બોટાદના મજૂરનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત
અમદાવાદ, બોટાદ પોલીસ સ્ટેશનમાં કથિત કસ્ટડી ટોર્ચરના એક મહિના પછી ૨૫ વર્ષીય મજૂર કાળુ પાધારસીએ રવિવારે સવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. મૃતકના પરિવારજનોએ રવિવારે હોસ્પિટલમાં તેના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, અને માગણી કરી હતી કે પોલીસે ૧૪ એપ્રિલના રોજ કથિત ત્રાસ માટે બોટાદ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધવી જાેઈએ, જેના કારણે કાળુનું મૃત્યુ થયું છે.
આ સમગ્ર મામલે એડવોકેટ દિવ્યેશ નિમાવતે ૧૧ મેના રોજ ગુજરાત હાઈકોર્ટમાંથી પોલીસને આ સંબંધમાં એફઆઈઆર નોંધવા માટેના નિર્દેશો માંગતી અરજી કરી હતી. તેમણે જણાવ્યું કે, માથામાં ગંભીર ઈજાના કારણે કાળુનું મૃત્યુ થયું છે.
કાળુના પિતા ઉસ્માનભાઈ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી મુજબ, ત્રણ પોલીસકર્મીઓ – અમીરાજ બોરીચા, નિકુલ સિંધવ અને રાહી સિદાતારા – ૧૪ એપ્રિલના રોજ બપોરના ૧.૩૦ વાગે કાળુ પાસે પહોંચ્યા હતા જ્યારે તે બોટાદ સ્થિત તેના ઘરની બહાર બેઠો હતો. પોલીસે કાળુને કેટલાક વ્યક્તિઓ વિશે પૂછપરછ કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે તે તેમને ઓળખતો નથી.
ત્યારબાદ પોલીસે કાળુને પૂછ્યું કે તે કોની મોટરસાઇકલ પર બેઠો હતો અને તેણે કહ્યું કે તે તેનું પોતાનું વાહન હતું. ત્યારપછી પોલીસકર્મીઓએ વાહનના કાગળો માગ્યા ત્યારે કાળુએ તેમના ઓળખના પુરાવાની માગણી કરી કારણ કે પોલીસ સાદા કપડામાં હતી. આનાથી પોલીસ ગુસ્સે થઈ ગઈ હતી અને કાળુને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને તેને કથિત રીતે ઢોર માર માર્યો હતો અને તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું. કાળુના પિતા ઉસ્માનભાઈ બોટાદ પોલીસ સ્ટેશનમાં તેમના પુત્રની તપાસ કરવા ગયા હતા જ્યારે તેમને ખબર પડી કે તેમને ત્રણ પોલીસકર્મી ત્યાં લઈ ગયા છે.
ત્યાંના એક પોલીસ અધિકારીએ ઉસ્માનભાઈને જાણ કરી કે તેમનો પુત્ર બોટાદ ટાઉન પોલીસની કસ્ટડીમાં નથી. ત્યારપછી કાળુના પિતા બોટાદ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં ગયો હતા, પરંતુ ત્યાં પણ તેમને કાળુ અંગે કોઈ માહિતી મળી નહીં.
પુત્રની શોધમાં ઉસ્માનભાઈ ૧૪ એપ્રિલના રોજ બપોરે ૩.૩૦ વાગે ફરી બોટાદ પોલીસ સ્ટેશનમાં પાછા આવ્યા હતા જ્યાં એક આરોપી પોલીસકર્મી બોરીચાએ તેમને જાણ કરી હતી કે તેમનો પુત્ર ત્યાં છે અને તે જ દિવસે લગભગ ૩.૪૫ વાગ્યે કાળુને પિતા ઉસ્માનભાઈને સોંપવામાં આવ્યો હતો.
જ્યારે કાળુ પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યો ત્યારે તેને માથાના દુખાવાની ફરિયાદ કરી હતી. ઘરે આવ્યા બાદ બે દિવસ સુધી કાળુ કોઈ કામ કરી શક્યો નહીં અને ૧૭ એપ્રિલે તેની હાલત વધુ ખરાબ થતાં તેણે બે કલાક કામ કર્યા બાદ પરત ઘરે ફરવું પડ્યું હતું.
ત્યારબાદ તેને સારવાર માટે બોટાદની વડોદરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે મેડિકો-કાનૂની કેસ દાખલ કરવાનું સૂચન કર્યું હતું, ત્યારબાદ તેને ૧૭ એપ્રિલે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
૧૮ એપ્રિલના રોજ પોલીસકર્મી અમીરાજ બોરીચા કાળુનું નિવેદન નોંધવા ભાવનગર સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો, પરંતુ તેને જાેઈને કાળુએ તેમને પૂછ્યું કે, તેનો શું વાંક છે અને તેને આટલી ખરાબ રીતે કેમ મારવામાં આવ્યો? આ સવાલોનો જવાબ બોરિયા આપી શક્યો નહીં અને ત્યાંથી નીકળી ગયો. જાે કે, બોટાદ પોલીસના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ કાળુની મુલાકાત લીધી હતી.
કાળુની તબિયત વધારે ખરાબ થતાં વધુ સારવાર માટે ૨૦ એપ્રિલના રોજ તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેના પર બે સર્જરી કરવામાં આવી હતી. તે ૨૦ એપ્રિલથી ૩ મે દરમિયાન કોમામાં રહ્યો હતો અને બાદમાં તેને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો, તેવું અરજદારે જણાવ્યું હતું. ૨૦ એપ્રિલના રોજ ઉસ્માનભાઈએ બોટાદ પોલીસ સમક્ષ ત્રણેય પોલીસ સામે આઈપીસીની કલમ ૩૦૭ હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા ફરિયાદ કરી હતી.
બાદમાં તેમણે HCમાં અરજી દાખલ કરી હતી, જેમાં માત્ર FIR માટે જ નહીં પરંતુ તેમના પુત્રના કસ્ટડીમાં ટોર્ચર કરવાના પુરાવાને સુરક્ષિત રાખવા માટે પણ નિર્દેશ માંગવામાં આવ્યો હતો. જેથી ૧૨ મેના રોજ હાઈકોર્ટે બોટાદના એસપીને તે દિવસના બોટાદ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે નિર્દેશ આપ્યો હતો જ્યારે કાળુને કથિત રીતે લઈ જવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો, તેમજ તેને જ્યાં દાખલ કરવામાં આવ્યો હતો તે હોસ્પિટલોના ફૂટેજ પણ મેળવવા આદેશ કર્યો હતો. આ કેસની આગામી સુનાવણી ૬ જૂને થવાની છે.SS1MS