વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યોઃ 1 લાખ ઘરોમાં તપાસ
વલસાડ જિલ્લામાં ૧૦૦૬૮૫ ઘરોમાં મચ્છરોની તપાસ કરતા ૮૬૯૧ ઘરોમાંથી ડેન્ગ્યુના મચ્છરો મળ્યા
(તસ્વીરઃ અશોક જાેષી) (પ્રતિનિધિ) વલસાડ, દર વર્ષે ૧૬ મે ના રોજ ‘‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’’ની ઉજવણી મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૩માં આ રોગની નાબૂદી માટે ‘‘Harness partnership to defeat Dengue’’ થીમ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. Dengue fear reduced in Valsad district: 1 lakh households checked
ડેન્ગ્યુનો તાવ પીડાદાયક છે. જાે યોગ્ય સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જાેખમ પણ વધી શકે છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ૫ વર્ષમાં ૫૬૧ દર્દી ડેન્ગ્યુની બિમારીનો ભોગ બન્યા હતા. જાે કે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુની નાબૂદી માટે અસરકારક કામગીરી કરાતા ચાલુ વર્ષ ૨૦૨૩માં મે મહિના સુધીમાં ડેન્ગ્યુનો એક પણ કેસ જાેવા મળ્યો નથી જે જિલ્લા આરોગ્ય તંત્રની સફળ કામગીરીની સિધ્ધિ દર્શાવે છે.
ડેન્ગ્યુનો તાવ એ એક પીડાદાયક અને મચ્છરજન્ય રોગ છે. મચ્છરની વિશેષ પ્રજાતિ એડીસ પ્રજાતિઓને કારણે ફેલાય છે. આ મચ્છરો મેલેરિયાના વાઇરસનું વહન કરે છે જે મનુષ્યમાં મચ્છરજન્ય બીમારીનું કારણ બને છે. પાછલા ૫ વર્ષમાં મચ્છરજન્ય રોગથી થતા તાવમાં ડેન્ગ્યુનું પ્રમાણ ઘટી રહ્યું છે.
જાે કે આ રોગ પ્રત્યે લોકોમાં જનજાગૃતિ હોવી ખૂબ જ જરૂરી છે. ઘણી વાર લોકોને ખબર પણ નથી પડતી કે આ તાવ ચેપજન્ય અને ગંભીર છે. ડેન્ગ્યુના લક્ષણોમાં સતત તાવ, સાંધા તથા માંસ-પેશીઓમાં દુખાવો, ચામડી ઉપર ચકામા, થાક લાગવો અને ગભરામણ થવી તેને લોકો સામાન્ય ગણી કાઢે છે જે લાંબા ગાળે હાનિકારક બની શકે છે.
જેથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી લોકોને સમજ આપી મચ્છર ઉત્પતિના સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.
આ અંગે વલસાડ જિલ્લા મલેરિયા અધિકારી ડો. વિરેન પટેલે જણાવ્યું કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કિરણ પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીતના માર્ગદર્શન હેઠળ જિલ્લાની પી.એચ.સી. અને યુ.પી.એચ.સી.ના સ્ટાફ દ્વારા કાયમી અને હંગામી બ્રીડીંગ સ્થળ જેવા કે, ટાયરવાળા અને ભંગારવાળા, પ્લાસ્ટીકવાળા, માટલાવાળા
અને નર્સરીવાળાને ત્યાં તેમજ કન્સ્ટ્રક્શન સાઈટ, હવાડા, કુવા, હોજ અને તળાવ સહિતના સ્થળે મચ્છર નાશક કામગીરી કરવામાં આવે છે. આ સિવાય ઘર-સ્કૂલોમાં પણ તપાસ કરવામાં આવે છે. મચ્છરોના નાશ માટે જાન્યુ.થી એપ્રિલ ૨૦૨૩ સુધીમાં જિલ્લામાં ૧૦૦૬૮૫ ઘરોમાં મચ્છરોની તપાસ કરતા ૮૬૯૧ ઘરોમાંથી ડેન્ગ્યુના મચ્છરો મળી આવ્યા હતા.
જિલ્લામાં પીપળા, કુંડા, ટાયર અને ફ્રીઝ સહિત ૨૦૫૪૬૯ પાત્રો ચેક કર્યા હતા જેમાંથી ૯૪૨૩માં મચ્છરના પોરા મળતા ૭૨૧૨ પાત્રોમાં ટેમીફોસ પ્રવાહી નાંખવામાં આવ્યુ હતું. આ સિવાય ૨૬૭ જગ્યા પર ફોંગીગ પણ કરવામાં આવ્યું હતું. ડેન્ગ્યુના તાવના નિવારણનો પ્રાથમિક ઉપાય મચ્છરોથી બચવુ એ જ મહત્વનું છે.