ઝઘડિયા GIDCમાં સ્થાનિક યુવાનોને રોજગાર બાબતે અગ્રિમતા આપવા ક્ષત્રિય કરણી સેનાની માંગ
GIDC એસોસિયેશનને આવેદન આપીને સ્થાનિકોને રોજગાર માટે પડતી તકલીફો દુર કરવા માંગ કરી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા ખાતે ક્ષત્રિય કરણી સેનાએ આજરોજ ઝઘડિયા જીઆઈડીસી એસોસિયેશનને એક આવેદન આપીને તાલુકાના સ્થાનિક યુવાનો માટે રોજગારની તકો વિસ્તૃત બનાવવા માંગ કરી હતી.
આવેદનમાં માંગ કરવામાં આવી હતી કે ઝઘડિયા જીઆઈડીસીમાં કામ કરતા સ્થાનિક કામદારોને સરકારી ધારાધોરણ મુજબ વેતન આપવામાં આવે.જીઆઈડીસીમાં કામ કરતા સ્થાનિકોને અસામાજિક તત્વો દ્વારા થતી હેરાનગતી બંધ કરવામાં આવે, તેમજ કોન્ટ્રાક્ટ બેજ પર કામ કરતા સ્થાનિક કામદારોને કંપનીમાં કાયમી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
જીઆઈડીસીમાં રોજગાર બાબતે સ્થાનિકોને અગ્રિમતા આપવામાં આવે તેમજ જીઆઈડીસીમાં જમીન ગુમાવનાર પરિવારોને પણ રોજગાર આપવામાં આવે તેવી પણ આવેદનમાં રજુઆત કરવામાં આવી હતી. આવેદનમાં વધુમાં જણાવાયા
મુજબ જાે સ્થાનિકોને યોગ્યતાના ધોરણે રોજગારમાં અગ્રિમતા નહિ અપાય તેમજ આ માંગણીઓ સંતોષવા સંબંધે યોગ્ય પ્રત્યુત્તર નહિ અપાય તો તાલુકાના તમામ સમાજના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં સ્થાનિકોની સરખામણીએ પર પ્રાતિંયોને વધુ રોજગાર આપવાની ઉધોગ માલિકોની નિતીને લઈને ઘણાં સ્થાનિક યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારથી વંચિત રહેવું પડે છે.ત્યારે ક્ષત્રિય કરણી સેના દ્વારા આ બાબતે જીઆઈડીસી એસોસીએશનને આવેદન આપી તાલુકામાં સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તારવા માંગ કરવામાં આવી હતી.