બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપીંડીથી બચવા આટલી કાળજી રાખવી
બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી, સરકારી સંસ્થા વગેરે પાસેથી જ કરવી
ઉત્પાદકનું નામ, સરનામું અને તેના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં
બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ છે કે કેમ, તે બાબતે પણ ખાસ ચકાસણી કરવી
રાજ્યના ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં પાક વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે. Farmers should be so careful to avoid fraud while buying seeds
રાજ્યના ખેતી નિયામકશ્રીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.
વધુમાં જણાવ્યાનુસાર બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ
ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો.
બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ છે કે કેમ, તે બાબતે પણ ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય
તેવા 4જી અને 5જી જેવા જુદા-જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જે તે જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ પણ ખરીદેલ બિયારણનું પેકેટ કે થેલી અને તેનું બીલ સાચવી રાખવુ જરૂરી છે, તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.