નથી રહ્યો પોલીસનો ડર અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ગુનેગારોને
વટવા વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી -આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા વટવા પોલીસે હત્યાના પ્રયાસ અને રાયોટિંગની કલમો હેઠળ અજાણ્યા ૬ લોકો સામે ગુનો દાખલ કરી હતી
અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ગુનેગારોને જાણે પોલીસનો ડર જ નથી રહ્યો , આવી પરિસ્થિતિમાં જાહેરમાં મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જાેવા મળ્યું હતું કે વટવા વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા યુવકને કારથી ટક્કર મારવામાં આવી અને બાદમાં તેને માર મારીને છ શખ્સો ફરાર થઈ ગયા હતા.
જાેકે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. યુવકની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ફરિયાદી યુવક અગાઉ નારોલમાં મારામારી સહિતના ગુનામાં સામેલ હતો અને પાસા પણ ભોગવી ચુક્યો છે. જેથી તેની જૂની અદાવત મામલે પણ પોલીસે તપાસ હાથ ધરાઈ છે.
અમદાવાદનો પૂર્વ વિસ્તાર જાણેકે પોલસ માટેનો આરામનો વિસ્તાર બની ગયો હોય તેમ જાહેરમાં મારામારી, લૂંટ, હત્યા જેવા બનાવો છાશ વારે બની રહ્યા છે. ગુનેગારો બેખોફ થઈને જાહેરમાં હથિયારો સાથે મારામારી કરે, હથિયારો સાથે લૂટ થાય આવિતો અનેક ઘટનાઓ બની રહી છે પણ આવા અસામાજિક તત્વોને જાણેકે પોલીસની કોઈ બીક જ નો હોય તેમ લાગી રહ્યું છે.
શહેરના વટવા વિસ્તારમાં ગઈકાલે મારામારીની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા જુબેર અન્સારી નામના યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. ગઇકાલે જુબેર તેના મિત્રો સદ્દામ અન્સારી, ફિરોજ ખાન પઠાણ, અહેમદ અલી સાથે બાપુનગર જવા નીકળ્યો હતો
તે દરમિયાન ઘોડાસર કેનાલ ઉપર પહોંચતા તેના મિત્ર સદ્દામની બાઈકને એક ગાડીએ ટક્કર મારતાં તે નીચે પડ્યા હતા. જેથી જુબેર તેમજ ફિરોજ ત્યાં ઉભા રહ્યા, ત્યારે બે ગાડીઓમાંથી છ થી સાત જેટલા શખ્શો દ્વારા જૂબેર અને તેના મિત્રોને માર મારવા જતાં તમામ મિત્રો ત્યાંથી નાસી ગયા હતા.
આ ઘટના દરમિયાન જુબેર પોતાની ગાડી લઈને ઘોડાસર પીડી પંડ્યા કોલેજ રોડ ઉપર ભાગ્યો હતો, ત્યારે બંને ફોરવહીલ ગાડીઓ જુબેરની પાછળ આવી હતી અને જુબેર અન્સારીની બાઈકને ટક્કર મારી નીચે પાડી દીધો હતો. બંને ગાડીમાંથી છ થી સાત જેટલા શખ્સોએ નીકળીને દંડા તેમજ ધોકાઓ લઈને “આજે તો તારૂ મર્ડર કરી નાખવાનું છે”
તેમ કહીને જુબેર અન્સારીને માર માર્યો હતો. જેથી જુબેરે બૂમાબૂમ કરતા આજુબાજુના માણસો એકઠા થયા હતા. જાેકે જુબેર અર્ધબેભાન જેવો થઈ જતા તમામ શખ્સો ગાડી લઇને ફરાર થઈ ગયા હતા.જાેકે જુબેરને ગંભીર ઇજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા વટવા પોલીસે હત્યાના પ્રયાસ અને રાયોટિંગની કલમો હેઠળ અજાણ્યા ૬ લોકો સામે ગુનો દાખલ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.