અખાત્રીજ-અક્ષય તૃતિયા ભગવાન ૫રશુરામજીનો જન્મદિવસ
આ અક્ષય તિથિ ૫રશુરામજીનો જન્મદિવસ હોવાથી પરશુરામ તિથિ ૫ણ કહેવામાં આવે છે.ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામએ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા.તે અતિશય તેજસ્વી,બુદ્ધિશાળી અને ક્ષાત્રતેજ સંપન્ન હતા.તેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે.
પરશુરામ ભગવાને શિવજીનું તપ કર્યું અને વરદાનમાં શિવજીએ પરશુ (કુહાડી) આપી હતી, ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું.પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામા આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે.એક લોકપ્રિય શ્લોક છે.
અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભિષણ, કૃપઃપરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિનઃ
જમદગ્નિ એક પ્રાચીન ગોત્રકાર વૈદિક ઋષિ અને ભૃગુકુળના મહર્ષિ ઋચિક મુનિ અને ગાધિ રાજાની કન્યા સત્યવતીથી અવતર્યા હતા.તેમની ગણના સપ્તર્ષિઓમાં કરવામાં આવે છે. તમામ લોકો લગ્ન કરીને સાંસારીક સુખ ભોગવતા હોય છે પરંતુ ઋચિક લગ્ન પછી પણ પોતાની પત્ની સત્યવતીને સાથે રાખીને પ્રભુ ભક્તિ અને તપમાં લાગેલા રહે છે.એકવાર સત્યવતી કહે છે કે મારે સાંસારીક સુખ ભોગવવું છે ત્યારે ઋચિક કહે છે તમે સુંદરતાની મૂર્તિ છો,તમારૂં રૂપ જાેઇને હું ગાંડો થયો હતો.
હું સૌદર્યનો ઉપાસક છું ભક્ષક નથી.ત્યારે સત્યવતી વિનંતી કરે છે કે મનુષ્ય જીવન એકલા ભોગ માટે નહી પરંતુ પરમાત્માના યોગ માટે છે એ હું સમજું છું પરંતુ મને એક સંતાન થાય એવી ઇચ્છા છે જે આપ પુરી કરો અને આખરે ઋચિક પત્નીની ઇચ્છા પુરી કરવા તૈયાર થઇ જાય છે.
એકવાર સત્યવતી પોતાના પિયર જાય છે અને માતાને કહે છે કે મારે પતિ સાથે કોઇપણ પ્રકારના મતભેદ નથી.મારા પતિએ મને એક પૂત્રરત્ન થાય તે માટે રાજી થઇ ગયા છે.ત્યારે સત્યવતીની માતા કહે છે કે તારા પતિ ઘણાજ પ્રભાવશાળી તપસ્વી છે અને તારે પણ ભાઇ નથી તેથી મારા માટે પણ આર્શિવાદ માંગી લેજે.સત્યવતી પતિ સમક્ષ પ્રસ્તાવ મુકે છે કે મારે ભાઇ નથી.તમે મને જેમ એક અપત્ય આપવાના છો તેમ મારી માતાને પણ એક અપત્ય આપવાની કૃપા કરજાે.
ગાધિરાજા ક્ષત્રિય હતા અને ઋચિક બ્રાહ્મણ હતા તેથી ઋચિકે પોતાનો દિકરો બ્રહ્મતેજવાળો બને અને સત્યવતીની માતાનો દિકરો ક્ષત્રિય તેજવાળો બને તે માટે ઋચિકે પોતાના તપ અને મંત્રશક્તિના પ્રભાવથી બે ચરૂં(ભાતના ગોળા) બનાવ્યા.
બંને ચરૂ લઇને સત્યવતી પોતાની માતા પાસે આવે છે
ત્યારે તેમની માતાના મનમાં વિચાર આવે છે કે સત્યવતીના પતિને એના ઉપર ઘણો જ પ્રેમ છે તેથી તેઓને મહાન પ્રભાવી દિકરો થાય એવો ચરૂ સત્યવતી માટે તૈયાર કર્યો હશે અને મારા માટે જે ચરૂ બનાવ્યો છે તેમાં જાેઇએ એટલો પ્રભાવ હશે નહી. આવી શંકાના કારણે સત્યવતીના માટે તૈયાર કરેલ ચરૂં પોતે ખાય છે અને પોતાના માટે તૈયાર કરેલ ચરૂં સત્યવતીને ખવડાવે છે.
