Western Times News

Gujarati News

ધો.૧૦નું પરિણામ જાહેર થાય તે પહેલાં ૧,૧૩૦ વિદ્યાર્થી CCTV ફૂટેજમાં ગેરરીતિ કરતાં પકડાયા

પ્રતિકાત્મક

અમદાવાદ, શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૩માં લેવામાં આવેલી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં ગેરરીતિને નિયંત્રણમાં લાવવા માટે વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સજ્જ વર્ગખંડમાં લેવાઈ હતી. ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે અને ધોરણ-૧૦નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાનું છે

ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કરેલી ગેરરીતિમાં બોર્ડના ફ્લાઈંગ સ્કવોડમાં છટકી ગયેલા વિદ્યાર્થી હવે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ઝડપાઈ ગયા છે.

સીસીટીવી કેમેરા શિક્ષણનું ત્રીજું નેત્ર બની રહ્યાં છે જેના આધારે ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા ૧૧૩૦ વિદ્યાર્થીને પકડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફ્લાઈંગ સ્કવોડ માત્ર ૬૦ વિદ્યાર્થીને જ પકડી શકી છે. વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે.

હવે પછી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીે નોટિસ આપીને બોર્ડના અધિકારીઓ સમક્ષ બોલાવાશે અને તેમનો ખુલાસો મેળવાાયા બાદ તેમના જવાબના આધારે ગેરરીતિના કેસ માટે નિયત કરેલા નિયમોનુસાર શિક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૩માં લેવાયેલી ધો-૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષાનાં પરિણામની તૈયારી કરવામાં આવી રહી છે. ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિને અટકાવવા ખંડ નિરીક્ષક, સ્થળ સંચાલક અને સ્કવોડને સ્ટેન્ડ બાય રાખ્યાં હતાં.

શિક્ષણ બોર્ડ દ્વારા ગેરરીતિ માટે નક્કી કરેલી સજાની જાેગવાઈના આધારે ગેરરીતિવાળા વિદ્યાર્થીની સામે પગલાં લેવામાં આવશે.

પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક, સ્કવોડ, સરકારી પ્રતિનિધિ, કલાર્ક, પટાવાળા સહિતના કર્મચારીઓ દ્વારા ગેરરીતિ કરાય તેની પણ અલગ અલગ સજાની જાેગવાઈ કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થી ગેરરીતિ પકડાય તો તેમાં પરિણામ રદ, બે વર્ષ સુધી પરીક્ષા આપી શકાય નહીં, તેમજ ફોજદારી કેસ સહિતની જાેગવાઈ કરાઈ છે.

ધો.૧૦ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે ૭૫૯ કેસ અને સ્કવોડ, સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક દ્વારા ૨૯ કેસ કરાયા છે. ધો.૧૨ સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે ૨૬ અને સ્કવોડ, સ્થળ સંચાલક તથા ખંડ નિરીક્ષક દ્વારા નવ કેસ કરાયા છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે ૩૪૫, અન્ય દ્વારા ૨ કેસ કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.