વેરાવળમાં વાડીમાંથી ૩પ૩ કટ્ટાનો રેશનિંગનો શંકાસ્પદ જથ્થો મળ્યો
ચોખાના રપ૯ અને ઘઉંના ૯૪ કટ્ટાઓ મળી આવ્યા હતા
વેરાવળ, વેરાવળના બાયપાસ વિસ્તારમાં એક વાડીમાંથી સરકારી રેશનિંગનો શંકાસ્પદ ૩પ૩ કટ્ટાનો જથ્થો પુરવઠા વિભાગે બાતમીના આધારેે ઝડપીને સીઝ કરવામાં આવ્યો છે. આ જથ્થો કોડીનારના કોઈ શખ્સનો હોવાનું વાડી માલિક જણાવી રહ્યા છે.
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ઉપરાંત તાલાલા, સુત્રાપાડા, ઉના, કોડીનાર પંથકમાં ગરીબોનું અનાજ બારોબાર જતુ હોવાનું કૌભાંડ ચાલી રહ્યાની વ્યાપક ચર્ચાઓ વચ્ચે વેરાવળ બાયપાસ ઉપર આવેલી એક વાડીમાં સરકારી રેશનિંગનો જથ્થો એકત્ર થઈ રહ્યો હોવાની માહિતી પુરવઠા વિભાગને મળી હતી.
જેના આધારે ટીમે ગતરાત્રીના બાયપાસ ઉપર અસલમ સરકારની વાડીએ દરોડો પાડ્યો હતો. જ્યાં ખુલ્લામાં ચોખાના રપ૯ અને ઘઉંના ૯૪ કટ્ટાઓ મળી આવ્યા હતા. આ કટ્ટાઓ સીલ પેક હોવાની સાથે રેશનિંગની દુકાનોમાં હોય એવા જ હોવાથી શંકાસ્પદ લાગતા સીઝ કરવામાં આવ્યા હતા.
બાદમાં આ વાડી માલિકની પૂછપરછમાં આ શંકાસ્પદ કટ્ટાનો જથ્થો કોડીનારની દિવસી ભાલિયાનો હોવાનું જણાવ્યુ હતુ. જે વાડીમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કર્યો છે. તે જગ્યા સાથે ડોર સ્ટેપના પ્રતિનિધિ તરીકે કામ કરતો એક વ્યક્તિ સંકળાયેલ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
ત્યારે આ પ્રકરણમાં તંત્ર દ્વારા સઘન અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો ડોર સ્ટેપના કોન્ટ્રાક્ટરોની શંકાસ્પદ કામગીરીથી ગરીબોના અનાજ બારોબાર સગેવગેે કરવાના સુવ્યવસ્થિત નેટવર્કને પર્દાફાશ થાય એમ છે.