તમારો શો ચાલતો હોય ત્યાં સુધી તમે સ્ટાર રહો છો, શોનું પ્રસારણ બંધ થયા પછી તમારી જગ્યા કોઈ અન્ય લઈ લે છેઃ વરુણ શર્મા
રોચક અભિનય સાથે લોકપ્રિય ટેલિવિઝન શોમાં અનેક ભૂમિકા ભજવ્યા પછી અભિનેતા મિકી દુદાનીએ (Micky Dudani) એન્ડટીવી પર પારિવારિક ડ્રામા દૂસરી મામાં પ્રવેશ કર્યો છે. અભિનેતા મહત્ત્વપૂર્ણ પાત્ર વરુણ શર્માનું પાત્ર ભજવી રહ્યો છે, જે યશોદા (નેહા જોશી) અને કૃષ્ણા (આયુધ ભાનુશાલી)ના જીવનમાં નવા અવરોધો અને પડકારો પેદા કરે છે.
અહીં મજેદાર વાર્તાલાપમાં તે પોતાના પાત્ર, નકારાત્મક ભૂમિકાઓ, નામના અને ઘણા બધા મુદ્દા વિશે ખૂલીને વાત કરે છે. તેની સાથે મુલાકાતના અંશઃ
દૂસરી મા અને તેમાં વરુણ શર્માનું પાત્ર ભજવવામાં કઈ રીતે રસ જાગ્યો?
વરુણ યશોદા અને કૃષ્ણાના જીવનમાં ભૂકંપ સર્જે છે, જેને લીધે અમારા દર્શકો માટે હાઈ- વોલ્ટેજ ડ્રામા માણવા મળશે. તે કામિનીની બધી શયતાની યોજનાઓમાં સામેલ છે અને કૃષ્ણાનો પિતા હોવાનો દાવો કરે છે.
અભિનેતા તરીકે મને લાગે છે કે નકારાત્મક પાત્રો ભજવવાથી તમારી ક્ષિતિજ વિસ્તરે છે અને મજબૂત ભાવનાઓ પ્રદર્શિત થાય છે. મારા પાત્ર ઉપરાંત દૂસરી માની વાર્તાએ મારું ધ્યાન ખેંચ્યું છે. હું આરંભથી શો જોઈ રહ્યો હતો અને હવે તેનો હિસ્સો બન્યો તેની ખુશી છે.
તેં ઘણી બધી નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે? શું આ તારું કમ્ફર્ટ ઝોન છે?
હું આ ઉદ્યોગમાં આવ્યો ત્યારે નકારાત્મક ભૂમિકાઓ ભજવવાનો ઈરાદો નહોતો. હું અન્ય ઘણા બધા કલાકારોની જેમ હીરો બનવા માગતો હતો. જોકે અભિનેતા તરીકે હું પડકારજનક ભૂમિકાઓ ભજવવા માટે પણ તૈયાર હતો.
મેં મારા પ્રથમ શોમાં નકારાત્મક ભૂમિકા ભજવી હતી અને તે હિટ બની હતી. લોકોને મારાં નકારાત્મક પાત્રો ગમે છે. હું તેને મારું કમ્ફર્ટ ઝોન માનતો નથી, કારણ કે નકારાત્મક પાત્રો ઘનતા માગી લે છે અને અભિનેતાએ આવાં પાત્રોને ન્યાય આપવા માટે પોતાની અભિનયશક્તિને સિદ્ધ કરવી પડે છે.
નકારાત્મક પાત્ર વારંવાર ભજવવાથી તમે ટ્રોલ થઈ જાઓ છો અને તમારી પર ધિક્કાર વરસે છે. શું આવો કોઈ અંગત અનુભવ તેં કર્યો છે?
