સમગ્ર દેશમાં ફેલાયેલું સાયબર ક્રિમિનલનું નેટવર્ક: 28 હજાર લોકો ભોગ બન્યા
૩પ રાજયના ર૮ હજાર લોકો સાથે ૧૦૦ કરોડની ઠગાઈ: દેશભરમાં ૧,૩૪૬ એફઆઈઆર
(એજન્સી) નવી દિલ્હી, હરિયાણા પોલીસે નૃંહના ગામડામાં ફેલાયેલા સાયબર ક્રિમિનલના એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હરિયાણામાં એક નવું ‘જામતારા’ ઉભું થયું છે કે અસલી જામતારા ઝારખંડમાં આવેલું છે
અને સાયબર ઠગનો ગઢ ગણાય છે. હરિયાણાના જામતારા બનેલા નુંંહના ગામમાં સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને ઝડપી લેવામાં આવેલા સાયબર ક્રિમિનલની પૂછપરછના આધારે ચોંકાવનારા ખુલાસા થયા છે.
હરિયાણા પોલીસે સાયબર ક્રિમિનલના નેટવર્ક દ્વારા રૂા.૧૦૦ કરોડની ઠગાઈ થઈ હોવાનો પર્દાફાશ કર્યો છે. આ સાયબર ક્રિમિનલ નકલી સિમ કાર્ડ, આધાર કાર્ડ વગેરે દ્વારા દેશભરમાં ઠગાઈને અંજામ આપતા હતા એટલું જ નહી, આ અપરાધીઓએ બોગસ બેન્ક એકાઉન્ટ પણ ખોલી રાખ્યા હતા, જેમાં તેઓ ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરતા હતા કે જેથી પોલીસ તેમના સુધી પહોંચી શકે નહી.
આ અપરાધીઓએ દિલ્હીથી લઈને આદામાન- નિકોબાર સુધી લોકોને નિશાન બનાવ્યા હતા. આ સાયબર ક્રિમિનલનું મહાનેટવર્ક સમગ્ર દેશમાં પથરાયેલું હતું અને પોલીસે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને સાયબર ક્રાઈમના લગભગ ર૮,૦૦૦ કેસ પકડી પાડયા છે. દેશભરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રિમિનલ સામે ૧,૩૪૬ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
નૂંહના પોલીસ અધિક્ષક વરુણ સિંગલાએ જણાવ્યું હતું કે, ર૭-ર૮ એપ્રિલની રાતે પ,૦૦૦ પોલીસકર્મીઓની બનેલી ૧૦ર ટીમોએ નૂંહ જિલ્લાના ૧૪ ગામમાં સપાટો બોલાવીને એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરીને ૧રપ શકમંદ હેકર્સને ઝડપી લીધા હતા તેમાંથી ૬૬ આરોપીની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ તમામને કોર્ટમાં રજૂ કરીને ૧૧ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સાયબર ક્રિમિનલની સખ્તાઈથી સઘન પુછપરછ કરવામાં આવી હતી.
સાયબર અપરાધીઓએ જણાવ્યું છે કે તેઓ નકલી સિમ અને આધારકાર્ડ મારફતે નવી નવી ટેકિનકથી લોકો સાથે છેતરપિંડી કરતા હતા પોલીસ દરોડા દરમિયાન જપ્ત કરાયેલા મોબાઈલ સિમ કાર્ડની પણ તપાસ કરી રહી છે.
આ સાયબર ક્રિમિનલ ને રિમાન્ડ પર લીધા બાદ હરિયાણાના ડીજીપી પ્રશાંતકુમારે આ ઠગ ટોળકીને પુછપરછ માટે સમગ્ર રાજયમાંથી ૪૦ સાયબર એકસપર્ટની એક ટીમ તૈયાર કરી હતી. આ એકસપર્ટની મદદથી ઝડપાયેલા સાયબર ઠગની પુછપરછ કરવામાં આવી હતી.