આમ ચરૂં ઉલટ-સુલટ થઇ જવાથી ગાધિરાજાને ત્યાં બ્રહ્મતેજવાળા ક્ષત્રિય સ્વભાવના જન્મ્યા તે વિશ્વામિત્ર અને બ્રાહ્મણ ઋચિક અને સત્યવતીનું સંતાન જમદગ્નિ ક્ષત્રિય તેજવાળા જન્મે છે.વિશ્વામિત્ર અને જમદગ્નિ મામા-ભાણેજ થાય.જમદગ્નિમાં ક્ષત્રિયોચિત ગુણો હતા.જન્મ્યા ત્યારથી ધગધતા અગ્નિ જેવા જલદ સ્વભાવના ઋષિ હતા.
જન્મજાત તેઓ વિદ્વાન હતા.તેમનું લગ્ન પ્રસેનજિત રાજાની પુત્રી રેણુકા સાથે કરવામાં આવ્યું હતું.તેમને પાંચ પુત્ર થયા હતા તેમાં સૌથી નાના પુત્ર પરશુરામ હતા જેને આપણે ભગવાનનો છઠ્ઠો અવતાર માનીએ છીએ.તે જન્મથી શૂરવીર,ધનુર્વિદ્યાના જાણકાર,સુંદર અને તિક્ષ્ણ બુદ્ધિવાળા હતા.વિષ્ણુનું ધનુષ્ય ઋચિકે જમદગ્નિને આપેલ હતું.
એકવાર રેણુકા સ્નાન કરવા ગયા તે સમયે ચિત્રરથ અને ચિત્રાંગદ આ બંન્ને ગંધર્વો પોતાની પત્નીઓ સાથે જલક્રીડા કરતાં હતાં.તેમની ક્રીડા જાેઈ રેણુકાને કામવાસનાની અસર થઈ તેથી તે ઘેર આવીને શારીરીક સુખ માટે પ્રર્થના કરે છે જે સાંભળીને ઋષિ ગુસ્સે થાય છે.
બ્રાહ્મણની પત્ની અને તારા મનમાં આવા કામુક વિચાર ! એક પછી એક તેણે પોતાના પુત્રોને તેમની માતા રેણુકાનો શિરચ્છેદ કરવા કહ્યું.કોઈએ આજ્ઞા પાળી નહિ તેથી તેમને પાષાણતુલ્ય જડ કરી દીધા. છેવટ પરશુરામે પિતાની આજ્ઞાનું પાલન કરી પોતાની માતા રેણુકાનું માથું પોતાના ફરસાથી કાપી નાખ્યું.
જમદગ્નિએ પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહેતાં પરશુરામે પોતાની માતાને સજીવન કરવા અને માતા રેણુકાના અંતઃકરણમાં મારા માટે દ્વેષ ન રહે અને પોતાના ભાઈઓને જેવા હતા તેવા કરી દેવાનું વરદાન માંગ્યું.જમદગ્નિએ તપ સાર્મથ્યથી રેણુકાને સજીવન કરી.ત્યારબાદ તેમને ક્રોધનો સદંતર ત્યાગ કર્યો.
નર્મદાતીરથી થોડે દૂર હૈહય વંશના રાજા કૃર્તવિયની રાજધાની હતી.કૃર્તવિયનો છોકરો મહાન ક્ષત્રિય રાજા કાર્તવીર્ય અર્જુન(સહસ્ત્રાર્જુન) એક મહાન પ્રાતઃસ્મરણીય શક્તિ હતી.તેના માટે એવું કહેવાતું હતું કે તેના સ્મરણમાત્રથી ખોવાયેલી વસ્તુ પાછી મળતી હતી.
એકવાર તે અત્રિઋષિના આશ્રમમાં જઇને તેમનું અપમાન કરે છે.જેને ત્રણ ગુણોને જીત્યા છે તે અત્રિઋષિ તેને મૂર્ખ સમજીને માફ કરી દે છે પરંતુ અત્રિઋષિના પૂત્ર દુર્વાસાથી પોતાના પિતાનું અપમાન સહન ના થયું અને તેને પોતાના બ્રહ્મતેજનું પાણી તેને બતાવ્યું તેથી હારીને તે દુર્વાસા સાથે મિત્રતા કરે છે અને તેમના આશ્રમમાં આવતો-જતો રહે છે.
