સર સયાજીરાવ નગર ગૃહ ખાતે મૂકબધિરો માટે ગુજરાતી એપનું લોન્ચિંગ
(માહિતી) વડોદરા, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ શહેરના સર સયાજીરાવ નગર ગૃહ ખાતે મૂકબધિરો માટેના એપ લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
વડોદરાના મૂક બધિર મંડળ દ્વારા ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મૂકબધિરો માટેની ગુજરાતી આઈ.એસ.એલ શબ્દકોશ એપનું શ્રીમતી બાબરીયાએ લોન્ચિંગ કરતી વેળા હર્ષની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે, આ મોબાઈલ એપ્લિકેશનથી મૂકબધિરોના રોજિંદા જીવનના કાર્યો સરળતાથી અને પોતાની માતૃભાષામાં થશે. એપથી મૂકબધિરોને ગુજરાતી ભાષામાં અલગ-અલગ વિષયનું જ્ઞાન તો મળશે, સાથે તેમના શબ્દકોશમાં પણ વધારો થશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મંત્રી શ્રીમતીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકારે દિવ્યાંગજનો અને મૂકબધિરો માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, જેથી તેઓ સન્માનપૂર્વક જીવન જીવી શકે. આ પ્રસંગે તેમણે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તરીકે મૂકબધિરોની સેવા કરવાની સુવર્ણ તક મળી હોવાનું જણાવી તેઓના હરહંમેશ કલ્યાણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ, અગ્રણી ડો. વિજય શાહ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી મયંક ત્રિવેદી, એપના પ્રોજેક્ટ ડાયરેક્ટર, મૂક બધિર મંડળના ટ્રસ્ટીશ્રીઓ, સભ્યો તેમજ મોટી સંખ્યામાં મૂકબધિરો ઉપસ્થિત રહ્યા હતા.