વેપારી અને તેની પત્નિ ગોડાઉન પર ગયા અને તસ્કરોએ 12.70 લાખની મત્તા ચોરી
વેપારીના બંગલામાં ત્રાટકેલા તસ્કરો રૂ.૧૨.૭૦ લાખની મત્તા ચોરી ફરાર -વેપારી પત્ની સાથે પોતાના ગોડાઉન પર રોજ જતા હતા, જેથી કોઈ જાણભેદુએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
અમદાવાદ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં વેપારીના ઘરમાં ઘૂસી તસ્કરો સોનાના દાગીના-રોકડ રકમ મળી કુલ ૧૨.૭૦ લાખની ચોરી કરી નાસી ગયા છે. વેપારી અને તેમનાં પત્ની બંગલાને લોક મારી પોતાનાં ગોડાઉન પર ગયાં હતાં ત્યારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
વસ્ત્રાપુરમાં મિલન પાર્ક બંગલામાં રહેતા અને રખિયાલ ખાતે શ્રી લક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામથી લોખંડની પાઈપનું ટ્રેડિંગ કરતા લલિતકુમારે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
લલિતકુમાર અને તેમના પત્ની બંને ગોડાઉન પર બેસે છે અને તેમનો દીકરો બેંગલુરુ ખાતે રહે છે. લલિતકુમાર અને તેમનાં પત્ની રાબેતા મુજબ ગોડાઉન પર ગયાં હતાં ત્યારબાદ તેઓ સાંજે પરત ઘરે આવ્યા હતા. આ વખતે તેમના ઘરના મેઈન દરવાજાની જાળીનું લોક તૂટેલું હતું.
લલિતકુમારે ઘરમાં પ્રવેશ કરીને જાેયું તો ઘરનો સામાન બધો અસ્તવ્યસ્ત પડ્યો છે. લલિતકુમારના બેડરૂમના કબાટ ચેક કરતાં તેમાં મૂકેલા દાગીના ગાયબ હતા. તસ્કરોએ લલિતકુમારના બંગલોમાં ઘૂસી કબાટનું લોક તોડ્યું હતું અને તેમાં રહેલા સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ ૧૨.૭૦ લાખની ચોરી કરી નાસી ગયા હતા.
લલિતકુમારે તરત જ પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી. ચોરીની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચોરી, તસ્કરી, લૂંટ, ચીલઝડપ અને ચેઈન સ્નેચિંગના બનાવો સતત બની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં વેકેશનમાં મોટાભાગે લોકો હિલસ્ટેશન કે પ્રવાસન સ્થળો પર ફરવા જતા હોય છે. આ તકનો લાભ લઈને તસ્કરો આવા લોકોનાં ઘરમાં હાથફેરો કરી જતા હોય છે. મોટા ભાગે બંધ મકાનો જ તસ્કરોનો સોફ્ટ ટાર્ગેટ હોય છે. આવી ઘરફોડ ગેંગ સામે પોલીસે સતર્ક થઈ પેટ્રોલિંગ વધાર્યું છે.
પરંતુ તસ્કરો આવી ઘટનાઓને અંજામ ન આપી શકે તે માટે લોકોએ સતર્ક રહેવું પડશે. કારણ કે મોટાભાગે ચોરી અને લૂંટની બનતી ઘટનાઓમાં જાણભેદુ જ જવાબદાર હોય છે. તમારા ઘરે કામ કરતા ઘરઘાટી, સોસાયટીમાં આવતા જતા ફેરિયા કે પછી દૂધ આપવા આવતા દૂધવાળાઓ જ સૌથી વધુ વિગત જાણતા હોય છે કે ક્યું ઘર કેટલા દિવસ માટે બંધ રહેવાનું છે.
બીજું કે તસ્કરો પણ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે આવા ફેરિયાન રૂપમાં જે અન્ય કોઈ રીતે સોસાયટીમાં રેકી કરતા હોય છે.