મેઢાસણમાં સ્થાનિકોએ જાહેર રસ્તા પર પાળો નાખી દેતાં ગંદકીના ઢગ ખડકાયા
એક તરફ જીલ્લામાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે બીજી તરફ મોડાસા તાલુકાના મેઢાસણ ગામ ગંદકીથી ખડબદી રહ્યુ છે.ગામના પ્રજાપતિ વિસ્તાર તરફ કેટલાંક લોકોએ વારંવાર ગંદકી મુદ્દે સરપંચને રજુઆત કર્યા બાદ પણ સરપંચે નિકાલ ન કરતાં ઠાકોર સમાજનાં લોકોએ જાહેર માર્ગ પર માટીનો પાળો નાખી દેતા આ વિસ્તારમાં ગંદકીના ઢગ ખડકાયા છે મેઢાસણ ગામમાં અનુ.જાતિ સમાજના ઘર પાછળ રોડ પર પાણી ભરાઈ રહેતા અસહ્ય ગંદકી અને માથું ફાડી નાખે એવી દુર્ગંધ થી લોકો તોબા પોકારી ઉઠ્યા છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા હોવાછતાં ગ્રામ પંચાયત રોડ પર ભરાઈ રહેલ પાણી અને ગંદકી દૂર કરવામાં આંખ આડે કાન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
મોડાસા તાલુકાના મેઢાસણ ગામમાં છેલ્લાં ઘણાં સમયથી ગંદકીની સમસ્યા પ્રવર્તી રહી છે.વારંવાર સ્થાનિકો દ્રારા ગંદકી મુદ્દે ગ્રામસભાઓમાં તેમજ સરપંચ અને તલાટી સમક્ષ અનેક ફરિયાદો કરવા છતાં આખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.બે વર્ષ અગાઉ ગંદકી ને કારણે મેઢાસણ ગામમાં અનેક ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ આવ્યાં હતા.પરતું સ્થાનિક પ્રતિનિધિઓના પેટનું પાણી પણ હલતું નાં હોય તેમ ગંદકીના નિકાલ બાબતે સતત દૂર્લક્ષ સેવતા ગામનાં કેટલાંક વિસ્તારોની હાલત બદથી પણ બદતર થઇ ગઇ છે.મેઢાસણ ગામનાં પ્રજાપતિ વિસ્તાર પાછળ રહેતાં 4 ઠાકોર પરિવારો દ્રારા સતત ગંદકી મુદ્દે સરપંચ સમક્ષ ફરિયાદો કર્યા બાદ પણ નિવેડો ના આવતાં આ પરિવારોએ જાહેર માર્ગ પર માટીનો પાળો નાખી દેતા આ વિસ્તારમાં ગંદકીના ઢગ ખડકાયા છે.જાહેર માર્ગ પર ગંદકી ફેલાતા રાહદારીઓ તેમજ વિધાર્થીઓને પણ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે
.જોકે 2 દિવસથી આ મામલે સ્થાનિકો દ્રારા સરપંચને રજુઆત કરવા છતાં સરપંચ જગદીશભાઈ પટેલ કે ડેપ્યુટી સરપંચ ફરકયા સુધ્ધાં ન હોવાનો સ્થાનિકોએ આક્રોશ વ્યકત કર્યો હતો.રહેણાંક વિસ્તારમાં પાળો નાખવાનું ખુદ સરપંચે જ સુચવ્યુ હોવાનું ઠાકોર પરિવારના ઈસમોએ જણાવ્યું હતુ.જો રહેણાંક વિસ્તારમાં ગ્રામપંચાયત દ્રારા આ ગંદકીનો સત્વરે નિકાલ નહીં કરાય તો આ વિસ્તારના રહીશોમાં ભારે રોગચાળૉ ફાટી નીકળવાની દહેશત ઊભી પણ થઈ છે.