પડદા પર બેડ-ગાય બનવાથી અસલ જીવનમાં પણ નકારાત્મક છાપ ઊભી થાય છે. નકારાત્મક પાત્રને સોશિયલ મિડિયા મંચો પર હકારાત્મક પાત્રોના ચાહકો ટ્રોલ કરે તે બહુ સામાન્ય વાત છે અને હું પણ તેનો ભોગ બન્યો છું. મારા પ્રથમ શોમાં એક સીનમાં હું મુખ્ય પાત્રના નવજાતને મારી નાખવાનો પ્રયાસ કરું છું.
આ સીન જોયા પછી મારી પોતાની દાદીએ મહિનાઓ સુધી મારી જોડે વાત કરવાનું બંધ કર્યું. તે મને કહેતી કોઈ સારો રોલ નહીં કરી શકતો હતો? અથવા આવું શા માટે કરી રહ્યો છે? જોકે કલાકાર તરીકે આવી પ્રતિક્રિયાને શુભેચ્છા તરીકે લેવી જોઈએ, કારણ કે હું પાત્રના ઊંડાણમાં ઊતરી જાઉં છું. સોશિયલ મિડિયા પર આવા ટ્રોલ્સ અને નકારાત્મક ટિપ્પણીઓએ હું મારું પાત્ર સારી રીતે ભજવી રહ્યો છું તેનું મને ભાન કરાવ્યું છે.
શો માટે પરિવારથી દૂર રહેવાનું કેટલું મુશ્કેલ લાગે છે?
મને અન્ય શહેરમાં શૂટ કરવાનો અફસોસ ફક્ત એટલો જ છે કે મારી પુત્રી નાયેશાથી દૂર રહેવું પડે છે. દૂસરી માનો સેટ જયપુરમાં છે, જેથી હું અહીં આવ્યો છું, જ્યારે મારો પરિવાર મુંબઈમાં છે. મને રોજ તેને જોવાની અને સાંભળવાની ઈચ્છા થાય છે.
જોકે સમય વીતવા સાથે મેં સમાધાન કરી લીધું છે, કારણ કે અભિનય માટે મારી લગનીને કારણે મને પ્રવાસ કરવો પડે છે અને મારા ઘરના કમ્ફર્ટથી દૂર રહેવાનું અપેક્ષિત છે. હું તેને કોલ કરું છું ત્યારે તે કહે છે, પાપા, જે મારા કાનમાં મને સંગીત જેવું લાગે છે. મારો પરિવાર, ખાસ કરીને મારી પત્ની મારી સૌથી મોટી શક્તિ છે. તેમણે અભિનયમાં મારા પેશનને સાથ આપ્યો છે અને કારકિર્દી તરીકે શોબિઝની દુનિયામાં આવ્યો તેને પણ સાથ આપ્યો છે, જેથી હું મારું વ્યાવસાયિક અને અંગત જીવન આસાનીથી નિભાવી શકું છું.
શું ટીવી રાતોરાત તમને ખ્યાતિ અપાવે તેવું માધ્યમ હોય તેમ લાગે છે?
હું માનું છું કે ટેલિવિઝન તમને તુરંત નામના અને લોકપ્રિયતા અપાવે છે. આપણા ઉદ્યોગમાં આવા ઘણા બધા દાખલા છે. લોકો રોજ તેમના ઘરમાં તમને જુએ છે અને તમારા પાત્ર સાથે પોતાને જોડે છે. જોકે કહેવાય છે કે બધાના લાભો અને ગેરલાભ હોયછે.
તમે તમારો શો ચાલતો હોય ત્યાં સુધી સેલિબ્રિટી રહો છો. મેં અંગત રીતે આ અનુભવ કર્યો છે. તમારો શો પ્રસારિત થવાનું બંધ થતાં તમે ટીવી સ્ટાર રહેતા નથી અને કોઈક અન્ય તમારી જગ્યા લઈ લે છે. આ ઉદ્યોગમાં કશું કાયમી નથી, જેથી કલાકારે કામ ચાલુ રાખવું આવશ્યક છે.