યાત્રાધામ અંબાજીમાં એક કલાકમાં ચાર ઈંચ વરસાદ
વડગામ, અમીરગઢ અને ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે
બનાસકાંઠા, બનાસકાંઠાના અંબાજીમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા બજારોમાં નદીઓ વહેવા લાગી હતી. બજારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ધોધમાર વરસાદથી ખેડૂતોના ઉનાળાના પાકને વ્યાપક નુકસાન થયું હતું.
બનાસકાંઠાના અમીરગઢના આવલ ગામમાં લગ્ન પ્રસંગના ભોજન સમારંભ સમયે વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના પાલનપુર અને દાંતામાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો વડગામ, અમીરગઢ અને ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ તરફ આગાહી વચ્ચે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધાનેરાના વાછોલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા લોકો પરેશાન થયા હતા. કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકને નુકસાનની ભારે આશંકા છે.