ગુનાખોરી આચરવા માટે ચોરીનાં બાઇક અને કારનો બેફામ ઉપયોગ
વાહન ચોરાય તો તરત ફરિયાદ કરજાે, નહીં તો ફસાઈ જશો-મેમ્કો-સીટીએમમાં થયેલી લૂંટના પ્રયાસના કેસમાં ચોરીનું વાહન વપરાયું હતું: ૫૦ લાખની ચીલઝડપમાં પણ ચોરાયેલું બાઇક હોવાની આશંકા
અમદાવાદ, ગુનેગારો એટલા બધા શાતિર થઇ ગયા છે કે હવે તેઓ પહેલાં વાહન ચોરી કરે છે અને બાદમાં તેના પર ચોરી, લૂંટ અથવા ચીલ ઝડપ કરવા માટે નીકળે છે. Indiscriminate use of stolen bikes and cars to commit crime
જાે તમારું વાહન ચોરાય તો તરત જ પોલીસ ફરિયાદ કરી દેજાે, નહીં તો ગુનાના આરોપસર પોલીસ તમારી આકરી પૂછપરછ કરી શકે છે ગત મહિને મ્મેકો વિસ્તારમાં શિવકૃપા જ્વેલર્સ તેમજ સીટીએમના મહાલક્ષ્મી જ્વેલર્સમાં બંદૂકની અણીએ લૂંટ કરવાની કોશિષ કરવામાં આવી હતી.
આ બંને ચકચારી કિસ્સામાં લૂંટારાએ ચારીનાં વાહનનો ઉપયોગ કર્યાે હોવાનું સામે આવ્યું છે, જ્યારે થોડા દિવસ પહેલાં સીજી રોડ પર આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૫૦ લાખ ભરેલી બેગની ચીલ ઝડપ થઇ હતી. જેમાં પણ ચોરીના બાઇકનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.
જાે તમારું વાહન ચોરાય તો તરત પોલીસ ફરિયાદ કરજાે નહીં તો તમે ચોરી, લૂંટ, દારૂની ખેપ મારવા જેવા અનેક ગંભીર ગુનામાં ફસાઈ શકો છે. હાલમાં ચોરી, લૂંટના જે બનાવો બન્યા છે તેમાં લૂંટારુ ટોળકીઓએ ચોરીનાં વાહનોનો ઉપયોગ કર્યાે હોવાનો ઘટસ્ફોટ થઇ રહ્યો છે. જેથી જ્યારે પણ તમારું વાહન ચોરાય ત્યારે તરત જ પોલીસને જાણ કરી દેવી હિતાવહ છે.
શહેરમાં રોજબરોજ સંખ્યાબંધ વાહનોની ચોરી થાય છે જેમાં કેટલીક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતી નથી જ્યારે કેટલીક ફરિયાદો મોડી નોંધાય છે. જેનો સીધો ફાયદો ચોરી કરનાર ગેંગ ઉઠાવે છે. નિર્દાેષ લોકો પોલીસના સકંજામાં આવી જાય અને લૂંટારુઓ લૂંટેલો માલ લઇને નાસી જાય
તે રીતેનો પ્લાન ઘડીને અમદાવાદમાં થઇ રહેલી લૂંટનું આયોજન કરવામાં આવતું હોય છે. લૂટારુંઓ પહેલાં બાઇકની ચોરી કરતા હોય છે અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપતા હોય છે. લૂંટ થઇ ગયા બાદ આરોપીએ બાઈકને બિનવારસી મૂકીને નાસી જાય છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં જે કોઈ પણ લૂંટ, ચેઈન સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ, ચીલ ઝડપની ઘટનાઓ બને છે તેમાં ચોરીનાં બાઈકનો ઉપયોગ થાય છે. ગત મહિને મેમ્કો વિસ્તારમાં આવેલા શિવકૃપા જ્વેલર્સમાં હથિયાર લઇને શખ્સો આવ્યા હતા. જ્વેલર્સના માલિક પૂજા કરતા હતા ત્યારે લૂંટારુઓએ તેમને રિવોલ્વર બતાવીને લૂંટ કરવાની કોશિશ કરી હતી.
જાેકે સોનીએ બૂમાબૂમ કરતાં તે બાઇક લઇને ભાગી ગયા હતા. લૂંટારા પોતાનું બાઇક ચામુંડા બ્રિજની નીચે મૂકીને નાસી છુટ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે બાઇક જમા કર્યું છે. ક્રાઈમ બ્રાંચે તપાસ કરી તો જાણવા મળ્યું કે બાઇક ચોરીનું છે. જેની ફરિયાદ ગાંધીનગર ઇન્ફોસિટીમાં નોંધાઈ છે.
આ સિવાય સીટીએમ ખાતે આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાં પણ લૂંટારા બંદૂક લઇને ઘસી આવ્યા હતા અને લૂંટ કરવાની કોશિશ કરી હતી જાેકે સોનીએ પ્રતિકાર કરતાં લૂંટારા નાસી છુટ્યા હતા.
આ ઘટનામાં પણ ટુ વ્હીલર ચોરી હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલાં સી.જી.રોડ આંગડિયા પેઢીના કર્મચારી ૫૦ લાખ રૂપિયા લઇને જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સો બેગ ખેંચીને નાસી ગયા હતા. આ કેસમાં પણ ચોરીના બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે.