Western Times News

Gujarati News

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થયું G20 પ્રતિનિધી મંડળ

મંદિરની ભવ્યતા, દિવ્યતાની અલૌકિક અનુભૂતિ કરી મંત્રમુગ્ધ થયા દેશ-પરદેશના મહેમાનો-‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ની સાર્વત્રિક ભાઈચારાની મનોકામના  સહ વિશ્વશાંતિની કામના સાથે પ્રતિનિધી મંડળે સંપન્ન કર્યો લઘુયજ્ઞ

સોમનાથ, સિંહ અને G20નું સાયુજ્ય ધરાવતી રંગોળી નિહાળી ગાઈડના  માધ્યમથી જાણ્યો સોમનાથ મંદિરનો ભવ્ય ઈતિહાસ

ભારતની જી૨૦ અધ્યક્ષતા હેઠળ દિવમાં તા.૧૮-૧૯ મે ૨૦૨૩ દરમિયાન G-20 અંતર્ગત સાયન્સ-20 મિટિંગનું આયોજન કરાયુ છે. આ તકે G20 સમિટ પ્રતિનિધિ મંડળના દેશ-પરદેશના મહેમાનોએ પ્રભાસતીર્થની મુલાકાત લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરની ભવ્યતા, દિવ્યતા અને વ્યવસ્થાનો ઉત્તમ અનુભવ કરી તમામ મહેમાનો મંત્રમુગ્ધ થયા હતાં. G20 delegation blessed with darshan of first Jyotirlinga Somnath Mahadev

સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કક્ષ ખાતે અતિથિ દેવો ભવ:ની પરંપરા પ્રમાણે ઢોલ-શરણાઈથી ડેલિગેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રતિનિધિ મંડળે ભારતીય સંસ્કૃતિની છબિ ઉજાગર કરતા ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ ખૈલૈયાઓનો દાંડિયારાસ પણ નિહાળ્યો હતો.

જે પછી પ્રતિનિધી મંડળના તમામ સભ્યોએ ઈલેક્ટ્રિક ગોલ્ફકાર્ટ દ્વારા મંદિરમાં લઈ જતા સમયે દિગ્વિજય દ્વાર પાસે સોમનાથ, સિંહ અને G20નું સાયુજ્ય ધરાવતી રંગોળી નિહાળી મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

મંદિર પ્રવેશ દરમિયાન ભૂદેવોએ પ્રત્યેક સભ્યોને ભાલમાં ચંદનનો લેપ-તિલક કરી આવકાર્યા હતાં. જે પછી તમામ સભ્યો દેવાધિદેવ મહાદેવના દર્શન કરી મંત્રમુગ્ધ થયા હતાં. મહાદેવના દર્શન બાદ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ની સાર્વત્રિક ભાઈચારાની મનોકામના સહ મહાદેવ સમીપ વિશ્વશાંતિની કામના સાથે સંકિર્તન હોલમાં પ્રતિનિધી મંડળે લઘુયજ્ઞ સંપન્ન કર્યો હતો.

આ દરમિયાન તમામ મહેમાનોએ પુરાણ અને વેદના સંદર્ભે બિલિપત્ર, દુર્વા, ગૂગળ, અષ્ટગંધા, ચંદન વગેરે યજ્ઞ આહુતિના મૂળ તત્વો અને તેની ઉપયોગિતા વિશે સમજ આપતી ટૂંકી ફિલ્મ નિહાળી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદકિટ ગ્રહણ કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

G20 ઓપરેશન્સ સ્પેશ્યિલ સેક્રેટરી શ્રી મુક્તેશ કુમાર પરદેશી, જોઈન્ટ સેક્રેટરી શ્રી એલ રમેશ બાબુ, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ જોઈન્ટ સેક્રેટરી શ્રી ધર્મરાજુ સેન્થિલ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સેક્રેટરી શ્રી ડૉ.શર્વરી ચંદ્રશેખર સહિતના ડેલિગેટ્સે જ્યોતિર્માર્ગ સહિત સમગ્ર મંદિર પરિસર નિહાળી સોમનાથ મંદિરના ઈતિહાસ વિશે તલસ્પર્શી માહિતી પણ મેળવી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા, પ્રાંત અધિકારી શ્રી કે.વી.બાટી, નાયબ કલેક્ટર શ્રી ભૂમિકા વાટલિયા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત શીર્ષ અધિકારીઓએ જી20 ડેલિગેટ્સની સોમનાથ મંદિર મુલાકાતનું સુચારૂ આયોજન કર્યુ હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.