ચેન્નઈએ દિલ્હી કેપિટલ્સ સામે 27 રને વિજય નોંધાવ્યો
નવી દિલ્હી, ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે બુધવારે હોમગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓલ-રાઉન્ડ પ્રદર્શન કરીને દિલ્હી કેપિટલ્સ સામે ૨૭ રને વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩માં રમાયેલા મુકાબલામાં બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. IPL 2023 CSK vs DC
ચેન્નઈના બોલર્સે લાજવાબ પ્રદર્શન કર્યું હતું અને ૧૬૮ રનના લક્ષ્યાંકનો બચાવ કર્યો હતો. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૭ રન નોંધાવ્યા હતા જેમાં શિવમ દૂબેએ સૌથી વધુ ૨૫ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૦ રન નોંધાવી શકી હતી. હાલમાં પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સ ૧૫ પોઈન્ટ સાથે ગુજરાત ટાઈટન્સ બાદ બીજા ક્રમે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ સૌથી છેલ્લા ૧૦માં ક્રમે છે.
દિલ્હી કેપિટલ્સ સામે ૧૬૮ રનનો લક્ષ્યાંક હતો પરંતુ ટીમની બેટિંગ ઘણી જ નિરાશાજનક રહી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. જ્યારે મિચેલ માર્શ પાંચ રન નોંધાવીને રન આઉટ થયો હતો. ત્યારબાદ ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૦ રન નોંધાવી શકી હતી. ટીમ માટે સૌથી વધુ રન રિલી રોસોએ નોંધાવ્યા હતા. તેણે ૩૭ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૩૫ રન નોંધાવ્યા હતા.
જ્યારે મનીષ પાંડેએ ૨૯ બોલમાં એક ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૨૭ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે અક્ષર પટેલે ૧૨ બોલમાં ૨૧ રન ફટકાર્યા હતા. ઓપનર ફિલિપ સોલ્ટે ૧૭, લલિત યાદવે ૧૨ અને રિપલ પટેલે ૧૦ રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે મથીશા પથિરાનાએ ચાર ઓવરમાં ૩૭ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. દીપક ચહરે બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. હોમગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો.
જાેકે ટીમની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ટીમે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમ માટે કોઈ એક બેટરે મોટી ઈનિંગ્સ રમી ન હતી પરંતુ તમામ બેટરે સાથે મળીને ટીમના સ્કોરને પડકારજનક બનાવ્યો હતો. ચેન્નઈ માટે શિવમ દૂબેએ સૌથી વધુ ૨૫ રન નોંધાવ્યા હતા. તેણે ૧૨ બોલમાં ત્રણ સિક્સર ફટકારી હતી.
જ્યારે ઓપનર ઋતુરાજ ગાયકવાડે ૨૪ રન નોંધાવ્યા હતા. અજિંક્ય રહાણેએ ૨૦, અંબાતી રાયડૂએ ૨૩, રવિન્દ્ર જાડેજાએ ૨૧ અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નવ બોલમાં એક ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સ માટે મિચેલ માર્શે સૌથી વધારે ત્રણ વિકેટ ઝડપી હતી.
તેણે ત્રણ ઓવરમાં ૧૮ રન આપીને ત્રણ સફળતા મેળવી હતી. જ્યારે અક્ષર પટેલને બે સફળતા મળી હતી. ખલીલ અહેમદ, લલિત યાદવ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.SS1MS