સસ્તામાં સોનું ખરીદવાનું જવેલર્સને ભારે પડ્યુંઃ 65 લાખની છેતરપિંડી
એક કરોડના એન્ટિક દાગીના સસ્તામાં આપવાનું કહી ૬૫ લાખની છેતરપિંડી- શાતિર ઠગ ટોળકીએ સોનીને નિશાન બનાવ્યો
અમદાવાદ, સાવ સસ્તામાં સોનાના એન્ટિક દાગીના ખરીદવાની લાલચ શહેરના એક વેપારીને બહુ ભારે પડી છે અને તેમણે રૂપિયા ૬૫ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.
મણિનગરમાં રહેતા સોનાના વેપારીને એક કરોડની કિંમતના સોનાના એન્ટિક દાગીના ૬૫ લાખમાં ખરીદવાની લલાચ આપીને શાતિર ઠગ ટોળકીએ આબાદ ફસાવ્યો હતો.
વેપારી પાસેથી ૬૫ લાખની રોકડ રકમ પડાવી લીધા બાદ પ્લાસ્ટિકના ડબામાં નકલી દાગીના પઘરાવીને ત્રણ ઠગ ફરાર થઇ ગયા હતા. મણિનગરના આનંદ આવાસ એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ સોનીએ ત્રણ શખ્સો વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. મેહુલ માણેકચોક ખાતે સોના-ચાંદીનો વેપાર કરે છે.
મેહુલ ગુજરાતના વિવિધ વેપારીઓ માટે સોના-ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે. ઉપરાંત તે સોનાના દાગીના અને લગડી વેચવાનું પણ કામ કરે છે. મેહુલ સોના-ચાંદીના દાગીનાના વેપાર માટે અલગ અલગ વેપારીઓને મળતો હોય છે. આ જ રીતે પંકજ ઠુમ્મર સાથે તેની મુલાકાત થઇ હતી.
પંકજ મેહુલના દાગીના પોતાના સર્કલમાં વેચીને કમિશન લેતો હતો. સમય જતા બંને વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઇ હતી. તેઓ એકબીજાના ઘરે પણ આવતા-જતા હતા.
પંકજ અવારનવાર કોઈને કોઈ પાર્ટીના સોનાના જૂના દાગીના લાવીને મેહુલને આપતો હતો. પંકજ ઠક્કરનગર ખાતે બાપા સીતારામ જ્વેલર્સ નામથી દુકાન ધરાવે છે. પંકજ સોના-ચાંદીના માર્કેટમાં વિવિધ સ્કીમ હેઠળ દાગીના વેચવા માટે જાણીતો હતો.
આવી જ એક સ્કીમની લાલચ આપીને પંકજે તેના ઓળખીતા અક્ષય અને સરદાર સાહેબ સાથે મેહુલની મુલાકાત કરાવી હતી. પંકજે મેહુલને કહ્યું હતું કે એક કરોડથી પણ વધુ કિંમતના સોનાના એન્ટિક દાગીના છે, પરંતુ દાગીના એન્ટિક હોવાના કારણે સરદાર સાહેબ ફક્ત રોકડા રૂપિયા આપશો તો જ માલ આપવા તૈયાર થશે.
સરદાર સાહેબ બહુ જ ગુસ્સાવાળા છે, એમને ખોટું લાગી જતું હોય છે. તેમની સાથે તમને વાત કરાવવી શક્ય નથી તેવું કહીને પંકજે મેહુલને જાળમાં ફસાવ્યો હતો.
પંકજે મેહુલને કહ્યું હતું કે તમારે ગમે તેમ કરીને ૬૫ લાખ રૂપિયા સરદાર સાહેબને આપવા પડશે, જેથી મેહુલે ૬૫ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. મેહુલે, પંકજને સરદાર સાહેબ સાથેની મીટિંગમાં પોતાને હાજર રાખવા કહ્યું હતું, પરંતુ પંકજ ગોળગોળ વાતો કરતો હતો. ત્યાર બાદ પંકજ મેહુલ પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લઈ ગયો હતો. તેણે ત્રણ મહિનામાં રૂપિયા આપી દેવાની વાત કરી હતી, પરંતુ રૂપિયા પરત આપ્યા ન હતા.
ત્યારબાદ પંકજે મેહુલને અવારનવાર ફોન કર્યા, પરંતુ તે ફોન ઉપાડતો ન હતો ને સરદાર સાથે મિટિંગ પણ કરાવતો ન હતો. એક દિવસ મેહુલને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે મને તમારો નંબર પંકજે આપ્યો છે.
ફોન કરનારે મેહુલને કહ્યું હતું કે તમારું લોકેશન મોકલો, હું ત્યાં આવી જઉં. ત્યારબાદ મેહુલ ૬૫ લાખ રૂપિયા લઈને પંકજની દુકાને ગયો હતો. પંકજ મેહુલને તેમની કારમાં બેસાડી ઠક્કરનગર કેનાલ પાસે લઈ ગયો હતો.
ત્યાંથી કોઈ અજાણી ગાડીમાં મેહુલ અને પંકજ બેઠા હતા. પંકજે મેહુલ પાસેથી ૬૫ લાખ રૂપિયા રોકડા લઇ લીધા હતા. અજાણી કારમાં આવેલા શખ્સે એક પ્લાસ્ટિકનો બંધ ડબો મેહુલને આપ્યો હતો અને કહ્યું હતું કે આ ડબામાં સોનાના એન્ટિક દાગીના છે તેને માણેકચોકની ઓફિસ પર જઈને ખોલજાે. ત્યાર બાદ પંકજ મેહુલને તેમની દુકાને લઇ ગયો હતો.
પંકજની દુકાને જઇ મેહુલ ડબો ખોલતો હતો, પરંતુ પંકજે મેહુલને કહ્યું હતું કે તમારી દુકાને જઇને ચેક કરજાે. મેહુલે તેની દુકાને જઇ પ્લાસ્ટિકનો ડબો ખોલ્યો ત્યારે તમામ દાગીના નકલી હતા અને દાગીના પર સોનાનો ઢોળ ચઢાવેલો હતો, જેથી મેહુલે તરત પંકજને ફોન કરતાં તેમણે કહ્યું હતું કે તમે ચિંતા ના કરતા, હું સરદાર સાહેબ સાથે વાત કરું છું.
તેમણે આમ કહીને ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ અવારનવાર ફોન કર્યાે. પરંતુ તે ગોળ ગોળ ફેરવતો હતો. એક કરોડના એન્ટિક દાગીના બદલામાં ૬૫ લાખ લઇ નકલી દાગીના પઘરાવી ત્રણ શખ્સોએ મેહુલ સાથે ઠગાઈ આચરી હતી, જેથી મેહુલે ત્રણ શખ્સો વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.