Western Times News

Gujarati News

અમરેલીમાં મુસ્લિમ પરિવારે કરાવ્યું રામ મંદિરનું પુનઃ નિર્માણ

અમરેલી, હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કોમી રમખાણોના સમાચાર જેટલું દુઃખ પહોંચાડે છે તેટલી જ રાહત જ્યારે તેમણે એકમેકની મદદ કરી હોય તેવા કિસ્સા વાંચીએ ત્યારે મળે છે. હાલમાં જ આવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં રામ મંદિર બંધાવવા માટે મુસ્લિમોએ મદદ કરી છે.

અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં ૨૦૨૧માં તાઉકતે વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. તેમાં ભગવાન શ્રીરામના મંદિરને પણ નુકસાન થયું હતું. કોમી એકતાની સુવાસ ફેલાવતાં એક મુસ્લિમ પરિવારે આ મંદિર ફરી બંધાવી આપ્યું છે. વર્ષો પહેલા ઝર ગામમાં એક મુસ્લિમ દ્વારા જ આ મંદિર બંધાવવા માટે જમીન દાન કરવામાં આવી હતી. હવે મંદિરનું પુનઃનિર્માણ થયું છે ત્યારે તેના ઉદ્ધઘાટનમાં રામ કથાકાર મોરારિ બાપુ સહિતના ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા.

બુધવારે મંદિરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ગામની કોમી એકતાને જાળવી રાખતાં દાઉદભાઈ લાલિયાના પરિવારે મંદિર ફરી બંધાવવાની જવાબદારી ઉપાડવાની સાથે તેનું પરિસર પણ વિસ્તાર્યું, જેથી વધુમાં વધુ ભક્તો દર્શનાર્થે આવી શકે. દાઉદભાઈના પરિવારે લાખો રૂપિયા ખર્ચીને મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું અને તેમના ભત્રીજાઓએ મંદિરની જગ્યા મોટી કરવા માટે જમીન આપી હતી.

સત્તાધારમાં આવેલા સત્તાધાર મંદિરના મુખ્ય પૂજારી વિજયદાસ બાપુના હસ્તે મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જે બાદ લાલિયા પરિવારે આખા ગામ માટે જમણવાર રાખ્યો હતો. ૧૦૦ મુસ્લિમો સહિત ગામમાં ૧૨૦૦ લોકોની વસ્તી છે. લગભગ ૧૦ ધાર્મિક આગેવાનોની હાજરીમાં સંત સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સંત સભા લાલિયા પરિવારના ઘરે યોજવામાં આવી હતી. “અમે ક્યારેય એકબીજા વચ્ચે હિન્દુ-મુસ્લિમનો ભેદ રાખ્યો નથી.

અમારા ગામમાં બંને કોમના લોકો વચ્ચે ભાઈચારો હંમેશાથી રહ્યો છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે દુનિયામાંથી ધર્મના નામે થતી લડાઈઓ બંધ થઈ જાય”, તેમ દાઉદભાઈએ જણાવ્યું. દાઉદભાઈ લાલિયા ગામના સમૃદ્ધ ખેડૂત છે અને તેમનો પરિવાર પેઢીઓથી ઝર ગામમાં રહે છે.

દાઉદભાઈનું કહેવું છે કે, રામ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વખતે મોરારિ બાપુ હાજર રહે તેવું સપનું તેમણે સેવ્યું હતું. પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન હાજર રહેલા કથાકાર મોરારિ બાપુએ કહ્યું, “કોમી એકતા તો આપણા દેશની સંસ્કૃતિના મૂળમાં રહેલી છે. થોડા સમય માટે આ ભાવના કલંકિત થઈ હતી પરંતુ દાઉદભાઈ જેવા લોકો પોતાના સદ્‌કાર્યોથી તે ધબ્બાને મીટાવી રહ્યા છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.