ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા આર્મી જવાનનું મોત થયું
વડોદરામાં બરોડા ડેરી નજીક સ્પંદન સર્કલ પાસેની ઘટના
પોલીસે આરોપી ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે: બીજા જવાનને ઈજા પહોંચી
વડોદરા,વડોદરામાં ડમ્પરે અડફેટે લેતા એક આર્મી જવાનનું મોત થયું છે. વડોદરામાં બરોડા ડેરી નજીક સ્પંદન સર્કલ પાસેથી એક્ટિવા પર બે આર્મી જવાન પસાર થઈ રહ્યાં હતા. ત્યારે એક ડમ્પરે એક્ટિવાને અડફેડે લેતા એક આર્મી જવાનનું ઘટનાસ્થળે મોત થયું છે. Army jawan killed when dumper driver hits Activa
જ્યારે બીજા જવાનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર બંને આર્મી જવાન જમવા જઈ રહ્યાં હતા, આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરામાં ફરજ બજાવતા અમીતકુમાર સિંઘ તેમના સાથી સાથે સ્પંદન સર્કલ પાસેથી એક્ટિવા પર પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન એક ડમ્પરે બંનેને અડફેટે લીધા હતા.
ડમ્પરની ઠોકર વાગતા અમીતકુમાર નીચે પટકાયા હતા. અમીતકુમારના માથા પર ડમ્પરનું વ્હીલ ફરી વળતા તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.આર્મી જવાન અમીતકુમાર સિંઘ આર્મી હેડ ક્વાર્ટર ખાતે રહેતા હતા. તેઓ એનસીસીમાં ફરજ બજાવતા હતા. બપોરના સમયે તે પોતાના સાથે સાથે ભોજન માટે જઈ રહ્યાં હતા.
ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે તેમનું હેલ્મેટ પણ નીકળી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં અન્ય જવાનો પણ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સ્પંદન સર્કલ પાસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક શાંતિલાલ પટેલની પોલીસે અટકાયત કરી છે.
તેનું ડમ્પર પણ જપ્ત કરવામાં આવ્યું છે. પરંતુ આ અકસ્માતના પગલે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠી રહ્યાં છે. આ રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ છે. ત્યારે આ ડમ્પર ચાલક પ્રતિબંધિત રોડ પર કઈ રીતે પહોંચી ગયો હતો. ટ્રાફિક પોલીસ પણ સતત પેટ્રોલિંગમાં રહેતી હોય છે. હવે અકસ્માત બાદ પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી છે.