જેનિફર મારી છબી ખરડવાનો પ્રયાસ કરી રહી છે:અસિત મોદી
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીના ખરાબ દિવસો ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શો સાથે જાેડાયેલી એક્ટ્રેસે તેમના પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જેનિફર મિસ્ત્રી બંસીવાલ, જે TMKOCમાં છેલ્લા ૧૫ વર્ષથી મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવી રહી છે, તેણે પ્રોડ્યૂસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર સાથે કાર્યસ્થળ પર શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
શો સાથે સંકળાયેલા સૂત્રોએ આપેલીએ એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે, જેનિફરે બે મહિના પહેલા જ શૂટિંગ કરવાનું બંધ કરી લીધું છે. ત્યારે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ પોતાના પરના આ આરોપો ફગાવ્યા છે. વાતચીતમાં અસિત કુમાર મોદીએ જણાવ્યું કે, આ ફેક અને પાયાવિહોણા આરોપ છે કે જેમાં કોઈ સત્ય નથી. તે મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મારી સાચી પ્રતિક્રિયા છે અને હું કોઈ પ્રકારની દલીલ કરી રહ્યો નથી.
દરેક લોકો જાણે છે કે હું રિયલ લાઈફમાં કેવો છું. મારી પાસે તમામ પુરાવા છે અને મારું પ્રોડક્શન હાઉસ તમામ ડોક્યુમેન્ટ્સ તથા પુરાવા જલદી જ મોકલી આપશે. નીલા ટેલિફિલ્મ્સ પ્રોડક્શન હાઉસે આ સંબંધિત એક નિવેદન પણ નોંધાવ્યું છે. જેમાં જણાવાયું છે કે તે કામ પર ધ્યાન કેન્દ્રિત નહોતી કરતી. તે સેટ પર શિસ્ત પણ નહોતી જાળવતી. તેના વર્તન સંબંધિત હંમેશાં ફરિયાદ રહેતી હતી. પોતાના છેલ્લા દિવસે તે શૂટ પૂરું કર્યા વિના સેટ પરથી જતી રહી હતી.
ત્યારે તેણે યુનિટ સામે ખરાબ વર્તન કર્યું હતું. આ નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, તે હંમેશાં શૉની ટીમ સાથે ખરાબ વર્તન કરતી હતી. તે જ્યારે શૂટમાંથી નીકળતી ત્યારે ઝડપી ગતિએ કાર ચલાવીને જતી હતી અને રસ્તે જતાં લોકોનું પણ ધ્યાન રાખતી નહોતી. તેણે સેટ પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. શૂટ દરમિયાન તેનું ખરાબ વર્તન તેમજ ગેરશિસ્તના કારણે અમારે તેનો કોન્ટ્રાક્ટ રદ કરવો પડ્યો હતો.
જેનિફર, જેણે શારીરિક શોષણનો કેસ ફાઈલ કર્યો છે, તેણે દાવો કર્યો હતો કે ‘અસિત મોદીએ ભૂતકાળમાં મારો લાભ ઉઠાવવાનો ઘણીવાર પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં મેં તેમના દરેક નિવેદનને અવગણ્યા હતા કારણ કે મને નોકરી ગુમાવવાનો ડર હતો.
પરંતુ હવે આ બધું નહીં ચલાવી લેવામાં આવે. તેમણે મને બળજબરીથી સેટ પર રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ગેટ પણ બંધ કરી દીધો હતો, જેથી હું બહાર ન જઈ શકું. મેં મહિના પહેલા સત્તાધીશોને મેઈલ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. મને ખાતરી છે કે આ અંગે તપાસ થશે. મેં વકીલ હાયર કર્યા છે અને હું જાણું છું કે મને ખૂબ જલ્દી ન્યાય મળશે’.SS1MS