સહસ્ત્રાર્જુન અત્રિઋષિના પૂત્ર દત્ત ભગવાનનો ઉપાસક હતો.દત્ત ભગવાન પાસે તેને વરદાન માગ્યું કે લડાઇના સમયે મને હજાર હાથ થાય.દત્ત ભગવાને પ્રસન્ન થઇને તેને વરદાન આપ્યું.હજાર હાથ એટલે સહસ્ત્રાર્જુને પોતાની બુદ્ધિ કૌશલ્યથી સેંકડો લોકોને ભેગા કર્યા એટલે કે હજારો હાથ ભેગા કરીને તે અહંકારી બને છે અને બ્રાહ્મણો-ઋષિઓનો દ્વેષ કરી તેમને હેરાન કરે છે.માણસ મત્સરથી ભરાઇ જાય ત્યારે બીજા વ્યક્તિને બધા લોકો નમસ્કાર કરે તે તેમનાથી સહન થતું નથી.
એકવાર સહસ્ત્રાર્જુન વશિષ્ઠ ઋષિનો આશ્રમ બાળવા જાય છે તે સમયે વશિષ્ઠની મશ્કરી કરે છે ત્યારે ઋષિ કહે છે કે તને મરવાના કોડ જાગ્યા છે.પરશુરામ સાથે તારો ભેટો થશે ત્યારે તે તને મારશે.રાત દિવસ પરશુરામનું નામ સાંભળીને તે ચિડાઇ જતો હતો.
તેના માણસોએ કહ્યું કે પરશુરામ હાજર ના હોય ત્યારે આપણે તેમનો આશ્રમ લુંટીએ.પરશુરામ આશ્રમમાં હાજર નહોતા ત્યારે એકવાર સહસ્ત્રાર્જુન પોતાની સેના સહિત જમદગ્નિના આશ્રમમાં આવ્યો.પોતાની પાસે કામધેનુ હોવાથી ઋષિએ તમામનું આતિથ્ય કર્યું.આ જાેઇને સહસ્ત્રાર્જુને બળજબરીથી કામધેનુ લઈ લીધી અને આશ્રમ લૂંટી લીધો તો પણ જમદગ્નિને ક્રોધ આવ્યો નહિ.
પરશુરામે બધાને ભેગા કરી સમજાવ્યા કે આ અન્યાયીઓને ચલાવી લેશો તો પ્રભુશક્તિ પણ આપણને મદદ નહી કરે.ક્ષત્રિય તરીકે પ્રભુએ તેમને સત્તા આપી છે તેનો તે દુરઉપયોગ કરી આસુરી સંસ્કૃતિના ઉપાસક બન્યા છે.
સહસ્ત્રાર્જુનની પાસેથી પરશુરામે કામધેનુને છોડાવી લાવી આશ્રમધર્મ ચાલુ કર્યો.પરશુરામે સહસ્ત્રાર્જુનને માર્યો હતો તેનું વેર રાખીને તેના પુત્રોએ પરશુરામ આશ્રમમાં ન હોય એવો લાગ જાેઇને જમદગ્નિને મારી નાખ્યા તેનો બદલો લેવા પરશુરામે એકવીસ વખત પૃથ્વી નિઃક્ષત્રિય કરી એટલે કે તેમને ભોગવાદી બનેલા એકવીસ રાજાઓને માર્યા.
તેજસ્વી પરશુરામનો ભગવાન શ્રી રામે રામાવતારમાં પરાભવ કર્યો હતો.પરશુરામે પોતાના અવતારકાર્યમાં બ્રાહ્મણત્વ જીવતું રાખ્યું.મહાન કાર્ય કરીને સમાજમાંનો એક મોટો સર્જનશીલ માનવવંશ ટકાવ્યો અને ભાર મુક્યો કે સત્તા-સંપત્તિ સામે ના નમવાવાળો,
ફક્ત પ્રભુનિષ્ઠા અને પ્રભુશક્તિ ઉપર વિશ્વાસ રાખી જીવન જીવવાવાળો,જ્ઞાનનો ઉપાસક અને સંસ્કૃતિનો પૂજક સમાજમાં હંમેશાં રહેવો જાેઇએ અને જાે તે રહેશે તો જ સંસ્કૃતિ ટકશે નહી તો મનુષ્ય શરીર હોવા છતાં તે ચાર પગવાળો પશુ જ થશે. કર્ણ,દ્રોણાચાર્ય અને ભિષ્મ પિતામહે પણ તેમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હતી. -વિનોદભાઇ માછી નિરંકારી