૭૪ તળાવો-ચેકડેમ સાબરમતી જળાશય ધરોઈ બંધના પાણીથી ભરવામાં આવશે
ઉત્તર ગુજરાતમાં બે તાલુકાઓના ૫૮૦૮ હેક્ટર જમીનમાં ખેતી કરતા અંદાજે ૨૭૦૦ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે
૩૧૭ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ૧૧૮ કિલોમીટર લંબાઇની પાઇપલાઇન તળાવો -ચેકડેમ ભરવા માટે નાખવામા આવશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બે તાલુકા સતલાસણા અને ખેરાલુના ૫૩ ગામોનાં તળાવો અને ચેકડેમ મળીને કુલ ૭૪ તળાવો , ચેક ડેમ સાબરમતી જળાશય (ધરોઈ) યોજનાના પાણીથી ભરવાનો ખેડૂત હિતકારી નિર્ણય કર્યો છે.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ખાતે સાબરમતી નદી પર બાંધવામાં આવેલા ધરોઈ બંધના કમાન્ડ એરિયાની ભૌગોલિક સ્થિતિ મુજબ આ બે તાલુકાના ૩૭ ગામનો સમાવેશ કમાંડ એરિયા માં થઈ શક્યો નથી.
આ તાલુકાઓના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત રોજગારી મેળવે છે. આ વિસ્તાર માં વરસાદની અનિયમિતતાના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા ઊતરી ગયા છે. એટલું જ નહિ , સિંચાઇ અને પશુપાલન માટે તેમને પૂરતું પાણી મળી શકતું નથી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારોના ખેડૂતો અને આગેવાનોએ કરેલી રજૂઆતોનો તેમણે સકારાત્મક અને સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ધરોઈ બંધના પાણીના આ બે તાલુકાના ગામોમાં ઉપયોગ માટે નવીન પાઈપલાઈન નાખીને ખેરાલુ તથા સતલાસણા તાલુકાના તળાવો ભરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તદઅનુસાર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના આશરે ૫૩ ગામોના તળાવો અને ૮ ચેકડેમને સીધા જોડાણથી તથા ૮ તળાવો અને ૫ ચેકડેમને પરોક્ષ રીતે એમ કુલ ૭૪ તળાવો-ચેકડેમ દ્વારા ૫૮૦૮ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપી શકાશે.
આ હેતુસર વિસ્તરણ પાઈપલાઈન સાથે કુલ ૧૧૮.૧૪ કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવામાં આવશે તથા બે તાલુકાના ૨૭૦૦ થી વધુ ખેડૂતોને સિંચાઈ સુવિધા આપવાના આયોજન માટે રાજ્ય સરકાર ૩૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ તળાવો ધરોઈ બંધના પાણીથી તબક્કાવાર ભરવા માટે કુલ ૪૦૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો આ જળાશયમાંથી લેવામાં આવશે.