મ્યુનિ. આસિ. કમિશ્નરના ઈન્ટરવ્યુમાં ગોઠવણ ‘લેખિતમાં ઓછા ગુણ મેળવનાર પાસ જાહેર થયા
સ્ટાફ સિલેકશન કમિટિમાં પણ રૂ.રપ લાખની લેતી-દેતી અંગે ચર્ચા થઈઃ દિનેશ શર્મા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રપ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર કક્ષાના ઉમેદવારોની ભરતી થઈ છે. જેમાં ૧પ ઉમેદવારોની અંદરથી તથા ૧૦ ઉમેદવારોની બહારથી પસંદગી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવારોમાં વ્હાલા-દવલાની નીતિરીતિ અપનાવવામાં આવી છે. તથા ઉમેદવારદીઠ રૂ.રપ લાખની લેતી-દેતી થઈ હોવાની પણ ચર્ચા સ્ટાફ સિલેકશન કમિટીમાં થઈ હોવાના તથા મૌખિક ઈન્ટરવ્યુમાં અગાઉથી જ ગોઠવણી કરવામાં આવી હોવાના સીધા આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માનો સંપર્ક કરતા તેમણે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે ભરતી પ્રક્રિયા થાય તે સમયે વેઈટીંગ લીસ્ટ બનાવવામાં આવે છે. તેથી પસંદ થયેલા ઉમેદવારો હાજર ન થાય તો તેના સ્થાને પ્રતિક્ષાયાદીમાંથી ઉમેદવારોની તાત્કાલિક નિમણુંક થઈ શકે.
તેમજ ભરતી પ્રક્રિયામાં નાણાં અને સમયનો વ્યય ન થાય. પરંતુ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની ભરતીમાં પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવી નહોતી. મૂળ કારણ બે ઉમેદવાર અંદર અને બહાર એમ બંન્ને પ્રક્રિયામાં પાસ થયા હતા. તથા બંન્નેમાંથી તેમની પસંદગી થઈ હતી. તેથી તેઓ કઈ તરફથી રાજીનામું આવે છે તેના પર નવી નિમણુંકનો આધાર રહેતો હતો.
સ્ટાફ સિલેકશન કમિટિની બેઠકમાં જ્યારે પ્રતિક્ષા યાદી તૈયાર ન કરવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કમિશ્નરે રૂ.રપ લાખનો ઉલ્લેખ કર્યો હતો. અને પ્રક્રિયાથી પસંદ થયેલા ઉમેદવારને રાજીનામું આપવા માટે રૂ.રપ લાખવાળા દોડશે એમ કમિશ્નરે જણાવ્યુ હતુ. પરંતુ આ રૂ.રપ લાખનો વહીવટ કરનાર કોણ છે?
તેની સ્પષ્ટતા કમિશ્નર દ્વારા કરવામાં આવી નહોતી. મ્યુનિસિપલ કમિશ્નર રૂ.રપ લાખનો વહીવટ થયો હોવાના ઉચ્ચારણ કરતા હોય તો આ ગેરરીતિ કે કૌભાંડ કરનારને પણ તેઓ જાણતા જ હશે.
ચોંકાવનારી બાબત એ છે કે જે બે ઉમેદવારોએ રાજીનામુંઅ ાપ્યા છે તેમાં એક ઉમેદવારે કોર્પોરેશનની ભરતીમાંથી અને બીજા ઉમેદવારે બહારની ભરતીમાંથી રાજીનામું આપ્યુ છે. આ બંન્ને ઉમેદવારોને રાજીનામા કેવી રીતે આપવા તેના માટે શામ,દામનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી પ્રક્રિયામાંથી મૌખિક ઈન્ટરવ્યુની બાદબાકી કરવામાં આવે તે જરૂરી છે.
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરના ઈન્ટરવ્યુમાં પણ ગોઠવણ કરવામાં આવી હોય તેમ સ્પષ્ટ જણાય છે. લખિત પરીક્ષામાં બે ઉમેદવારોને ૮૦ ગુણમાંથી અનુક્રમે ર૯ અને ર૯.પ માર્કસ આવ્યા હતા.
જ્યારે મૌખિકમાં તેમને ર૦ માંથી ૧૬-૧૬ માર્કસ આપવામાં આવ્યા હતા. જેની સામે અન્ય એક ઉમેદવારને ૮૦માંથી ૩૬ ગુણ આવ્યા હતા. જ્યારે ઈન્ટરવ્યુમાં ર૦ માંથી માત્ર ૦૭ માર્કસ જ આવ્યા હતા. તેથી કુલ ટોટલમાં ર૯ માર્કસવાળાનો નંબર આગળ આવી ગયો અને તે બંન્ને ઉમેદવારની ભરતી પણ થઈ જ્યારે ૩૬ માર્કસ મેળવનારની પસંદગી ન થઈ શકી.
મૌખિક ઈન્ટરવ્યુમાં એક ઉમેદવારને ત્રણથી ચાર મીનિટ ફાળવવામાં આવી હતી. જેમાં વહીવટી જ્ઞાન તથા નાગરીકોની પ્રાથમિક જરૂરીયાત વિશે પ્રશ્ન પૂછવાના બદલે ક્યાંથી આવ્યા છો તથા ક્યાં રહો છો? જેવા બિનજરૂરી સવાલો કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશ્નર વારંવાર આઈઆઈએમના અધિકારીને પણ ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હોવાની દુહાઈ આપી રહ્યા છે.
પરંતુ વાસ્તવિક્તા તો એ છે કે ર૦૦૯ની સાલથી કોર્પોરેશનમાં ઈન્ટરવ્યુ મો આઈઆઈએમના પ્રોફેસર આવે છે. તેથી મ્યુનિસિપલ કમિશ્નરે કોઈ નવો ચીલો પાડ્યો નથી. ભરતી પ્રક્રિયામાં રૂ.રપ થી પ૦ લાખની લેતી-દેતી થતી હોવાની કમિટિમાં કબુલાત કરીને નવો ચીલો પાડ્યો છે એવા કટાક્ષ પણ તેમણે કર્યા હતા.