છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા ૩૨ મધ્યમ વર્ગીય પરિવારો, પોતાના ઘરમાં પરત ફરી શક્યા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અરજદાર રાકેશકુમાર પારેખ સાથે સંવાદ કર્યો : ૩૨ પરિવારોનું ભલું કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૬માં સુરતમાં મહાવિનાશક પૂર દરમિયાન ઉતારી પડાયેલા બહુમાળી બિલ્ડીંગને પુન: બાંધવા ખાસ કિસ્સામાં મંજુરી આપવા આદેશ કર્યો હતો
સુરત શહેરના અરજદાર શ્રી રાકેશકુમાર બળવંતરાય પારેખે વર્ષ-૨૦૦૬માં મહાવિનાશક પૂર દરમિયાન ઉતારી પડાયેલા બહુમાળી બિલ્ડીંગને પુન: બાંધવા મંજુરી માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને તા.૨૨મી મે ૨૦૦૮ના રોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. આ જ અરજદાર સાથે આજે વડાપ્રધાન શ્રી મોદીએ સંવાદ કર્યો અને કહ્યું કે, તમે તમારું જ નહિ પરંતુ ૩૨ પરિવારોનું ભલું કર્યું છે.
અરજદાર શ્રી રાકેશકુમાર પારેખે તમામ પરિવારો વતી રજૂઆત કરી હતી કે, સુરતના બેગમપુરા, દાણાપીઠમાં રમણ ચેમ્બર્સ નામની ૮ માળની બિલ્ડીંગમાં ૩૨ મધ્યમવર્ગીય પરિવાર રહેતા હતા. આ બિલ્ડીંગમાં આઠ દુકાનો પણ હતી. સુરત શહેરમાં ૨૦૦૬માં વિનાશક પૂર આવ્યુ હતું. જેમાં આ બિલ્ડીંગને ગંભીર નુકસાન થયુ હતું.
તે સમયે મોટી હોનારત ટાળવા તત્કાલિન સ્પેશિયલ ઓફિસર ઇન્ચાર્જ તથા સુડાના અધિકારીશ્રીએ બિલ્ડીંગ ઉતારી પાડવા આપેલી સૂચનાનું પાલન કર્યુ હતુ. ત્યારબાદ તમામ પરિવારોને અન્યત્ર ભાડે રહેવા જવાની ફરજ પડી હતી. પરંતુ કોર્પોરેશન દ્વારા દોઢ વર્ષ બાદ પણ નવા બાંધકામની મંજૂરી ન મળતા બહુમાળી બિલ્ડીંગને પુન: બાંધવા મંજુરી આપવામાં આવે.
આ રજૂઆતને અત્યંત સંવેદના સાથે સાંભળીને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી
તથા શહેરી વિકાસ વિભાગને દરખાસ્ત કરી અઠવાડિયામાં મંજૂરી મળી જાય તેવી સૂચના આપવામાં આવી. તત્કાલીન મુખ્યમંત્રીશ્રીના માનવીય અભિગમના કારણે તેમની કક્ષાએથી સૂચના મળતા શહેરી વિકાસ વિભાગ દ્વારા બાંધકામ અંગેની મંજૂરીના હુકમો ખાસ કિસ્સા તરીકે કરવામાં આવ્યા હતા.
આ બિલ્ડીંગમાં તે સમયે ૩૨ મધ્યમ વર્ગીય પરિવાર રહેતા હતા, તે તમામ પરિવાર છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. તે તમામ પરિવારોને ભાડાના મકાનમાં અન્યત્ર રહેવાની ફરજ પડી હતી જેથી તમામ પરિવારોને આર્થિક બોજો પણ સહન કરવો પડ્યો હતો.
આ બિલ્ડિંગના બાંધકામની ખાસ કિસ્સામાં પરવાનગી અપાતા ખુબ ટૂંકા ગાળામાં આ બિલ્ડીંગ ઉભું થઈ ગયું હતું અને ભાડે રહેતા તમામ ૩૨ મધ્યમ વર્ગીય પરિવાર પોતાના ઘરમાં પરત ફરી શક્યા હતા. આજે પણ આ પરિવારો બિલ્ડિંગમાં પોતાના સ્વજનો સાથે રાજી ખુશીથી રહે છે.