ગુજરાતમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
(માહિતી)વડોદરા, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વડોદરા શહેર જિલ્લાના ૨૨૭ કેન્દ્રો પર યોજાયેલ પંચાયત સંવર્ગ તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરાની રાહબરી હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને કોઈપણ અગવડતા ન પડે તે માટે શહેર જિલ્લામાં અસરકારક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
કલેક્ટર શ્રી ગોરે જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લામાં તલાટીની પરીક્ષામાં ૭૫,૨૧૦ ઉમેદવારો નોંધાયા હતા.જે પૈકી ૫૧,૮૯૩ ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી.જ્યારે ૨૩,૩૧૭ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ઉમેદવારો કોઈપણ જાતની ગેરરીતિ વિના અને ર્નિભયપણે પરીક્ષા આપી શકે
તે માટે પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્ર દ્વારા સુચારુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.એટલું જ નહિ ઉમેદવારોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૪ મે થી હેલ્પલાઇન શરૂ કરવા આવી હતી.
હેલ્પ લાઇન ઉપર કુલ ૨૫૮ જેટલા કોલ્સ મળ્યા હતા.ઉમેદવારો દ્વારા મોટા ભાગના કોલ પરીક્ષા કેન્દ્ર અને અંતરની જાણકારી અંગેના મળ્યા હતા.જેનું હેલ્પ લાઇન ટીમ દ્વારા ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના ૧૭૯ અને જિલ્લામાં ૪૮ સહિત કુલ ૨૨૭ કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
પરીક્ષાના સુચારુ સંચાલન માટે શાળા દીઠ એક કેન્દ્ર સંચાલક, વર્ગ ખંડ દીઠ એક ઇન્વિઝીલેટર અને સુપરવાઇઝર ઉપરાંત એક બોર્ડ પ્રતિનિધિ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુપરવાઇઝર તથા આસીસ્ટન્ટ રૂટ સુપરવાઇઝરની પણ નિયુક્તિ કરવામાં આવી હતી.તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા.
સમગ્ર પરીક્ષા પ્રક્રીયાનું સીસીટીવી દ્વારા નિરીક્ષણ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રશાસન દ્વારા વાઘોડિયા તરફ જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ બસો મૂકવામાં આવી હતી.પારુલ અને સિગ્મા યુનિ. એ તંત્રને સહકાર આપી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા પોતાની બસો આપી હતી.પોલીસ તંત્રએ પણ ઉમેદવારો માટે માનવીય અભિગમ રાખીને વ્યવસ્થા કરી હોવાનું શ્રી ગોરે ઉમેર્યું હતું.
આ ઉપરાંત ટ્રાફિક પોઇન્ટ ઉપર કોઇ ઉમેદવાર અટવાઇ જાય તો તેને મદદ કરવાની શહેર પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. એસ. ટી દ્વારા પણ પરીક્ષાર્થીઓની સરળતા અને સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.