વ્યાજબી ભાવની દુકાનો ખોલવા માટે આવેલી અરજીઓ મૂકવામાં આવી હતી. જેમાં પુખ્ત ચર્ચા-વિચારણાના અંતે ૧૧ અરજીઓ માન્ય રાખવામાં આવી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ કોઈ પણ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિ અનાજથી વંચિત ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવા માટે સમિતિને તાકીદ કરી હતી અને જિલ્લા પુરવઠા અધિકારીને પૂરતું આયોજન કરી જાગૃતિ સેમિનાર અને ઝૂંબેશ ચલાવવા સૂચના આપી હતી.
તથા પુરવઠા વિતરણમાં ક્ષતિઓ દૂર કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત જાહેર વિતરણ યોજના, વ્યાજબી ભાવની દુકાનોની યોજનાના અમલ/પુરવઠા વહેંચણી, ગ્રાહકોના પ્રશ્નો તથા ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓ, બારકોડેડ રેશનકાર્ડ અંગે પ્રશ્નો અને પેટાપ્રશ્નો અંગે પણ ફળદાયી ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.
ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારમાં ગરીબો તથા રેશનકાર્ડ ધારકોને પડતી મુશ્કેલીઓ તેમજ વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો સંબંધિત પ્રશ્નો કર્યા હતા અને લોકસ્પર્શી મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેનો તાત્કાલિક ઉકેલ લાવવા અને સ્થળ પર જઈને નિરીક્ષણ કરવા કલેક્ટરશ્રીએ જિલ્લા પુરવઠા તંત્રને સૂચના આપી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી કે. બી. પટેલે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તકેદારી સમિતિના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો સાથે બેઠકો કરી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવશે. તથા વડોદરાના ગામે-ગામ અને તાલુકા પ્રમાણે લોકો માટે જાગૃતિ સેમિનારો તથા કેમ્પોનું આયોજન કરવામાં આવશે.