Western Times News

Gujarati News

હાંસોલમાં બે જૂથ વચ્ચે નજીવી બાબતે અથડામણઃ અમુલ પાર્લરમાં તોડફોડ

પ્રતિકાત્મક

સાતથી વધુ ઘાયલ માથાકૂટ એટલી વધી ગઈ કે ટોળાએ ઓડવાસ બહાર આવેલ અમુલ પાર્લરમાં પણ તોડફોડ કરી હતી

અમદાવાદ,  શહેરના હાંસોલ ગામ નજીક ગઇ કાલે મોડી રાતે વાહન પાર્ક કરવા બાબતમાં બે જૂથ વચ્ચે ધિંગાણું થતાં ચકચાર મચી ગઇ છે. ઉશ્કેરાયેલા ટોળાઓએ ડંડા, પાઇપ વડે સામસામે હુમલો કરીને પથ્થરમારો કરતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો.

મોડી રાતે થયેલા ધિંગાણામાં સાતથી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થઇ છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે એરપોર્ટ પોલીસે ક્રોસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. હાંસોલના આશ્રય બંગલોઝમાં રહેતા અને વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા નીરજકુમાર બ્રહ્મભટ્ટે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હેમરાજ ઓડ, પ્રવીણ ઓડ, તેમનાં સંતાનો અને ટોળા વિરુદ્ધ મારામારી તેમજ તોડફોડની ફરિયાદ કરી છે.

નીરજકુમારના ભાઇ વિશાલનું હાંસોલ ખાતે આવેલા ઓડવાસની બહાર દીપ અમૂલ પાર્લર આવેલું છે, જ્યાં ગઇ કાલે વાહન પાર્ક કરવા મામલે માથાકૂટ થઇ હતી. ઓડવાસમાં રહેતા ૧૦૦થી વધુ લોકો બહાર આવી ગયા હતા અને વિશાલ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. ઘટનાની જાણ નીરજકુમારને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા,

જ્યાં ટોળાએ તેમના પર હુમલો કરી દીધો હતો. ઓડવાસમાં રહેતા પ્રવીણ ઓડ, હેમરાજ ઓડ તથા તેમનાં સંતાનોએ બંને ભાઇ પર પાઇપ અને ડંડા વડે હુમલો કર્યો હતો, જ્યારે દીપ અમૂલ પાર્લર પણ તોડી નાખ્યું હતું. આ સિવાય નીરજકુમારની કારના કાચ પણ તોડી નાખ્યા હતા.

આ દરમિયાન વિશાલની પત્ની તેમજના સંબંધીઓ આવી જતાં ઉશ્કેરાયેલા ટોળાએ તેમના ઉપર પણ પથ્થરમારો કરી દીધો હતો. નીરજકુમાર, વિશાલ, દીપિકા સહિતના લોકોને પથ્થર વાગતાં તેમને ઇજા પહોંચી હતી.

બીજી તરફ ભરત ઓડે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વિશાલ, નીરજકુમાર, મલય અને મયંક બ્રહ્મભટ્ટ વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. ગઇ કાલે ભરત ઓડ અને તેમનો ભત્રીજાે ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમની પાછળ કૂતરું પડ્યું હતું. ઓડવાસ પાસે પહોંચતાં કેટલાંક વાહનો બહાર ઊભાં હતાં, જેથી ભરત ઓડે બૂમ પાડી હતી.

દરમિયાનમાં વિશાલ એકદમ પાર્લરમાંથી દોડી આવ્યો હતો અને ભરત ઓડના માથામાં ઇંટ મારી દીધી હતી. તે સમયે નીરજકુમાર પણ પાઇપ લઇને દોડી આવ્યા હતા અને તેમણે પણ હુમલો શરૂ કરી દીધો હતો. ભરત ઓડને બચાવવા માટે વચ્ચે પડેલા કેટલાક તેમના સમાજના લોકો ઉપર પણ હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.

નીરજકુમાર અને વિશાલ સહિત મયંક અને મલયે પણ હ?થિયાર વડે ઓડ સમાજના કેટલાક યુવકો પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઓડ સમાજના ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એરપોર્ટ પોલીસે ક્રોસ ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે,. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મોડી રાતે થયેલી ધિંગાણા બાદ એરપોર્ટ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.