વિદ્યાર્થીઓને આન્સરશીટમાં ૫૦૦ની નોટ ચોંટાડવાનું ભારે પડી ગયું
અમદાવાદ, બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે ઘણીવાર વિદ્યાર્થીઓ કાપલી લઈને પરીક્ષાખંડમાં બેસી જતા હોય છે તો કોઈ અલગ જ પ્રકારથી ગેરરીતિ અને ચોરી કરતા હોય છે. પણ અમદાવાદમાં બનેલા એક કિસ્સામાં તો ધોરણ ૧૦ના બે વિદ્યાર્થીઓ મૂંલ્યાકનકર્તાઓને જ લાંચ આપી દીધી.
ઘટના પર નજર કરીએ તો ધોરણ-૧૦માં ભણતા બે વિદ્યાર્થીઓ તેમની આન્સરશીટમાં રૂ.૫૦૦ની નોટ ચોટાડીને તેમને પાસ કરવા માટે મૂલ્યાંકનકર્તાઓને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર મામલો સામે આવ્યા બાદ બંને વિદ્યાર્થીઓને એક વર્ષ માટે બોર્ડની પરીક્ષા આપવા પર હવે પ્રતિબંધ મૂકવામાં આવશે અને વર્તમાન પરીક્ષામાં તેઓ નાપાસ ગણાશે. આ સમગ્ર મામલે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગુજરાતી માધ્યમમાં ભણતા બંને છોકરાઓ તેમના પર્ફોર્મેન્સને લઈને સ્યોર નહોતા એટલે તેમણે કાગળ પર રૂ. ૫૦૦ની નોટો ચોટાડીને મૂલ્યાંકનકર્તાને વિનંતી કરી હતી “કૃપા કરીને મને પાસ કરો, કારણ કે હું પરીક્ષાની તૈયારી કરી શક્યો નથી.’
બંને મેસેજ ગુજરાતીમાં હતા. ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૪થી ૨૯ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આન્સરશીટના મૂલ્યાંકન દરમિયાન શિક્ષકોએ ગણિત અને અંગ્રેજીની આન્સરશીટમાં ચલણી નોટો સ્ટેપલ કરેલી હતી. પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને બોર્ડે બંને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, અમે આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી નથી કારણ કે આ છેતરપિંડીનો કેસ નથી.
પરીક્ષા સુધારણા સમિતિ પહેલા વિદ્યાર્થીઓની વાત સાંભળશે અને પછી તેમની સજા નક્કી કરશે. તેમણે કહ્યું કે, એવી શક્યતા છે કે તેઓ નાપાસ થશે અને એક વર્ષ માટે પરીક્ષામાંથી બાકાત રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેટલીકવાર પરીક્ષા દરમિયાન આન્સરશીટમાં નોટો ચોટાડતા હોય છે.
પરંતુ શાળાના વિદ્યાર્થીઓમાં આ પ્રકારનું કૃત્ય અસામાન્ય છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓએ એક વર્ષ પછી રિપીટ વિદ્યાર્થીઓ તરીકે પરીક્ષા આપવી પડશે. અધિકારીએ જણાવ્યું હતું કે આવો જ એક કિસ્સો ૨૦૨૨માં નોંધાયો હતો, જ્યાં મધ્ય ગુજરાતના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીએ તેની કેમિક્સ અને ફિઝિક્સની આન્સરશીટમાં રૂ. ૫૦૦ની નોટો સ્ટેપલ કરી હતી.
તે પરીક્ષામાં નાપાસ થયો હતો અને તેને એક વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૧૮માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨ના સેકશન ૪૩માં સુધારો કરીને નવી જાેગવાઈ લાગુ કરવામા આવી હતી.
જેમાં કુલ ૩૩ પ્રકારના ગુના સામે સજાની જાેગવાઈ કરવામાં આવી છે. જેમાંથી ૮૦ ટકા કેસમાં વિદ્યાર્થીનું પરીક્ષાનું પરિણામ ૨દ કરી શકાય છે. પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી પાસે જે તે સંબંધિત વિષયને લગતી હાથેથી લખેલી કાપલી, નોટ્સ, માર્ગદર્શિકા, બુક, નકશો વગેરે મળશે તો પરીક્ષાથીને ચાલુ વર્ષે અને એ પછીનું વધુ એક વર્ષ પરીક્ષા આપવા નહી મળે. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીની આન્સરશીટમાથી અન્ય વિદ્યાર્થી કોપી કરતો ઝડપાશે તો બંને વિદ્યાર્થીની સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવશે.SS1MS